શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા મણિયાસા નજીક મહાલક્ષ્મી કોલોની રોડ પર વૃદ્ધ પતિ સાથે બેંકમાં જઈ રહેલા 63 વર્ષીય વૃદ્ધાનો રસ્તો આંતરીને ટુ-વ્હીલર પર આવેલા બે શખ્સોએ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગળામાંથી રૂ. 1.10 લાખની 12 ગ્રામની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. જોકે, લૂંટ ચલાવીને ભાગવા જતાં આરોપીઓનું ટુ-વ્હીલર થોડે દૂર સ્લિપ થઈ જતાં લોકોએ પિતા અને તેના 17 વર્ષીય સગીર પુત્રને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકરનગરના વતની અને હાલ અમરાઇવાડીમાં રાવજી પટેલની ચાલીમાં રહેતા 63 વર્ષીય અમરાવતીદેવી રાજેન્દ્રપ્રસાદ ત્રિપાઠી ગઈકાલે 17 સપ્ટેમ્બરના રોજ સવારે પતિ સાથે મણિનગર અંડરબ્રિજ પાસે આવેલી બેંક ઓફ બરોડામાં જવા ચાલતા નીકળ્યા હતા. સાડા અગિયારેક વાગ્યે ખોખરા મણિયાસા મહાલક્ષ્મી કોલોની પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક એક્સેસ ટુ-વ્હીલર પર બે શખ્સો આવ્યા હતા.
બંનેએ કાળા રંગના રેઇનકોટથી મોં ઢાંકેલા અને હેલ્મેટ પહેરેલા હતા. બંને શખસોએ વૃદ્ધ દંપતીની આગળ પોતાનું ટુ-વ્હીલર ઊભું રાખ્યું અને પાછળ બેઠેલો શખસ નીચે ઊતરીને વૃદ્ધા પાસે પહોંચ્યો હતો. તેણે ચપ્પુ બતાવીને ધમકી આપી હતી કે ‘આ ચેઇન મને આપી દે નહીંતર તને જાનથી મારી નાખીશ’. વૃદ્ધા ગભરાઈ જતાં આરોપીએ તેમના ગળામાં ઝાપટ મારી બળજબરીથી ચેઇન ખેંચી લેતાં સાંકળ તૂટી ગઈ હતી.
આ તૂટેલી ચેઇન લઈને બંને શખસોનું એક્સેસ લઈ ભાગ્યા, જોકે થોડે આગળ જતાં અચાનક સ્લિપ ખાઈ ગયું હતું, જેથી બંને રસ્તા પર પટકાયા હતા. દંપતીએ બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને બંનેને પકડી પાડ્યા હતા. દરમિયાન પતિએ 112 કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓ પણ લોકોનું ટોળું જોઈ દોડી આવ્યા હતા. પોલીસે બંનેને ઘટનાસ્થળેથી જ પકડી તપાસ શરૂ કરી છે.
