ગુજરાત વિદ્યાપીઠની મેસમાં મોડી રાતે એબીવીપીની તપાસથી ભારે હંગામો, બિનખાદ્ય પદાર્થો અને સડેલા ડુંગળી-ટામેટા મળ્યા , પોલીસ બોલાવાઇ

Spread the love

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. થોડા દિવસ પહેલાં મેસમાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓએ એ જ સ્થિતિમાં ભોજન લેવું પડ્યું હતું.હવે એબીવીપી દ્વારા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટેની મેસ અને કિચનની તપાસ કરવામાં આવતાં બિનખાદ્ય પદાર્થો, ગંદકી અને સડેલી શાકભાજી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. રાત્રે થયેલી આ તપાસ બાદ ભારે હંગામો મચ્યો હતો અને પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી.

 

રાજ્યના આરોગ્ય વિભાગે તમામ હોસ્ટેલ અને કેન્ટિનમાં સુવિધાઓ તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાનું શરૂ કર્યું છે. આ કામગીરી વચ્ચે એબીવીપી દ્વારા પણ હોસ્ટેલ અને કેન્ટિનમાં ખાવાની વસ્તુઓ તથા સ્વચ્છતાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે ભોજન તૈયાર કરવા કોમન કિચનની વ્યવસ્થા છે, જ્યારે ભોજન કરવાની વ્યવસ્થા અલગ અલગ રાખવામાં આવી છે. એબીવીપી દ્વારા ગઈકાલે રાત્રે કિચન-મેસમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક ચીજવસ્તુઓ એક્સપાયરી ડેટની હોવા ઉપરાંત બિનખાદ્ય પદાર્થો પણ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ડુંગળી અને ટામેટા સડેલી હાલતમાં હોવાના ફોટા પણ એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

 

એબીવીપીનો આક્ષેપ છે કે મેસમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી જોવા મળી છે. બીજી તરફ રાત્રે વિદ્યાર્થિનીઓની મેસમાં તપાસ થતાં તેઓ ડરી ગયા હતા અને પોલીસને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનની ટીમે પણ સ્થળ પર તપાસ કરી હતી અને વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી હતી.

 

ગુજરાત વિદ્યાપીઠ તંત્રનું કહેવું છે કે મેસનું સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે અને મેસનું સંચાલન પણ તેઓ જ કરે છે. આ તરફ રાજ્યની સૌથી મોટી અને સૌથી જૂની સરકારી ઈજનેરી કોલેજ તરીકે ઓળખાતી અમદાવાદની એલ.ડી. કોલેજની મેસમાં પણ ભારે ગંદકી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ભોજન બનાવવાની જગ્યા અત્યંત ગંદી હોવાની સાથે મેસની દિવાલો પર પણ ગંદકી જોવા મળે છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા થયા છે.

 

દરમિયાનમાં ગૂજરાત વિદ્યાપીઠે એક અખબારી યાદીમાં કન્યા છાત્રાલયમાં મોડી રાત્રે એબીવીપીના કાર્યકરો દ્વારા ગેરકાયદે પ્રવેશની ઘટનાને નિંદનીય ગણાવી છે. યાદીમાં જણાવ્યું છે કે મોડી રાત્રે એબીવીપીના કેટલાક કાર્યકરોએ ગૂજરાત વિદ્યાપીઠની કન્યા છાત્રાલયમાં ધમાલ તથા અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું હતું. કન્યા છાત્રાલયમાં આશરે 500 વિદ્યાર્થીનીઓ રહે છે ત્યારે મોડી રાત્રે આ પ્રકારનો અનધિકૃત પ્રવેશ ગંભીર બાબત છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો શાંત થયો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે સંબંધિત કાર્યકર્તાઓ દ્વારા માફી માંગવામાં આવી હતી. તેમના આ નિંદનીય પ્રયાસને અમે વખોડીએ છીએ.

 

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને UGCના સંબંધિત નિયમોનું કડક પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેનું આ કાર્યકરો દ્વારા જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ સાથે કન્યા અને કુમાર છાત્રાલયના રસોડા અંગે પણ કેટલીક ટીકાઓ કરવામાં આવી છે, જે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. આ પ્રકારની કાર્યવાહી માત્ર પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી કરવામાં આવી હોય તેમ જણાય છે.

 

વિદ્યાપીઠના છાત્રાલયનું રસોડું વિદ્યાર્થીઓની સહભાગિતા સાથે વિદ્યાર્થીઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે જરૂરી તકેદારી રાખવામાં આવે છે. દર ત્રણ દિવસે તાજા શાકભાજીની ખરીદી કરવામાં આવે છે અને ઉપયોગ માટે યોગ્ય ન હોય તેવા શાકભાજીને અલગ કરવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા અંગે હંમેશાં જરૂરી કાળજી રાખવામાં આવે છે.

 

વિદ્યાપીઠ વિદ્યાર્થીઓની સુરક્ષા, સ્વચ્છતા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને સુરક્ષિત તથા શિસ્તબદ્ધ રહેણાંક વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *