નિવૃત્તિ પછી ‘એક્સ્ટેન્શન’ પર પાટીલનો પ્રહાર! યુવા પેઢીનો હક ન છીનવાય, સરકારી બાબુઓને એક્સ્ટેન્શન બંધ કરવાની ઉઠી માંગ

Spread the love

ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વના પદ પર અધિકારીઓ નિવૃત થયા બાદ પણ એક્સટેશન બાદ એક્સટેન્શન મેળવી યથાવત રહેતા હોય છે. જેના કારણે જે પદ માટે જે હકદાર હોય છે તે વંચિત રહેતા હોય છે. ત્યારે સુરતમાં રોજગાર મેળામાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ મુદ્દાને લઈ મહત્વની વાત કરી.

 

પાટીલે કહ્યું કે, નોકરીના અંતિમ સમયમમાં અપાતા એક્સ્ટેન્શનનો હું સખત વિરોધી છું. સરકારી નોકરીમાં એક્સટેન્શન આપવાના કારણે નવયુવાનોના હકો છીનવાઈ જાય છે.

 

ઉંમરમાં એક દિવસ વધી જાય તો પણ યુવાન સરકારી નોકરીની તક ગુમાવી દે- પાટીલ

 

સુરતના સરસાણા કન્વેન્શ સેન્ટરમાં આયોજીત રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે હાજરી આપી. કાર્યક્રમમાં યુવાઓને સંબોધતા પાટીલે પોતાના મનની વાત કરતા કહ્યું કે, તેઓ નોકરીના અંતિમ સમયમાં અપાતા એક્સટેન્શનના સખત વિરોધી છે.

 

ઘણીવાર એવો તર્ક આપવામાં આવે છે કે, 30 કે 35 વર્ષના દીર્ઘ અનુભવનો લાભ લેવો જોઈએ, પરંતુ તેનાથી મોટું નુકસાન યુવા પેઢીને ભોગવવું પડે છે. જો કોઈ કર્મચારીને એક્સટેન્શન આપવામાં આવે, તો આજે જે નવો યુવાન નિયુક્તિ પત્ર મેળવી રહ્યો છે તેનો એક વર્ષનો અધિકાર છીનવાઈ જાય. આયુષ્યનો એક દિવસ પણ વધી જવાના કારણે કોઈ લાયક યુવાન સરકારી નોકરી મેળવવાની તક ગુમાવી બેસે છે.

સરકારી નોકરી અને કર્મચારીઓ પ્રત્યે વધતો અસંતોષ કેમ?

 

અન્ય એક મુદ્દા પર બોલતા પાટીલે કહ્યું કે, સામાન્ય રીતે લોકોના મનમાં સરકારી નોકરી કરનાર કર્મચારીઓ કે અધિકારીઓ પ્રત્યે એક નકારાત્મક છબી ઊભી થતી જતી હોય છે. આ સ્થિતિ પાછળ આપણી કામ કરવાની પદ્ધતિ અને સમયસર નિર્ણયો ન લેવાની માનસિકતા જવાબદાર છે. જ્યારે આપણે કોઈ મહત્ત્વના નિર્ણય લેવામાં અસહાય કે મોડા પડીએ છીએ, ત્યારે સામાન્ય નાગરિકોની જરૂરિયાતો સમયસર પૂરી થતી નથી. આ વિલંબને કારણે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મોટું નુકસાન સહન કરવું પડે છે, જે સરકારી તંત્ર અને જનતા વચ્ચે અંતર વધારે છે.

 

સમયસર નિર્ણયો લેવાની અનિવાર્યતા

 

તેઓએ જણાવ્યું હતું કે, જીવન કે વહીવટી કામકાજમાં ક્યારેય નિર્ણયો લેવાનું કાલ પર છોડવું જોઈએ નહીં. જો કોઈ નિર્ણય આજે જ લેવાનો હોય, તો તેને તાત્કાલિક અમલમાં મૂકવો અનિવાર્ય છે. નિર્ણયોમાં થતી બિનજરૂરી દેરી માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પેઢીના ભવિષ્યને પ્રભાવિત કરે છે.

 

મનમાં એવો દ્રઢ સંકલ્પ રાખવો જોઈએ કે આપણને સોંપાયેલી જવાબદારીના નિર્ણયો યોગ્ય સમયે જ લેવાય, જેથી કોઈની પણ રાહ જોવી ન પડે અને યોગ્ય વ્યક્તિને સમયસર તેનો લાભ મળી શકે.

 

CMOમાં 7 નિવૃત્ત અધિકારીઓ, અન્ય વિભાગોમાં પણ પોસ્ટ-રિટાયરમેન્ટ નિમણૂકો

 

ગુજરાત સરકારમાં અધિકારીઓની નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખવાની પદ્ધતિ ફરી ચર્ચામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ની સત્તાવાર વેબસાઇટ પર હાલમાં 7 નિવૃત્ત અધિકારીઓ વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત CMOની બહાર પણ નિવૃત્ત અધિકારીઓને કરાર આધારિત અથવા મહત્વના સરકારી પદો પર ચાલુ રાખવાના તાજેતરના કિસ્સા સામે આવે છે.આમ, CMOની સત્તાવાર યાદી પ્રમાણે 18માંથી 7 અધિકારીઓ નિવૃત્ત હોવા છતાં વિવિધ જવાબદારીઓ પર છે.

 

હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોર લાંબા સમયથી સરકાર સાથે

 

ડૉ. હસમુખ અઢિયા નવેમ્બર 2018માં નિવૃત્ત થયા બાદ જાન્યુઆરી 2023થી ગુજરાતના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ GIFT City, GACL અને GMDC જેવી રાજ્યની કંપનીઓમાં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ જોડાયેલા છે.

 

એસ.એસ. રાઠોર પણ નિવૃત્ત અધિકારી છે અને CMOમાં એડવાઇઝર તરીકે ચાલુ છે. સરકારના બોર્ડમાં તેમની જવાબદારી પણ રહી છે; ગુજરાત મેરીટાઇમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર તેઓ હાલમાં ચેરમેન અને CMના એડવાઇઝર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ corporation માં પણ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

 

CMOની બહાર પણ નિવૃત્તિ બાદ સેવા પી. આર. પટેલિયાનું ઉદાહરણ સૌથી તાજેતરનું છે.

 

તેઓ 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થવાના હતા અને ત્યારબાદ 1 એપ્રિલ 2026થી એક વર્ષ માટે કરાર આધારિત માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત, 29 ઓગસ્ટ 2026ની સરકારની બે નોટિફિકેશન મુજબ કે. બી. રબાડિયા (નિવૃત્ત) ને સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર તરીકે અને પી. સી. વ્યાસ (નિવૃત્ત) ને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ તરીકે 31 ઓગસ્ટ 2027 સુધી એક વર્ષ માટે કરાર આધારિત સેવા-વિસ્તરણ આપવામાં આવ્યું છે.

 

એમ. કે. દવેનું પણ તાજેતરનું ઉદાહરણ છે. થોડા મહિના પહેલાં ગાંધીનગર કલેક્ટર તરીકે નિવૃત્ત થયેલા દવેને જુલાઈ 2026માં રાજ્યપાલના સચિવ તરીકે એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવામાં આવી હતી.

 

નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી સરકારી જવાબદારી સંભાળવાનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ કે.

 

કૈલાશનાથનનું રહ્યું છે. તેઓ 2013માં IASમાંથી નિવૃત્ત થયા બાદ પણ CMOમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે સતત સેવા આપતા રહ્યા અને જૂન 2024માં અંતે CMOમાંથી વિદાય લીધી.

વિકાસ સહાયને પણ નિવૃત્તિના દિવસે 6 મહિનાનું એક્સટેન્શન

 

ગુજરાતના તત્કાલીન DGP વિકાસ સહાયને પણ નિવૃત્તિના દિવસે જ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય 30 જૂન 2025ના રોજ વયનિવૃત્ત થવાના હતા, પરંતુ કેન્દ્રની કેબિનેટની નિમણૂક સમિતિએ તેમની સેવા 30 જૂન 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ તેઓ વધુ છ મહિના ગુજરાતના પોલીસ વડા તરીકે ચાલુ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *