અમદાવાદમાં AMTSની બસોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. મેઘાણીનગર વિસ્તારમાં એક જ રૂટ પર દોડતી બે ઈલેક્ટ્રિક બસ પર એકસરખી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. બંને બસ પર GJ 27 TJ 3550 નંબર જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક બસ RTOમાં GJ 27 TJ 5196 નંબરથી રજિસ્ટર્ડ હોવા છતાં તેના પર રજિસ્ટર્ડ નંબર પ્લેટ લગાવવામાં આવી નહોતી.અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં AMTSની ઈલેક્ટ્રિક બસોને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક જ રૂટ પર દોડતી બે અલગ-અલગ બસ પર એક જ નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, બંને બસ પર GJ 27 TJ 3550 નંબર જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય એક બસ RTOમાં GJ 27 TJ 5196 નંબરથી રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. જોકે આ બસમાં RTO દ્વારા ફાળવવામાં આવેલ નંબર પ્લેટ લગાવવામાં આવી નહોતી.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ બસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ AMTS સત્તાધીશોએ ઈલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટર એરો ઈગલ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ પાસે સમગ્ર મામલે ખુલાસો માગ્યો હતો.
AMTS દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે સત્તાધીશો સમક્ષ ખુલાસો કર્યો હતો. કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, RTO તરફથી નંબર પ્લેટ મળવામાં વિલંબ થયો હતો. તેના કારણે ટેમ્પરરી નંબર પ્લેટ લગાવી હતી એટલે કે TC નંબર પ્લેટ લગાવવાની જગ્યાએ હંગામી ધોરણે એક જ નંબરની બીજી નંબર પ્લેટ બનાવીને બસ પર લગાવવામાં આવી હતી.
એટલે કે RTOની નંબર પ્લેટની રાહ જોતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા એક જ નંબરની બીજી પ્લેટ બનાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ પ્રક્રિયા નિયમ અનુસાર હતી કે નહીં તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે AMTS વિભાગે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે
