રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની શરૂઆત આજથી એટલે કે ૨૧ સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલા વેલમાર્ક લો-પ્રેશરની સંયુક્ત અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે. આ સિસ્ટમ્સના પ્રભાવને કારણે ઠંડા પવનો સાથે વરસાદી માહોલ જામવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, રાજ્યમાં હાલ ૭ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. અત્યાર સુધીની મોસમ દરમિયાન રાજ્યમાં સરેરાશ ૬૩૩.૬ મીમી એટલે કે ૨૪.૯૪ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમય સુધીમાં ૬૮૨.૯ મીમી (૨૬.૮૮ ઈંચ) વરસાદ થવો જોઈએ. બીજી તરફ, દેશના જે વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે તેમાં રાજસ્થાનના જેસલમેર, નાગૌર, સીકર ઉપરાંત રોહતક અને પટિયાલાનો સમાવેશ થાય છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે થી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થવાની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર ૩.૧ થી ૭.૬ કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં ફૂંકાતા પવનોની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. આ ઉપરાંત, બંગાળની ખાડીમાં એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના ૨૪ કલાકમાં વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધીને આગામી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે.
આજની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડકાભડાકા સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે-સાથે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે, જેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે.
