અમરેલીના સાવરકુંડલામાં એક એવી ઘટના સામે આવી, જેની હકીકત સાંભળીને તમારી કંપારી છૂટી જશે. એક બાપ કે જેને સૌથી વહાલું જો કોઈ હોય તો તે દીકરી છે, અને એ જ દીકરીની કોઈ બાપ પોતાના હાથે કેવી રીતે હત્યા કરી શકે? આવી કલ્પના પણ ના થઈ શકે. પરંતુ સાવરકુંડલા તાલુકામાં હકીકતમાં આવી એક ઘટનાએ આખા પંથકને સ્તબ્ધ કરી દીધો છે.પિતાએ દીકરીની હત્યા કરી, અને પોતે પણ મોતને વહાલું કરીને જિંદગી સમેટી લીધી. આખરે એક બાપ આવું પગલું ભરવા માટે કેમ મજબૂર થયો? તેની વિગતે વાત કરીશું?
પરંતુ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામના આ દૃશ્યો જુઓ. એક માતા ચોંધાર આંસુએ રડી રહી છે. પોતાનો પતિ અને દીકરી ગુમાવ્યા બાદ હવે તેની જિંદગીમાં જાણે આંસુ સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. કારણ કે જેના માટે જિંદગી જીવી રહી હતી, તે ઘરના બે સભ્યો જ હવે તેની પાસે નથી. આખરે એક પુરૂષે પોતાની પત્નીને આ રીતે નોંધારી મૂકીને કેમ ક્રૂરમાં ક્રૂર પગલું ભર્યું? તેની કહાણી સાંભળીને તમે હેરાન રહી જશો.
અમરેલીના સાવરકુંડલા તાલુકાનું હાડીડા ગામ. સામાન્ય દિવસની જેમ અહીં પણ સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી. પરંતુ કોઈને ખબર નહોતી કે ગામના એક ભાડાના મકાનની અંદર એવી ઘટના બની ચૂકી હતી, જેની ખબર પડતાં આખું ગામ હચમચી જવાનું હતું. ઘરના દરવાજા પર લોકોની ભીડ હતી. દરવાજો અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવામાં આવી રહી હતી. દરવાજો ખખડાવવામાં આવી રહ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જ જવાબ નહોતો આવી રહ્યો. આખરે સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખૂલ્યો.
અને અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. રૂમમાં કિશોરભાઈ નાથાભાઈ ધાણકનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. હાથ-પગમાં મોજા હતા અને મોઢું ઢાંકેલું હતું.
પરંતુ આ દ્રશ્ય કરતાં પણ મોટો સવાલ હજુ સામે હતો. કે કિશોરભાઈની 5 વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે દીકુ ક્યાં હતી? ઘરમાં દીકરીની શોધખોળ શરૂ થઈ. એક પછી એક રૂમ તપાસવામાં આવ્યા. નજર ઘરના ખૂણે-ખૂણે ફરી. આખરે નજર ફ્રિજ સુધી પહોંચી. ફ્રિજ ખોલવામાં આવ્યું. અને અંદર જે દેખાયું તે જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિના હોશ ઉડી ગયા.
ફ્રીજમાં 5 વર્ષની હિમાંશીનો મૃતદેહ મળી આવ્યો. પરંતુ દીકરીના મૃતદેહને જે રીતે રાખવામાં આવ્યો હતો તેણે રહસ્યને વધુ ઘેરું બનાવી દીધું. દીકરીને આસન પર બેસાડવામાં આવી હતી. ઢળી ન જાય તે માટે તેની આસપાસ ઓશિકાના ટેકા મૂકવામાં આવ્યા હતા. તેના મોઢામાં તુલસીનું પાંદડું મૂકવામાં આવ્યું હતું. અને ગળામાં ગલગોટાના ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો. માથે માતાજીની ચૂંદડી હતી. મોતને ભેટેલી દીકરીને શણગારવામાં આવી હતી. જેને જોઈ સૌ કોઈની આંખો ભરાઈ આવી.
સૌથી મોટો સવાલ એ હતો કે પિતા અને દીકરી બંનેએ આવું પગલું કેમ ભર્યું? આ સવાલનો જવાબ ઘટનાસ્થળેથી મળેલી 3 સુસાઈડ નોટમાં છૂપાયેલો છે.
પોલીસને કિશોરભાઈએ લખેલી ત્રણ સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે આર્થિક સંકટથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બાકી નીકળતા પૈસા ન મળતા તેઓ મુશ્કેલીમાં હોવાનું લખ્યું હતું. પરંતુ ચિઠ્ઠીમાં સૌથી ગંભીર ખુલાસો તેમની દીકરીને લઈને હતો. પોતાના મૃત્યુ બાદ દીકરી અનાથ અને દુઃખી ન થાય એ વિચારથી તેમણે પહેલા તેની હત્યા કરી અને મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો. તેના માટે તેમણે માફી પણ માગી.
મંજુ, મેં જીવનમાં તારા પર વિશ્વાસ ન કર્યો અને બીજા પર કર્યો. તારી બુટ્ટી પણ મે વેચી નાખી. હું તારો ગુનેગાર છું. મારા કામના પૈસા મહુવામાંથી મારા મિત્રએ ખોટા કર્યા. મેં મારા મિત્ર પર ભરોસો કર્યો અને તેણે મારી સાથે દગો કર્યો. હાલમાં મને કોઈ સહકાર આપે તેમ નથી. માટે હું અને મારી દીકરી આત્મહત્યા કરી રહ્યા છીએ. કેમ કે મારી દીકરીને મારી જેમ તમે લાડ ન લડાવી શકો. માટે હું મારી દીકરીને મારી સાથે લઇ જાઉં છું. મને ખરાબ સપનું સમજીને ભૂલી જજો. બની શકે તો માફ કરી દેજે
અહીંથી આ સમગ્ર ઘટનાની બીજી કડી શરૂ થાય છે. કિશોરભાઈ મહમદ નામના વ્યક્તિની બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ કામ માટે વારંવાર મહુવા જતા હતા. અલગ-અલગ સાઇટ પર દેખરેખ રાખવાનું, ફાઇલ પહોંચાડવાનું અને અન્ય કામ તેઓ કરતા હતા. પરિવારનો આક્ષેપ છે કે ત્રણ વર્ષ સુધીની તેમની કમાણીના પૈસા તેમને મળ્યા નહોતા. ત્યારબાદ એકસાથે 7 લાખ રૂપિયા મળ્યા હતા. પરંતુ 7 લાખ રૂપિયા મળ્યા પછી પણ મુશ્કેલી પૂરી થઈ નહોતી. 3 વર્ષની કમાણીના એકસાથે મળેલા 7 લાખ તેમણે મહમદના કહેવાથી સાઈટ પર રોકી દીધા હતા. ત્યારબાદ બીજે-ત્રીજે દિવસે વધુ 2 લાખની લોન લઈને તથા સોનાની બુટ્ટી બેંકમાં મૂકીને નાણાં રોક્યા હતા. જ્યારે મહુવા ખાતે કરેલા કામના 7.25 લાખ બાકી નીકળતા હોવા છતાં ન મળતા તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. આખરે તેમણે અંતિમ પગલું ભરી લીધુ.
જ્યારથી આ બનાવ બન્યાની જાણ થઈ, ત્યારથી તેમની પત્નીની આંખોમાંથી આંસુ સૂકાતા નથી. કોઈ માતા પોતાની દીકરીના મોતનો આઘાત કેવી રીતે સહન કરી શકે? કોઈ પત્ની પોતાના પતિના મોતનો આઘાત કેવી રીતે સહન કરી શકે? તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ મંજુબેનની વ્યથા સાંભળશો તો તમારી આંખોમાંથી પણ આંસુ સરી પડશે.
કિશોરભાઈ સાવ સીધા-સાદા માણસ હતા. કામ ખૂબ કરતા. પણ સાથે ભોળપણ એટલું કે તેમની સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી. આખરે કેવી રીતે તેમને ફસાવવામાં આવ્યા. હવે મંજુબેન પતિના મોતનો ન્યાય માગી રહ્યા છે. સાથે જ તેમના પતિની કમાણીના રૂપિયા પાછા માગી રહ્યા છે.
તેવામાં હવે પોલીસે સુસાઈડ નોટ, મૃતક કિશોરભાઈ તથા તેમના પત્ની મંજુબેનના મોબાઈલ ફોન કબજે લઈને તપાસ શરૂ કરી છે. મહુવાના મહમદ નામના વ્યક્તિ પર કરાયેલા આક્ષેપોને લઈને પણ તપાસ કરવામાં આવશે તેવો પોલીસનો દાવો છે. આખા પ્રકરણમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આશા રાખીએ કે કિશોરભાઈના પરિવારને ન્યાય મળે.
