અમેરિકા પર 40 ટ્રિલિયન ડોલરનું દેવું હોવા છતાં ‘ડોલર’નો દબદબો કેમ અકબંધ છે? જાણો દુનિયાભરમાં કેમ વાગે છે તેનો સિક્કો

Spread the love

અમેરિકન ડોલરની વેલ્યૂ સાવ ધોવાઈ જાય તો કદાચ કોઈ ગુજરાતી અમેરિકામાં પૈસા કમાવવા માટે ના જાય. એક દિવસ ડોલરની વેલ્યૂ સાવ તળિયે આવી જશે તેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આવું કંઈ થવાને બદલે ડોલર તો (US Dollar Dominance)દિવસેને દિવસે વધુ મજબૂત જ થતો જાય છે. ચાઈનીઝ ડ્રેગન ભલે અમેરિકા સામે ફુંફાડા મારવા જેટલો શક્તિશાળી થઈ ગયો હોય, છતાં ગ્લોબલ કરન્સી રિઝર્વમાં તેનો હિસ્સો માંડ બે ટકા જેટલો જ થાય છે.આ આર્ટિકલમાં આપણે સમજીશું કે વર્ષો પછી પણ ડોલરનો દબદબો કેમ કાયમ રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેને કોઈ કેમ પડકારી શકે તેમ નથી?

 

અમેરિકાનું વધતું દેવું અને હાવર્ડના અર્થશાસ્ત્રીનું વિશ્લેષણ

આમ તો અમેરિકાએ ડોલરની મજબૂતી અને ગરજનો ખૂબ જ ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ આ ફાયદો મેળવવામાં તેના માથે 40 ટ્રિલિયન ડોલરનું જંગી દેવું થઈ ગયું છે. તેમાંય ટ્રમ્પ પાછા મિડટર્મ ચૂંટણી જીત્યા બાદ દરેક એડલ્ટ અમેરિકનને 5000 ડોલરની ખૈરાત કરવાની વાતો કરી રહ્યા છે, જેના કારણે અમેરિકાના દેવામાં દોઢેક ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે. હાલ સ્થિતિ એવી છે કે દેશની જીડીપી કરતા તેનું દેવું વધી ચૂક્યું છે અને તેનો ગ્રાફ રોજેરોજ ઉપર જઈ રહ્યો છે. હાવર્ડના ઈકોનોમિસ્ટ કેનેથ રોગફનું માનવું છે કે ડોલરની વર્લ્ડ ઈકોનોમીમાં જે વેલ્યૂ છે તેના કારણે અમેરિકાને દેવું કરવામાં આસાની રહી છે. જોકે, જો ઈન્વેસ્ટર્સનો ડોલરમાં રહેલો વિશ્વાસ ડગમગી જાય તો તેઓ વધારે વ્યાજની ડિમાન્ડ કરશે, જેનાથી સરકાર માટે નવું દેવું કરવું ઘણું મોંઘું થઈ જશે.

 

વ્યાજનો વધતો બોજ અને ફેડરલ બજેટની ખાધ

કોંગ્રેસનલ બજેટ ઓફિસના અંદાજ અનુસાર, નાણાકીય વર્ષ 2026માં જ ફેડરલ ગવર્મેન્ટ એક ટ્રિલિયન ડોલરથી વધુનું માત્ર વ્યાજ ચૂકવશે. 2025માં આ આંકડો 970 બિલિયન ડોલર હતો અને 2036 સુધીમાં તે વધીને 1.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત 2026માં અમેરિકાના ફેડરલ બજેટની ખાધ પણ 1.9 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. 40 ટ્રિલિયન ડોલરનું દેવું અમેરિકા માટે ચિંતાનો વિષય છે જ, પરંતુ તેની સાથે તેના પરનું વ્યાજ પણ લોકોના ખિસ્સા પરનો બોજ વધારી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ડોલરનો વૈશ્વિક દબદબો હજુય યથાવત છે.

 

પૃષ્ઠભૂમિ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડનો અંત

2026ના પહેલા ક્વાર્ટરમાં ગ્લોબલ ઓફિશિયલ ફોરેન-એક્સચેન્જ રિઝર્વ્ઝમાં ડોલરનું પ્રમાણ 57.31 ટકા હતું, જ્યારે 20 ટકા સાથે યુરો બીજા નંબરે અને ચીનની કરન્સી માત્ર બે ટકા સાથે રહી હતી. સેકન્ડ વર્લ્ડ વોર બાદ દુનિયાની અલગ-અલગ કરન્સીનો એક્સચેન્જ રેટ ડોલરના આધારે નક્કી થતો હતો અને ડોલરને ગોલ્ડમાં કન્વર્ટ કરવાનો ભાવ 35 ડોલર પ્રતિ ઔંશ હતો. પરંતુ ખર્ચા વધતા ગોલ્ડ સ્ટાન્ડર્ડ જાળવવું મુશ્કેલ બન્યું અને 1971માં પ્રેસિડેન્ટ રિચાર્ડ નિક્સને તેને પડતું મૂક્યું. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ખતમ થયા બાદ પણ અમેરિકાની મજબૂત ઈકોનોમીના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલરની વેલ્યૂ ઓછી ન થઈ.

 

વર્તમાન પડકારો અને ડોલરનું વૈશ્વિક સ્થાન

હવે અમેરિકાનું દેવું એ હદે પહોંચી ચૂક્યું છે કે તેના કારણે ડોલરનું આધિપત્ય ખતરામાં આવી ગયું છે. ચાઈનીઝ કરન્સી ઉપરાંત યુરો, ડિજિટલ કરન્સી અને જિયોપોલિટિકલ કારણોસર કેટલાક દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે. જોકે, લિક્વિડ ફાઈનાન્શિયલ માર્કેટ્સ, વિશ્વાસપાત્ર પેમેન્ટ સિસ્ટમ અને પૂરતી ઉપલબ્ધતાના અભાવે ચીન કે યુરો હાલ ડોલરને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકે તેમ નથી. IMFના આકલન અનુસાર ગ્લોબલ ડોલર રિઝર્વમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ ટ્રેડ ઈનવોઈસિંગ અને ગ્લોબલ પેમેન્ટ્સમાં તેનું મહત્વ યથાવત છે.

 

ભવિષ્યની અનિશ્ચિતતાઓ

ડોલર મજબૂત થાય તો આયાતો સસ્તી બને પરંતુ નિકાસ ઘટે, અને જો તે નબળો પડે તો નિકાસકારોને ફાયદો થાય પરંતુ આયાત પર નિર્ભર ઈકોનોમીમાં મુશ્કેલીઓ ઊભી થાય. 40 ટ્રિલિયન ડોલરનું દેવું એ વાતની સાબિતી નથી કે ડોલરનું વર્ચસ્વ પૂરું થઈ ગયું છે, પરંતુ ચિંતા એ છે કે અમેરિકા પોતાની કરન્સીની ડિમાન્ડના કારણે બેફામ દેવું કરી રહ્યું છે. ઇતિહાસ ગવાહ છે કે કોઈપણ કરન્સીનું વર્ચસ્વ રાતોરાત ગાયબ નથી થતું. હવે જોવાનું એ રહેશે કે અમેરિકા આ દેવાના બોજ સાથે ક્યારસુધી ડોલરના પ્રભુત્વનો ફાયદો ઉઠાવી શકશે અને ગ્લોબલ માર્કેટ પર તેની શું અસર થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *