AIથી થઈ શકે છે 100 કરોડ લોકોનાં મોત : બિલ ગેટ્સ

Spread the love

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપથી થઈ રહેલા વિકાસ વચ્ચે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે અમેરિકામાં AI માટે સરકારી નિયમન અને કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એક ઇન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું કે માત્ર AI કંપનીઓના સ્વનિયમનથી કામ નહીં ચાલે અને વોશિંગ્ટનમાં કાયદા બનાવવાની જરૂર છે.

 

ગેટ્સે AIના જોખમ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તેમણે કહ્યું કે AI એટલી શક્તિશાળી બની શકે છે કે તેનો દુરુપયોગ મોટા પાયે જાનહાનિનું કારણ બની શકે. ખાસ કરીને ખરાબ ઇરાદા ધરાવતા લોકોના હાથમાં અદ્યતન AI ટૂલ્સ પહોંચે ત્યારે જોખમ વધી શકે છે. આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે AI ઉદ્યોગમાં ટૅક્નોલૉજીના વિકાસની ગતિ અને સુરક્ષા અંગે ચર્ચા તેજ બની છે. Anthropicના CEO ડેરિયો અમોડેઈએ AI મોડલ્સની ક્ષમતામાં વધારો થવાની ગતિ ધીમી કરવા અને સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકન સહિતના પગલાંની હિમાયત કરી છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ AI માટે આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ ધોરણો અને સુરક્ષા માપદંડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

 

બીજી તરફ, મેટાના CEO માર્ક ઝકરબર્ગે ઉદ્યોગવ્યાપી સંકલિત નિયમનના અભિગમ અંગે અલગ મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ દરેક AI લેબે પોતાની જરૂરિયાત મુજબ સુરક્ષા માટે જરૂરી સમય લેવો જોઈએ અને સમસ્યાઓ જણાય ત્યારે આંતરિક રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.

 

AI નિયમન અંગે અમેરિકામાં સરકાર, ટૅક્નોલૉજી કંપનીઓ અને નિષ્ણાતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. OpenAIએ પણ તાજેતરમાં ફ્રન્ટિયર AI માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય ધોરણો, જોખમ માપવાની પદ્ધતિ અને ઘટનાઓના રિપોર્ટિંગ માટે સંકલિત માળખાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ રીતે AIના વિકાસને કેટલી ઝડપે આગળ વધારવો અને તેની સુરક્ષા માટે સરકારની ભૂમિકા કેટલી હોવી જોઈએ તે મુદ્દે ટૅક્નોલૉજી ક્ષેત્રમાં અલગ-અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *