ખાનગી જમીન પર ચાલતા ઉદ્યોગો પણ નવા ક્લસ્ટરમાં જમીન માટે પાત્ર
કર્મચારીદીઠ દર મહિને રૂ.5,000ની વેતન સહાય 6 મહિના સુધી આપવાની જોગવાઈ
કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અને ઓલિમ્પિક્સની દાવેદારી પહેલાં શહેરી પર્યાવરણ અને આયોજન સુધારવાનો પ્રયાસ
ઉદ્યોગ સંગઠનોને સ્થળાંતરના ખર્ચ સહિતની ચિંતા, કેટલાક ઉદ્યોગકારોએ આ પ્રક્રિયાને મુશ્કેલ ગણાવીઅમદાવાદ શહેરની હદમાં વર્ષોથી ચાલી રહેલા ઔદ્યોગિક એકમોને હવે શહેરની બહાર ખસેડવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વની તૈયારી શરૂ કરી છે. સરકારની નવી થ્રાઇવ યોજના હેઠળ અમદાવાદના ઉદ્યોગો માટે કુલ 1,700 એકર જમીન અનામત રાખવામાં આવી છે. આ પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1,100 એકર અને ખેડા જિલ્લામાં લગભગ 600 એકર જમીન નવા ઔદ્યોગિક ક્લસ્ટર માટે અનામત કરાઈ હોવાનું યોજના સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું છે.
થ્રાઇવ એટલે ટ્રાન્ઝિશન ફોર હાર્મોનાઇઝ્ડ રિલોકેશન એન્ડ ઇન્ક્લુઝિવ વાઇબ્રન્ટ ઇકોનોમી. આ યોજના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગોને પ્રોત્સાહનો સાથે શહેરની બહાર ખસેડવાનો પ્રયાસ કરાશે. તેનો હેતુ શહેરોનું ભારણ ઘટાડવા ઉપરાંત પર્યાવરણીય સ્થિતિ અને શહેરી આયોજનમાં સુધારો કરવાનો છે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદની જીઆઈડીસી એસ્ટેટમાં આવેલા ઉદ્યોગોને સ્થળાંતર માટે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, શહેરની હદમાં ખાનગી જમીન પર ચાલતા ઔદ્યોગિક એકમોને પણ નવા ક્લસ્ટરમાં જમીન માટે પાત્ર ગણવામાં આવશે. અધિકારીએ કહ્યું કે જીઆઈડીસી એસ્ટેટના ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ ખાનગી જમીન પર ચાલતા એકમો પણ આગામી ક્લસ્ટરોમાં જમીન માટે પાત્ર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલની જીઆઈડીસી એસ્ટેટમાં આવેલા પ્લોટના કન્વર્ઝન અને ટ્રાન્સફરની પ્રક્રિયા સરળ બનાવવાના વિકલ્પો પર સરકાર વિચારણા કરી રહી છે. અધિકારીએ કહ્યું, “જીઆઈડીસી એસ્ટેટના ઉદ્યોગો માટે ફ્રીહોલ્ડ જમીનની પ્રક્રિયા સરળ બનાવવાનું વિચારી રહ્યા છીએ, જેથી હાલના પ્લોટમાંથી બહાર નીકળવામાં પ્રક્રિયાગત અડચણો ન આવે.
અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને શહેરની બહાર ખસેડવાની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટે અનેક વખત ચુકાદા આપ્યા છે. હાઇકોર્ટના આગ્રહ બાદ હવે સ્થળાંતરની કવાયતને શહેરના પર્યાવરણ અને આયોજનમાં સુધારા સાથે જોડવામાં આવી છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની કરશે અને ઓલિમ્પિક્સ-2036 યોજવા માટે પણ દાવો કર્યો છે. તેના પહેલાં સ્વચ્છ પર્યાવરણ અને વધુ સારું શહેરી આયોજન ઊભું કરવાનો વ્યાપક હેતુ છે.
થ્રાઇવ યોજનામાં સ્થળાંતરથી ઉદ્યોગો પર પડનારો તાત્કાલિક નાણાકીય બોજ ઘટાડવા અનેક પ્રોત્સાહનો છે. કર્મચારીદીઠ દર મહિને રૂ.5,000ની વેતન સહાય 6 મહિના સુધી આપવાની જોગવાઈ છે. ઉદ્યોગ પાર્ક અને સામાન્ય પર્યાવરણીય માળખું ઊભું કરવા મૂડી સહાય પણ આપવામાં આવશે.
જોકે, ઉદ્યોગ સંગઠનો સ્થળાંતરની વ્યવહારિકતા અને ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીલી (GCCI) જીઆઈડીસી કમિટીના ચેરમેન અજય પટેલે કહ્યું કે સરકારે ઉદ્યોગોને શહેરમાં જ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. સ્થળાંતર અત્યંત મુશ્કેલ છે. તમામ કર્મચારીઓને ખસેડવા પડશે.
તેમણે ઉમેર્યું કે અનેક કેમિકલ ઉદ્યોગોએ વર્ષોથી પર્યાવરણીય નિયમોના પાલનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. શહેરમાં કેમિકલ ઉદ્યોગોએ પર્યાવરણીય પાલનના ધોરણોમાં ઘણો સુધારો કર્યો છે. નવા સ્થળે પણ આ જ ધોરણ હાંસલ કરવામાં સમય લાગશે અને તે મુશ્કેલ રહેશે.
અજય પટેલે એમ પણ ચેતવણી આપી કે ફરજિયાત સ્થળાંતર કરાશે તો ભાગીદારી મર્યાદિત રહી શકે છે. જો સ્થળાંતર ફરજિયાત કરવામાં આવશે તો આશરે 10 ટકા એકમો જ ખરેખર ખસેડાશે, જ્યારે અન્ય એકમો બંધ થઈ શકે છે અથવા અલગ વ્યવસાય તરફ વળી શકે છે.
ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું કે ઉદ્યોગો સ્થળાંતર કરશે કે નહીં તે જમીનની કિંમત અને નવા સ્થળે માળખાકીય સુવિધાઓ કેટલી તૈયાર છે તેના પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે જો સ્થળાંતર જરૂરી હોય તો જમીન ખૂબ જ સ્પર્ધાત્મક દરે આપવી જોઈએ. સરકારે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું જોઈએ અને હાલની ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરતાં પહેલાં નવા સ્થળે ઉત્પાદન શરૂ કરવા માટે એકમોને પૂરતો સમય આપવો જોઈએ.
