આ કેવો જીગરી ચોર? પેટી પલંગમાં ચાંદી પણ પડી’તી, ચોરાયું તો માત્ર સોનું જ! અમદાવાદમાં 46 લાખની ચોરી, શકના દાયરામાં મિત્ર

Spread the love

બાપુનગરમાં કેન્સરગ્રસ્ત વેપારીના ઘરમાં પેટી પલંગમાં મુકેલા રૂ.46.44 લાખના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 1 લાખની ચોરીનો ગજબનો કિસ્સો સામે આવતા હડકંપ મચ્યો છે. માહિતી મુજબ, વેપારીનો મુંબઈમાં રહેતો મિત્ર ગત મહીને તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ઘરે 12 દિવસ રોકાવવા માટે આવ્યો હતો. આ દરમિયાન વેપારીના મકાનમાં રૂમમાં પેટી પલંગની અંદર મુકેલા સોના-ચાંદીના દાગીનામાંથી માત્ર સોનાના દાગીના અને રોકડા રૂ.1 લાખ ચોરાઈ ગયા હતા.આ મામલે વેપારીને એક મહિના બાદ જાણ થતા ઘરમાં કુલ રૂ.47.60 લાખની ચોરી થઇ હોવાનો અંદાજો આવ્યો હતો. જોકે વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવીને પરિવારના કેટલાક લોકો તથા મિત્ર પર શંકા વ્યક્ત કરતો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે.

 

વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના બાપુનગરમાં વેપારીના ઘરમાંથી રૂ.47.60 લાખના દાગીના ગાયબ થયાની જાણ વેપારીને એક મહીને થતા તેણે હાલ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સુંદરમનગરમાં સંયુક્ત પરિવારમાં સાથે રહેતા વેપારી રીઝવાન પઠાણ જનતા ફ્રાય નામની હોટલ ચલાવીને વેપાર ધંધો કરે છે. વેપારીના પરિવાર સમયાંતરે તેમની જરૂરિયાત મુજબ લાખો રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા અને તમામ સોના દાગીના તથા રોકડ રકમ વેપારીની પત્નીના એક બેગમાં મુકીને પેટીપલંગમાં સાચવીને મૂકી રાખ્યા હતા.

 

જ્યારે પણ પરિવાર અથવા તો સગા સંબંધીના ત્યાં પ્રસંગ હોય, ત્યારે વેપારીની પત્ની તે દાગીના પેટી પલંગમાંથી કાઢતા અને પહેરતા હતા અને બાદમાં પ્રસંગ પૂરો થઇ ગયા બાદ પરત બેગમાં મુકીને પેટી પલંગમાં મૂકી દેતા હતા. જોકે ગત જુલાઈ મહિનામાં વેપારીના ભાઈના સાળાના ઘરે પ્રસંગ હોવાથી વેપારીના ભાઈની પત્નીએ વેપારીની પત્ની જોડે દાગીના પહેરવા માટે માંગ્યા આપ્યા હતા અને બાદમાં પ્રસંગ પૂરો થઇ ગયા બાદ દાગીના પાછા પણ લઈ દીધા હતા. અને વેપારીની પત્નીએ દાગીના પેટી પલંગમાં મૂકી પણ દીધા હતા.

 

આ દરમિયાન ગત ઓગસ્ટ મહિનામાં મુંબઈમાં રહેતો વેપારીનો મિત્ર, તેની પત્ની અને ત્રણ બાળકો સાથે વેપારીના ઘરે 12 દિવસ રોકાવવા માટે આવ્યો હતો. જોકે વેપારીએ તેના મિત્રને રોકવાની વ્યવસ્થા અજીતમિલ ત્રણ માળિયા ખાતે કરી આપી હતી અને વેપારીનો મિત્ર તેના પરિવાર સાથે અજમેર ફરવા માટે વેપારીની ગાડી લઈને ગયો હતો. અજમેરથી પાછા આવીને વેપારીનો પરિવાર ઓઢવ પાસેની એક હોટલમાં રોકાઈ ગયા હતા.

 

ગત 15 ઓગસ્ટના રોજ મુંબઈ જવા માટે નીકળી ગયા હતા. એક મહિના બાદ ગત 10 સપ્ટેમ્બરના રોજ વેપારીને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા વેપારીની પત્ની બાપુનગર તેમના ઘરે પેટીપલંગમાં મુકેલા રોકડા રૂ.1 લાખ લેવા સારું ગયા ત્યારે જાણ થઇ કે અંદર રહેલી બેગમાં મુકેલા સોના-ચાંદીના દાગીનામાંથી સોનાના રૂ.46.44 લાખના દાગીના અને રોકડા રૂપિયા 1 લાખ ગાયબ હતા. ઘરમાં તમામ જગ્યાએ તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએથી રૂપિયા કે દાગીના મળી આવ્યા નહોતા. આખરે વેપારીએ ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે રૂ.47.60 લાખની ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *