960b08fd-695d-414e-a220-a0278c714f00 5c2cab81-4b28-410f-82db-3c27567d9abf
વિડિયો લિંક
મુસાફરો અને શહેરીજનોની અવરજવર સરળ બને તથા ટ્રાફિકનું અસરકારક સંચાલન થાય તે માટે સ્થળ પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલાં અંગે ચર્ચા
અમદાવાદ
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ, સલામત અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે એએમસી અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કાલુપુર રેલવે સ્ટેશન શહેરના મહત્વપૂર્ણ જાહેર પરિવહન કેન્દ્રોમાંનું એક હોવાથી અહીં મુસાફરો, વાહનો, ઓટોરિક્ષા તથા અન્ય વાહનોની સતત અવરજવર રહે છે. પરિણામે ટ્રાફિકના સુચારૂ સંચાલન માટે સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનું સંકલિત રીતે નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનરશ્રી, ડીસીપી ટ્રાફિક વેસ્ટ તથા ટ્રાફિક પોલીસ સ્ટેશન ‘ઈ’ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એસ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનરશ્રી, મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રી તેમજ મધ્ય ઝોનના ઇજનેરશ્રી તથા એસ્ટેટ વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.સંયુક્ત ટીમ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં વાહનોની અવરજવર, મુસાફરોની અવરજવર, પાર્કિંગ વ્યવસ્થા તથા ટ્રાફિકના પ્રવાહ સહિતના વિવિધ પાસાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક પોલીસ અને AMCના અધિકારીઓ દ્વારા સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના સરળ પ્રવાહ, જાહેર માર્ગ પર અવરોધો દૂર કરવા તથા મુસાફરો અને વાહનચાલકોની અવરજવર વધુ સુગમ બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નાગરિકોની સરળ અને સલામત અવરજવર, ટ્રાફિકના સુચારૂ સંચાલન તથા જાહેર માર્ગોની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાના હેતુથી સંકલિત કામગીરીને સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
