મિલ્કત ‘વીલ’ સાબિત કરવા માત્ર નોટરી એડવોકેટ ન ચાલે, પ્રમાણીત સાક્ષી જરૂરી : ગુજરાત હાઇકોર્ટ

Spread the love

અમદાવાદ, તા. 23 મિલ્કત વિવાદના એક કાનુની જંગમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વના ચુકાદામાં એમ જણાવ્યું હતું કે, ‘વીલ’ને સાબિત કરવા માટે માત્ર નોટરી એડવોકેટની ચકાસણી પર્યાપ્ત નથી પરંતુ એક પ્રમાણિક સાક્ષી પણ અનિવાર્ય છે. ભારતીય પુરાવા કાયદા 1972ની જોગવાઇ 68ને આ તકે હાઇકોર્ટે ટાંકી હતી અને ઉકત ચુકાદો આપ્યો હતો.

 

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ ઇલેશ વોરા અને જસ્ટીસ આર.ટી.વાછાણીની બેંચે સ્વર્ગસ્થ પિતાની મિલ્કત મામલે કાનુની જંગે ચડેલા બે ભાઇઓના કેસમાં અપીલ ફગાવીને આદેશ જારી કર્યો હતો.આ કેસની વિગત મુજબ અમદાવાદના પાલડીમાં બંગલો ધરાવતા ગૃહસ્થનું 1993માં અવસાન થયું હતું અને આ બંગલા માલિકી વિશે બંને ભાઇઓમાં વિખવાદ થયો હતો.

 

મોટા પુત્રએ ર008માં સિવિલ દાવો કરીને બંગલાનો અડધો ભાગ અને જંગમ મિલ્કતમાં બીજો ભાગ માંગ્યો હતો અને તે પેટે 8 જુન, 1992ના રોજ નોટરી થયેલું વીલ રજુ કર્યુ હતું. તેમના નાના ભાઇએ વળતા દાવામાં મિલ્કતની સંપૂર્ણ માલિકી પોતાની ગણાવીને 1ર જુન, 1986ના રોજ થયેલું વીલ રજુ કર્યુ હતું અને એવો દાવો કર્યો હતો કે 1992નું વીલ બનાવટી છે અને તેમના પિતાની સાચી સહી નથી.

 

આ કેસની સુનાવણી દરમ્યાન વીલ નોટરી કરનાર નોટીસ એડવોકેટની પણ ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ પ્રમાણીત સાક્ષી રજુ થઇ શકયા ન હતા. વિપરીતપણે 1986ના વીલમાં પ્રમાણીત સાક્ષી મોજુદ હતા જેઓએ સ્વર્ગસ્થ પિતાના અક્ષર તથા સહી ઓળખી બતાવ્યા હતા.

 

સમગ્ર કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે ચુકાદામાં એમ કહ્યું કે, વારસાઇ કાયદાની કલમ 63 અને પુરાવા કાયદાની કલમ 68 હેઠળ પ્રમાણીક સાક્ષીની સાબિતી જરૂરી છે. માત્ર નોટરી એડવોકેટની જુબાની ચાલી ન શકે, પ્રમાણીત સાક્ષી વધુ મહત્વના ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *