ભારતમાં આગામી મહિનાઓમાં હવામાનનું ચિત્ર બદલાઈ શકે છે. 2026-27 દરમિયાન શક્તિશાળી ‘સુપર અલ નીનો’ની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારતના 188 ઇકોલોજિસ્ટ્સે સંશોધન અને પર્યાવરણીય મોનિટરિંગ વધારવાની અપીલ કરી છે. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ Zenodo પર પ્રકાશિત અપીલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ ઘટના ભારતની જમીની, મીઠા પાણીની અને દરિયાઈ ઇકોસિસ્ટમ પર અસાધારણ અસર કરી શકે છે.અલ નીનો પેસિફિક મહાસાગરના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં અસામાન્ય વધારો અને વાતાવરણીય ફેરફારો સાથે જોડાયેલી કુદરતી આબોહવા ઘટના છે. ભારત માટે અલ નીનો ઘણીવાર નબળા ચોમાસા અને વધુ ગરમી સાથે જોડાય છે, જોકે દરેક અલ નીનોની અસર એકસરખી હોતી નથી. વૈજ્ઞાનિકોની ચિંતા માત્ર વરસાદ અને તાપમાન પૂરતી મર્યાદિત નથી. લાંબી ગરમી અને પાણીની અછતથી કૃષિ, જંગલો અને વન્યજીવન પર દબાણ વધી શકે છે. સૂકા વિસ્તારોમાં જંગલની આગનું જોખમ વધી શકે છે, જ્યારે દરિયાઈ તાપમાનમાં વધારો કોરલ રીફ અને માછલીઓના રહેઠાણને અસર કરી શકે છે.
મજબૂત થવાના સંકેતો
તાજેતરના આંતરરાષ્ટ્રીય હવામાન અહેવાલોમાં પણ 2026ના અલ નીનોના મજબૂત થવાના સંકેતો સામે આવ્યા છે. જોકે તેની ચોક્કસ સ્થાનિક અસર અંગે હજુ અનિશ્ચિતતા છે.વૈજ્ઞાનિકોએ સરકાર અને સંશોધન સંસ્થાઓને અગાઉથી મોનિટરિંગ, સ્થાનિક હવામાન રેકોર્ડ અને લાંબા ગાળાના પર્યાવરણીય અભ્યાસને મજબૂત કરવાની અપીલ કરી છે. તેમનો ભાર નુકસાન થયા બાદ અભ્યાસ કરતાં અગાઉથી ડેટા એકત્રિત કરવા પર છે.
