વાવ-થરાદ, સુઈગામ સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની દેશી કોમેડી અને મનોરંજક રીલ્સથી લોકપ્રિય બનેલા ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ પરિવારની મદદ માટે શરૂ કરાયેલી ક્રાઉડફંડિંગ ઝુંબેશમાં અત્યાર સુધીમાં ₹3.50 કરોડથી વધુની રકમ એકઠી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આર્થિક સંકટ ઊભું થયું ભાભર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ચંદન રાઠોડનું મોત થયા બાદ તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું.પરિવારને લાંબા ગાળે આર્થિક આધાર મળી રહે તે હેતુથી સેવાભાવી અગ્રણીઓ અને સોશિયલ મીડિયા ક્રિએટર્સે સહાય અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં શરૂઆતમાં ₹2 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. જોકે, ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ સહાય માટે આગળ આવીને દાન આપ્યું હોવાના કારણે લક્ષ્યાંક કરતાં વધુ રકમ એકત્ર થઈ હોવાનું જણાવાયું છે. સહાયનો આંકડો હવે ₹3.50 કરોડને પાર કરી ગયો હોવાનો દાવો છે અને હજુ પણ મદદનો પ્રવાહ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રકમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે
હવે સૌથી મોટો સવાલ એ છે કે વધારાની રકમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે. સેવાભાવી અગ્રણી નીતિન જાની એટલે કે ખજૂરભાઈ, પરિવારના સભ્યો અને આગેવાનો આજે સાંજે 5 વાગ્યે બેઠક યોજવાના છે. આ બેઠક બાદ યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં અત્યાર સુધી એકત્ર થયેલી રકમ અને તેના ઉપયોગ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. પરિવારના બાળકોના શિક્ષણ અને આજીવિકા સુરક્ષિત કર્યા બાદ વધારાની રકમ સમાજના અન્ય જરૂરિયાતમંદો માટે વાપરવા અંગે પણ વિચારણા થઈ રહી હોવાનું જણાવાયું છે.
