અમદાવાદમાં MLA અમિત શાહના સ્ફોટક નિવેદનથી ખળભળાટ

Spread the love

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ સર્જાતી જળબંબાકારની સ્થિતિને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે ભારે રોષ વ્યક્ત કરતા સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવા પાછળ AMCની બેદરકારી જવાબદાર છે. લાખોના ખર્ચે બનેલી ઇન્ટરસેપ્ટર લાઇન હોવા છતાં સાબરમતી નદીમાં પાણીનો યોગ્ય નિકાલ કેમ થતો નથી, તે અંગે સવાલ ઉઠાવતા તેમણે આ લાઇનને માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન ગણાવી છે.નદીનું જળસ્તર ઘટ્યા પછી પણ લાઈનમાંથી પાણી બહાર ન આવતા વર્ષોથી તેનો મૂળ હેતુ જ સિદ્ધ થયો નથી. આ ગંભીર મુદ્દે ધારાસભ્યએ મેયર અને ચીફ ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવીને રૂબરૂ હકીકત બતાવી હતી તેમજ AMCની બેઠકમાં પણ આકરી રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી તમામ ટેકનિકલ ખામીઓ સત્વરે દૂર કરવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની છે.

 

સ્થળ પર જઈને અધિકારીઓ અને મેયર સમક્ષ ખુલ્લી પાડી દીધી પોલ

આ મુદ્દે ધારાસભ્ય અમિત શાહે પોતે સ્થળ પર જઈને તપાસ કરી હતી. તેઓ સીટી એન્જિનિયર અને મેયર હિતેશ બારોટને સાથે રાખીને રિવરફ્રન્ટની પૂર્વ બાજુ સતત ચાલીને રિવર ઓપનિંગ્સનું નિરીક્ષણ કર્યું હતું. આંબેડકર બ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે આવેલા 10 જેટલા રિવર ઓપનિંગમાંથી ક્યાંય પણ રસ્તાઓ પર ભરાયેલું પાણી નદીમાં પડતું દેખાયું નહોતું. નદીનું લેવલ ઘટાડવામાં આવ્યું હોવા છતાં અને બહાર 1 થી 2 ફૂટ પાણી ભરાયેલું હોવા છતાં ઇન્ટરસેપ્ટર લાઇનમાંથી પાણી નદીમાં આવતું જ નહોતું. આ હકીકત જોઈને મેયર અને ચીફ ઈજનેરે પણ સ્થળ પર કબૂલવું પડ્યું હતું કે સિસ્ટમ કામ નથી કરી રહી.

 

શોભાના ગાંઠિયા સમાન બની ઇન્ટરસેપ્ટર લાઇન

અમિત શાહે તીખા પ્રહારો કરતા જણાવ્યું કે નદીના બંને છેડે કરોડોના ખર્ચે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી છે, છતાં તેનો મૂળ હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. જો લાઇનમાંથી પાણી જ બહાર ન આવે તો રસ્તાઓ પરથી પાણીનો નિકાલ કેવી રીતે થાય? તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તકનીકી ક્ષતિઓ અને ખામીઓ શોધવાની જવાબદારી શું માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જ છે? અગાઉ AMC સંકલન બેઠકમાં પણ પ્રેઝન્ટેશન આપીને આકરી રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી નહોતી.

 

25 વર્ષનો અનુભવ અને તંત્ર સામે સવાલો

ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ મેયર અમિત શાહે જણાવ્યું કે તેઓ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના સ્થાપક ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને તેમની પાસે ૨૫ વર્ષ (૫ ટર્મ) નો ફિલ્ડ અનુભવ છે. આ ટેકનિકલ કારણો અને ખામીઓ દૂર કરવાની સીધી જવાબદારી અધિકારીઓની છે. આટલી આધુનિક લાઇન હોવા છતાં જો વર્ષોથી તેનો ઉપયોગ ન થતો હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જરૂરી છે.

 

સિસ્ટમ સામે જનતાનો રોષ: વહીવટી નિષ્ક્રિયતા અને ‘કાગળ પરનો વિકાસ’

જ્યારે પણ મેઘરાજા મન મૂકીને વરસે છે, ત્યારે અમદાવાદની ભવ્યતા ક્ષણવારમાં ધોવાઈ જાય છે. રાજ્યના વડા ખુદ રોડ પર ઊતરીને સૂચનાઓ આપે તે પછી પણ જો પરિસ્થિતિ જસની તસ રહેતી હોય, તો એ બાબુશાહીની ઘોર બેદરકારી દર્શાવે છે. થોડા દિવસો અગાઉ બોપલ-ઘુમામાં મુખ્યમંત્રીની મુલાકાત બાદ લોકોને આશા હતી કે સ્થાયી ઉકેલ આવશે, પરંતુ એસજી હાઈવેથી લઈને પ્રહલાદનગર સુધીના વિસ્તારો ફરીથી જળમગ્ન થતાં નાગરિકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપ્યો છે. વહીવટી તંત્રની આ નિષ્ફળતા હવે માત્ર આયોજનની ખામી નથી રહી, પરંતુ પ્રજાના વિશ્વાસ પર પ્રહાર સમાન બની ગઈ છે.

 

સ્માર્ટ સિટીના દાવાની વાસ્તવિકતા

શહેરને ‘સ્માર્ટ’ બનાવવાની ઘેલછામાં કુદરત સાથે જે ચેડાં થયાં છે, તેનો ભોગ આજે સામાન્ય અમદાવાદી બની રહ્યો છે. સિમેન્ટના આડેધડ બાંધકામો અને બિલ્ડરોને અપાતી મંજૂરીઓ વચ્ચે વરસાદી પાણીના કુદરતી વહેણને રૂંધવામાં આવ્યા છે. નિકોલ-નારોલ જેવા પૂર્વના વિસ્તારો હોય કે પશ્ચિમના પોશ વિસ્તારો, દર વર્ષે કરોડો રૂપિયા ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનો પાછળ વપરાય છે તેમ છતાં પરિણામ શૂન્ય જ રહે છે. યોગ્ય પ્લાનિંગ વગરનું શહેરીકરણ અને નબળી ગુણવત્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ વાતની સાબિતી છે કે વિકાસના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે, જેમાં સામાન્ય નાગરિક દર ચોમાસે ડૂબી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *