એર હોસ્ટેસ બનવાનું સપનું અને તેની ઝાકમઝોળ ભરેલી ટ્રેનિંગ… પરંતુ સમય બદલાતાં તેણે આકાશની ઊંચાઈઓને બદલે જમીન પર 16 ટનના ભારે-ભરખમ ટ્રકનું સ્ટીયરિંગ સંભાળી લીધું. આ પ્રેરણાદાયી કહાની છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની 25 વર્ષીય નેહા ઠાકુરની, જે આજે હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર બનીને લાખો મહિલાઓ માટે મિસાલ બની ગઈ છે.નેહાના પિતા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ટ્રક ચલાવે છે. બાળપણમાં પિતા ઘણીવાર ટ્રકમાં જ નેહાને સ્કૂલે મૂકવા જતા હતા, જ્યાંથી તેનો ગાડીઓ અને પહાડી રસ્તાઓ સાથે અનોખો લગાવ બંધાઈ ગયો હતો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી નેહાએ ચંદીગઢથી એર હોસ્ટેસની ટ્રેનિંગ લીધી અને એવિએશન સેક્ટરમાં કામ પણ કર્યું. જોકે કોરોના મહામારી દરમિયાન પરિસ્થિતિ બદલાતાં તેણે પોતાના બાળપણના શોખને જ કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. વર્ષ 2022માં તેણે હેવી મોટર વ્હીકલ (HMV) લાયસન્સ મેળવ્યું અને હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર બની નવો ઈતિહાસ રચ્યો.નેહા આજે એક સફળ અને લોકપ્રિય ટ્રક વ્લોગર પણ છે. રોજ સવારે ટ્રક સ્ટાર્ટ થવાની સાથે તેનો કેમેરો પણ શરૂ થઈ જાય છે. હિમાચલના સાંકડા અને જોખમી વળાંકો, ગાઢ ધુમ્મસ, મુશળધાર વરસાદ અને માલસામાનના લોડિંગ-અનલોડિંગના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. પહાડી રસ્તા પરના તેના એક વીડિયોને 6 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આજે તેને દેશભરમાંથી પ્રશંસા અને મોટી બ્રાન્ડ્સ તરફથી એડ ડીલ્સ પણ મળી રહી છે.
રૂઢિચુસ્ત માનસિકતાને આપી માત
જ્યારે લોકો તેને પૂછે છે કે એર હોસ્ટેસની ચમકદાર નોકરી છોડીને ટ્રક કેમ ચલાવવો પડ્યો, ત્યારે તેનો સરળ અને સ્પષ્ટ જવાબ હોય છે-‘ટ્રક કેમ નહીં?’ નેહાનું માનવું છે કે પુરુષ પ્રધાન ગણાતા ક્ષેત્રોમાં મહિલાઓ અંગેની જૂની માનસિકતા બદલવી જરૂરી છે. સમાજની ચિંતા કર્યા વગર પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવાથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આજે નેહાની સફર દેશની અનેક દીકરીઓને નીડર બનીને પોતાની પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવાની નવી પ્રેરણા આપી રહી છે.
