ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના સંપત્તિ અને જમીન સંબંધી અધિકારોના રક્ષણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીનો પોતાના પિતૃક હક ક્યારેય સમાપ્ત થતો નથી. લગ્ન થઈ ગયા બાદ પણ મહિલા પોતાની ખેડૂત તરીકેની ઓળખ કે દરજ્જો ગુમાવતી નથી, જેથી જમીન પરનો તેનો કાનૂની અધિકાર યથાવત રહે છે.જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ આ કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, જો મહેસૂલી રેકોર્ડમાંથી કોઈ મહિલાનું નામ છેતરપિંડી કે ગેરરીતિ કરીને દૂર કરવામાં આવ્યું હોય, તો પણ તેનાથી તેનો મૂળ ખેડૂત તરીકેનો કાયદાકીય દરજ્જો નાબૂદ થઈ જતો નથી. ખોટી રીતે નામ રદ કરવાથી મહિલાના વારસાગત હકો છીનવાઈ શકતા નથી.
પોરબંદર કલેક્ટરનો આદેશ રદ અને જૂની નોંધ પુનઃસ્થાપિત
હાઈકોર્ટે આ બાબતે કડક વલણ અપનાવીને પોરબંદર કલેક્ટર દ્વારા 19 ઓગસ્ટ 2016ના રોજ આપવામાં આવેલો આદેશ રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે અરજદાર મહિલાનું નામ મહેસૂલી રેકોર્ડમાં ફરીથી દર્શાવતી 26 મે 1990ની મૂળ નોંધોને તુરંત પુનઃસ્થાપિત કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.
આ સમગ્ર વિવાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની એક મહિલા અરજદાર સાથે જોડાયેલો હતો. જમીન સંબંધી મહેસૂલી બાબતોમાં એક ત્રીજા પક્ષે બિનજરૂરી વાંધો ઉઠાવતા આ વિવાદ ઊભો થયો હતો. પોતાના વાજબી હક માટે મહિલાએ આખરે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાં કોર્ટે મહિલાના પક્ષમાં આ ક્રાંતિકારી ચુકાદો આપીને ન્યાય આપ્યો છે.
