ગાંધીનગરમાં ડેરી પાર્લરમાંથી ચોરી કરતા, 3.43 લાખના મુદ્દામાલ સાથે તસ્કર ઝડપાયોગાંધીનગરમાં છેલ્લા નવ દિવસથી વહેલી પરોઢે ડેરી પાર્લરોને નિશાન બનાવી દૂધ, દહીં અને છાશના ભરેલા કેરેટની ચોરી કરતી શાતિર તસ્કર ગેંગનો સેક્ટર-21 પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ચોરીમાં વપરાતી ફોર વ્હીલ ગાડી, મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના કેરેટ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.43 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોકુળપુરાના રીઢા ચોર અને તેની સાથેના સગીરને ઝડપી લીધા છે.ડેરી-પાર્લર માલિકોની ગેરહાજરીમાં ચોરી કરી લેતો મળતી વિગતો અનુસાર, ગાંધીનગર શહેરમાં દૂધના કેરેટ ચોરી કરવાનો સિલસિલો 9મી સપ્ટેમ્બરથી શરૂ થયો હતો.
વહેલી સવારે અઢી થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે ડેરીઓમાંથી દૂધ અને છાસનો જથ્થો દૂધ કેન્દ્રો પર પહોંચાડવામાં આવતો હોય ત્યારે પાર્લર માલિકોની ગેરહાજરીનો લાભ ઉઠાવી આ તસ્કરો ત્રાટકતા હતા.
સેક્ટર-17માં ઈન્દ્રવદનભાઈના દૂધ કેન્દ્ર, સેક્ટર-21માં ગીરીશભાઈ પટેલના પાર્લર પરથી 15 કેરેટ, સેક્ટર-26 ગ્રીનસિટીમાં સંજયભાઈ પટેલના મારૂતિ પાર્લર ખાતેથી 17 કેરેટ, સેક્ટર-15ના જય ભોલે પાર્લર પરથી 7 કેરેટ તેમજ સેક્ટર-5 અને સેક્ટર-20માંથી મોટા પ્રમાણમાં કેરેટ ચોરાયા હતા. ટૂંક સમયમાં સાત જેટલા સ્થળોએ ચોરી થતાં વેપારીઓ અને સંચાલકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપી ગયો હતો.23 વર્ષીય તસ્કર ઝડપાયો
આ સિરીયલ ચોરીની ઘટનાઓને ઉકેલવા માટે સેક્ટર-21 પોલીસ મથકના પીઆઇ એલ.પી. દેસાઈ અને તેમની સર્વેલન્સ ટીમે કમર કસી હતી. પોલીસ સ્ટાફના માણસો જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલી ચોક્કસ સંયુક્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સેક્ટર-14 ગોકુલપુરા ખાતે રહેતા 23 વર્ષીય શિવાભાઈ રણછોડભાઈ ભરવાડને ઝડપી લીધો હતો.
તેની કડક પૂછપરછ દરમિયાન તેણે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને સાથે રાખી ગાંધીનગરના સેક્ટર-21, 17, 26, 2, 4 અને 5 માં આવેલા ડેરી પાર્લરોની બહાર મુકેલા લોખંડના પાંજરાના તાળાં તોડી તેમાંથી દૂધ-દહીંના કેરેટ પોતાની ગ્રે કલરની સ્વિફ્ટ ગાડીમાં ભરીને ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.
આ સફળ કામગીરીના પરિણામે પોલીસે સેક્ટર-21 પોલીસ સ્ટેશનના બે અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ત્રણ વણઉકેલાયેલા ચોરીના ગુનાઓ ડીટેક્ટ કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3 લાખની કિંમતની ગ્રે કલરની સ્વિફ્ટ કાર, અમૂલ લખેલા પ્લાસ્ટિકના 91 નંગ ખાલી કેરેટ, અલગ અલગ બ્રાન્ડના 5 મોબાઈલ ફોન તથા ચોરીમાં વપરાયેલું લોખંડનું પાનું મળીને કુલ 3.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.