સાચો ખતરો ચોમાસા પછી શરૂ થશે, છેલ્લા 44 વર્ષમાં આવેલા ચક્રવાતો કરતાં 83 ટકા વધારે શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે, ગુજરાત પર પણ સંકટ

Spread the love

વર્ષ 2026ના ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવાની શક્યતા છે. ISROના અનુમાન મુજબ, આ ચક્રવાતોની કુલ તાકાત એટલે કે પાવર ડિસિપેશન ઇન્ડેક્સ (PDI) આશરે 13.06 × 10⁶ નોટ્સ³રહેવાનો અંદાજ છે. આ આંકડો અગાઉના 44 વર્ષમાં આવેલા ચક્રવાતોની સરેરાશ તાકાત કરતાં આશરે 83 ટકા વધારે છે. એટલે આ વખતે ચોમાસા બાદની સિઝનમાં ચક્રવાતની ગતિવિધિ વધુ સક્રિય રહી શકે છે.આ અનુમાન સમુદ્ર અને વાતાવરણ સાથે જોડાયેલા અનેક વર્ષોના આંકડાઓના અભ્યાસના આધારે કરવામાં આવ્યું છે. તેના પરથી આગામી મહિનાઓમાં ચક્રવાતની ગતિવિધિ કેવી રહી શકે તેનો અગાઉથી અંદાજ મેળવી શકાય છે. આ માહિતી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો, સરકાર અને રાહત-બચાવ ટીમોને આગોતરી તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, આ અનુમાનથી કોઈ ચોક્કસ ચક્રવાતની તારીખ કે સ્થળની માહિતી મળતી નથી.

 

ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે 3 ચક્રવાતનું અનુમાન

 

ISROના અનુમાન મુજબ, 2026ની ચોમાસા બાદની સિઝનમાં ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ચક્રવાતી તોફાન બની શકે છે. PDIના આધારે કોઈ ચક્રવાતની તાકાતનો અંદાજ લગાવવામાં આવે છે. તેમાં તોફાનની પવનની ઝડપ કેટલી છે અને તે કેટલા સમય સુધી શક્તિશાળી રહે છે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો PDI જેટલો વધુ હોય, ચક્રવાતની ગતિવિધિ એટલી જ વધુ મજબૂત રહેવાની શક્યતા હોય છે.

 

40 વર્ષના આંકડાઓના આધારે અનુમાન

 

આ અનુમાન તૈયાર કરવા માટે આશરે 40 વર્ષના હવામાન અને સમુદ્ર સંબંધિત આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં વાતાવરણ અને સમુદ્રની વિવિધ સ્થિતિઓ સાથે જોડાયેલી માહિતી સામેલ હતી. આ આંકડાઓના આધારે કઈ પરિસ્થિતિમાં વધુ ચક્રવાત બની શકે અને તેમની તાકાત કેવી રહી શકે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

ચક્રવાત બનવા અને તેની તાકાત પર અસર કરતા વિવિધ પરિબળોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી મળેલા આંકડાઓના આધારે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાનની પોસ્ટ-મોન્સૂન સિઝનમાં ચક્રવાતની ગતિવિધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

 

દરિયાકાંઠાના વિસ્તારો માટે આ માહિતી શા માટે મહત્વપૂર્ણ?

 

ઉત્તર હિંદ મહાસાગરની આસપાસ ભારત સહિત અનેક દેશોના દરિયાકાંઠાના વિસ્તારો ચક્રવાતની અસર હેઠળ આવે છે. તેથી જો અગાઉથી અંદાજ હોય કે કોઈ સિઝનમાં ચક્રવાતની ગતિવિધિ વધુ રહી શકે છે, તો આગોતરી તૈયારી કરવી સરળ બને છે.

 

સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત તથા બચાવ ટીમોને અગાઉથી તૈયાર રાખી શકે છે. માછીમારોને સમુદ્રમાં જતા પહેલાં ચેતવણી આપી શકાય છે. જરૂર પડે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ તૈયારી કરી શકાય છે.

 

જોકે, આ અનુમાન કોઈ એક ચક્રવાતની ચોક્કસ તારીખ, તેનો માર્ગ કે લેન્ડફોલનું સ્થળ જણાવતું નથી. તે માત્ર સમગ્ર સિઝન દરમિયાન ચક્રવાતની ગતિવિધિ કેટલી રહી શકે તેનો અંદાજ આપે છે. વર્ષ 2026 માટે PDIનું અનુમાન અગાઉના 44 વર્ષના સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આવી સ્થિતિમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની ગતિવિધિ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

 

કયા વિસ્તારો અસરગ્રસ્ત થઈ શકે?

 

આ સ્થિતિની સીધી અસર ભારતના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારાના વિસ્તારો પર પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના પૂર્વ કાંઠાના રાજ્યોને અસર કરી શકે છે. જ્યારે અરબ સાગરમાં સર્જાતી મજબૂત સિસ્ટમ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ કાંઠાના વિસ્તારો માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, કોઈ ચોક્કસ વાવાઝોડાની અસર તેના માર્ગ અને તીવ્રતા પર નિર્ભર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *