સુરતના બિલ્ડરોના 1000 કરોડના સપના પર પાણી, પોશ વિસ્તારની ફાજલ જમીનનો કેસ હાઈકોર્ટે ફગાવ્યો

Spread the love

સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચાવનારા અઠવા, રુંઢ અને વેસુ ગામની આશરે 96,818 ચોરસ મીટર ફાજલ જમીનના કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક અગ્રણી બિલ્ડર ગ્રૂપ, મૂળ જમીન માલિકો સહિતના પેટિશનરોની પિટિશન ફગાવી દીધી છે. આશરે રૂ. 1,000 કરોડની બજાર કિંમત ધરાવતી આ જમીન અંગે જસ્ટિસ નિખિલ એસ. કારીયેલની કોર્ટે અર્બન લેન્ડ સીલિંગ (ULC) એક્ટ, 1976 હેઠળ સરકારે હાથ ધરેલી કાર્યવાહી અને કબજાને માન્ય ગણાવ્યો છે.મૂળ જમીન માલિક ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ વગેરે તરફથી મુખ્ય દલીલ કરવામાં આવી હતી કે ULC Repeal Act, 1999 અમલમાં આવ્યો ત્યાં સુધી સરકારે જમીનનો વાસ્તવિક ભૌતિક કબજો લીધો નહોતો અને બનાવાયેલું પંચનામું માત્ર કાગળ પરનું હતું. ઉપરાંત, કલમ 20 હેઠળ તા. 14-11-1979નો મુક્તિ હુકમ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

 

જોકે, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, જમીન માલિકોને નોટિસો આપવા છતાં તેમણે પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો અને તા. 11-02-1986ના રોજ સ્થળ પર પંચનામું તથા નકશા તૈયાર કરીને વધારાની જમીનનો ‘de facto’ કબજો કાયદેસર રીતે મેળવી લેવાયો હતો. 1979ના મુક્તિ હુકમ અંગે સરકારે જણાવ્યું હતું કે, સરકારી ચોપડા કે રજિસ્ટરમાં તેની કોઈ નોંધ ઉપલબ્ધ નથી અને દસ્તાવેજ શંકાસ્પદ છે.

 

ચૂકાદામાં જસ્ટીસ નિખિલ કરિઆલે નોંધ્યું કે કલમ 10(5) અને 10(6) હેઠળની પ્રક્રિયા પૂર્ણ કરી 1986માં વાસ્તવિક કબજો લેવાયો હોવાથી ULC Repeal Act, 1999થી સરકારમાં જમીનનું વેસ્ટિંગ રદ થતું નથી. મુક્તિ હુકમની મૂળ કે અધિકૃત નોંધ કે કાયદેસરનો રેકર્ડ સરકારી કચેરીમાં ઉપલબ્ધ ન હોવાથી અરજદારોને તેનો લાભ પણ આપવામાં આવ્યો નહોતો. પરિણામે તેની અધિકૃતતા સાબિત થતી નથી.

 

સુરતના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ઘેરા પડઘા

 

પિટિશન ફગાવી દેવાતા સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ ચૂકાદાના ઘેરા પડઘા પડ્યા છે. અંદાજે રૂ. 1,000 કરોડની કિંમત ધરાવતી આ વિશાળ જમીન બાબતે હાઈકોર્ટના આ કડક ચુકાદાથી સુરતના બિલ્ડર સિન્ડિકેટ અને જમીન માલિકોમાં સન્નાટો વ્યાપી ગયો છે. બીજીતરફ સરકારી તંત્રની આ કાનૂની સફળતા બાદ આગામી સમયમાં સરકારી અને ફાજલ જમીનોના નિકાલ તથા કબજાની કાર્યવાહી વધુ વેગવાન બનાવાય તેવું જોવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *