નવી દિલ્હી, તા.23 દેશભરના બેંક કર્મચારીઓની આગામી સોમથી બુધવાર ત્રણ દિવસની સૂચિત હડતાળને ધ્યાને રાખીને સરકારે તા.27ને શનિવારે બેંકો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સળંગ રજાઓને કારણે લોકોને મુશ્કેલી પડતી રોકવા આ નિર્ણય લેવાયો છે.
નાણાં મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા તા.28થી30 રાષ્ટ્રવ્યાપી હડતાલનુ એલાન કરાયુ છે.સળંગ પાંચ દિવસ બેંકો બંધ રહે તો લોકોને મુશ્કેલી ઉભી થાય એટલે તા.27ને રવિવારે તમામ જાહેર ક્ષેત્રની તથા ગ્રામીણ ગ્રામ્ય બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. બેંક ગ્રાહકોનું હિત તથા સગવડતા સરકારની સર્વોચ્ચ પ્રાથમીકતા છે. સરકાર તથા બેંક મેનેજમેન્ટ દ્વારા કર્મચારી યુનિયનને હડતાલ પાછી ખેંચવાનો અનુરોધ કર્યો જ છે. સાથોસાથ બેંકિંગ સેવામાં વિધ્ન રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ બેંક બ્રાંચો, ઓફિસો, એટીએમ સંલગ્ન બ્રાંચો તથા કરન્સી ચેસ્ટ ખુલ્લી રાખવાની મંજુરી આપી દેવામાં આવી છે. ઈન્ડિયન બેંક એસોસીએશનને આ અંગેનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. સંબંધીત કાયદા-નિયમોને ધ્યાને રાખવા પણ કહેવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની હડતાલ પુર્વે શનિ-રવિની રજા આવતી હોવાથી બેંક વ્યવહાર સળંગ પાંચ દિવસ ખોરવાઈ જાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હતી. આ સિવાય 30મી સપ્ટેમ્બરે બેંકોમાં અર્ધવાર્ષિક કલોઝીંગ હોય છે જયારે હિસાબી ચકાસણી, વિવિધ જોગવાઈઓ ટ્રેઝરી કામગીરી કરવામાં આવતી હોય છે.
યુનિયન દ્વારા એવુ કહેવાયુ હતું કે હડતાળમાં બેંકીંગ ક્ષેત્રમાં 90 ટકા સ્ટાફ હડતાળ પર રહેનાર છે. યુનિયન દ્વારા ઓકટોબરમાં બેમુદતી હડતાળ શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકાર દ્વારા રવિવારે બેંકો ચાલુ રાખવાનુ એલાન કરાયુ હોવા છતાં યુનિયન દ્વારા તે વિશે કોઈ પ્રત્યાઘાત અપાયો નથી
