બેંગલુરુના એક CEOએ 4 રાજ્યોના પુરુષ ઉમેદવારોને નોકરી ન આપવાનો નિર્ણય લીધો છે. CEOના જણાવ્યા મુજબ, તેની કંપનીના એક પૂર્વ કર્મચારી દ્વારા મહિલા સહકર્મચારીઓ સાથે કથિત ગેરવર્તન કરાયા બાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.શું છે સમગ્ર ઘટના?
હકીકતમાં, બેંગલુરુ સ્થિત A1 Sports Worldના ફાઉન્ડર કાર્તિક SG, જેને કાર્તિક શેનોય તરીકે પણ ઓળખવામાં આવે છે, બાળકો માટે સ્પોર્ટ્સ પ્રોગ્રામ ચલાવે છે.તેમણે જણાવ્યું કે કંપનીએ એક કર્મચારીને મહિલાઓ સાથેના તેના વર્તન અંગે વારંવાર ફરિયાદો મળ્યા બાદ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તેમની કંપનીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશના પુરુષ ઉમેદવારોને કામ ન આપવાની પોલિસી રજૂ કરી છે.
કાર્તિકે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, રાજસ્થાનની એક મહિલા પહેલેથી જ તેમની ટીમનો ભાગ છે અને તેણે આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કાર્તિકના જણાવ્યા મુજબ, આ મામલો લગભગ બે અઠવાડિયા પહેલાં શરૂ થયો હતો, જ્યારે ઉપર જણાવેલા ચાર રાજ્યોમાંથી એક રાજ્યના એક કર્મચારીને મહિલાઓ સાથે કથિત રીતે અપમાનજનક વર્તન કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. કાર્તિકના જણાવ્યા મુજબ, કર્મચારીને અગાઉ બે વખત ચેતવણી અપાઈ હતી. જોકે, તે અટક્યો નહોતો.
કાર્તિકે કહ્યું કે તેમની કંપનીનું કામ નાના બાળકો સાથે જોડાયેલું હોવાથી આ મામલો તેમના માટે વધુ ગંભીર છે. પોતાની બીજી પોસ્ટમાં કાર્તિકે કંપનીના હાયરિંગ રેકોર્ડનો પણ બચાવ કર્યો. તેમણે દાવો કર્યો કે, A1 Sports Worldમાં કુલ 32 કર્મચારીઓ છે, જેમાં 14 મહિલાઓ છે. તેમણે કહ્યું કે 20 કર્મચારીઓ અન્ય રાજ્યોમાંથી છે, જ્યારે 12 કર્મચારીઓ દક્ષિણ ભારત સિવાયના રાજ્યોમાંથી આવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે કંપનીમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ સહિત અલગ-અલગ ધાર્મિક પૃષ્ઠભૂમિના લોકો કામ કરે છે.
