પઠાણકોટના બલજિંદર સિંહને કથિત ડ્રગ્સની દાણચોરીના આરોપમાં સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
હવે માત્ર મોદી સરકાર અને ખુદ મોદી જ અમારા પુત્રને બચાવી શકે છે. મદદના બાકીના બધા રસ્તા બંધ થઈ ગયા છે. અમે તમામ અદાલતોના દરવાજા ખખડાવ્યા, અહીં સુધી કે સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, પરંતુ તેની સજા યથાવત રાખવામાં આવી છે.”
આ શબ્દો પઠાણકોટના સુજાનપુર વિસ્તારના ફિરોઝપુર કલાં ગામના રહેવાસી બલજિંદર સિંહનાં વૃદ્ધ માતા-પિતાના છે.
બલજિંદર સિંહને સાઉદી અરેબિયામાં કથિત રીતે માદક પદાર્થોની દાણચોરીના એક કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. હવે તેમનો પરિવાર ભારત સરકાર અને પંજાબ સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યો છે.
બલજિંદર સિંહ સાઉદી અરેબિયામાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.
પંજાબમાં બલજિંદર સિંહના ઘરે સતત સગા-સંબંધીઓ, પત્રકારો અને અન્ય લોકોની અવરજવર ચાલુ છે.
ઘરમાં તેમનાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બે નાનાં બાળકો છે.
પરિવારના સભ્યોના ચહેરા પર ચિંતા અને લાચારી સ્પષ્ટપણે જોવા મળે છે.
શું છે સમગ્ર મામલો?
બલજિંદર સિંહ ફેબ્રુઆરી 2024થી સાઉદી અરેબિયાની જેલમાં બંધ છે.
પરિવારના જણાવ્યા મુજબ, બલજિંદર સિંહ 2024થી સાઉદી અરેબિયાની જેલમાં બંધ છે. તે પહેલાં તેઓ 2017થી રોજગારના સંબંધમાં દુબઈમાં રહેતા હતા અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.
પરિવારનું કહેવું છે કે 2023માં રજા વિતાવ્યા બાદ તેઓ ફરી વિદેશ પરત ગયા હતા.
પરિવારના જણાવ્યા અનુસાર, 6 ફેબ્રુઆરી 2024ના રોજ બલજિંદર સિંહ ટ્રક લઈને દુબઈથી સાઉદી અરેબિયા જઈ રહ્યા હતા.
સાઉદી સરહદ પહેલાં તેઓ થોડા સમય માટે એક સ્થળે રોકાયા હતા.
ત્યાં એક વ્યક્તિએ તેમને સાઉદી અરેબિયામાં રહેતા પોતાના વૃદ્ધ પિતાનો વીડિયો બતાવ્યો અને તેમની પાસે દવાનું એક પૅકેટ ત્યાં પહોંચાડવાની વિનંતી કરી હતી.
પરિવારનું કહેવું છે કે બલજિંદર બીમાર વૃદ્ધ માટે દવા પહોંચાડવાના હેતુથી તે પૅકેટ લઈને ગયા હતા.
જોકે, દુબઈ-સાઉદી સરહદ પર ટ્રકની તપાસ દરમિયાન તે પૅકેટમાંથી કથિત રીતે માદક પદાર્થો મળી આવ્યા હતા. ત્યારબાદ બલજિંદર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.
પરિવારના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં તે પૅકેટ લેવા આવનારી વ્યક્તિને પણ આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.
પરિવારનું કહેવું છે કે કેસની સુનાવણી દરમિયાન તેને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
ભારત સરકાર પર આશા
બલજિંદરના પિતા જસવિંદર સિંહનું કહેવું છે કે તેમનો પરિવાર પહેલાં સામાન્ય અને સુખી જીવન જીવતો હતો. તેમના બે પુત્રો છે અને બંને વિદેશમાં કામ કરે છે. પરિવાર પોતાને અમૃતધારી ગુરસિખ પરિવાર તરીકે ઓળખાવે છે.
પરંતુ હવે બલજિંદરની ધરપકડ પછી સમગ્ર પરિવારનું જીવન બદલાઈ ગયું છે. જસવિંદર સિંહ કહે છે, “અમે અલગ-અલગ અદાલતોમાં કેસ લડવાનો પ્રયાસ કર્યો. હવે સુપ્રીમ કોર્ટે પણ મૃત્યુદંડની સજા યથાવત રાખી છે.”
ત્યારબાદ હવે પરિવારની આશા ભારત સરકાર પર ટકી છે.
બલજિંદરનાં પત્ની સુનીલ લતા કહે છે કે જે દિવસથી તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે, તે દિવસથી જ ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
જોકે, બલજિંદર સાથે જેલમાંથી અઠવાડિયામાં એક કે બે વખત ફોન પર વાત થઈ જાય છે, પરંતુ પરિવાર દરરોજ એ આશામાં પ્રાર્થના કરે છે કે કોઈ સારા સમાચાર મળશે.
સુનીલ લતાના જણાવ્યા મુજબ, “અમે પંજાબમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને મળી ચૂક્યા છીએ. આ ઉપરાંત મદદ માટે ભારતના વિદેશ મંત્રાલય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઈમેઇલ મોકલ્યા છે.”
દુબઈમાં રહેતા બલજિંદરના નાના ભાઈએ પણ ભારત સરકારને ઈમેઇલ અને ભારતીય દૂતાવાસને પત્ર મોકલીને મદદની અપીલ કરી છે.
પરંતુ પરિવારનું કહેવું છે કે તેમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.
સુનીલ લતા કહે છે, “મારા પતિએ ક્યારેય નશો કર્યો નથી અને ભારત ખાતે તેમના વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલો નથી. બલજિંદર અમૃતધારી ગુરસિખ છે અને તેઓ માત્ર એક બીમાર વૃદ્ધ માટે દવાનું પૅકેટ લઈ જઈ રહ્યા હતા.”
સુનીલ લતા જણાવે છે કે તેમની 12 વર્ષની એક દીકરી છે. તેમનો એક નાનો પુત્ર પણ છે, જે વારંવાર પોતાના પિતા વિશે પૂછે છે.
તેમનું કહેવું છે કે બાળકોના ઘણા પ્રશ્નોના જવાબ તેમની પાસે નથી. બીજી તરફ, આ આઘાતને કારણે વૃદ્ધ માતા-પિતાની તબિયત પણ ખરાબ રહેવા લાગી છે.
હવે પરિવારનું કહેવું છે કે સાઉદી અરેબિયામાં બલજિંદર સિંહની મૃત્યુદંડની સજા યથાવત રહેતાં, તેમની છેલ્લી આશા કેન્દ્ર સરકાર પર જ ટકી છે.
વકીલે શું કહ્યું?
બલજિંદર સિંહના પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની અપીલ કરી છે.
બલજિંદર સિંહને દોષિત ઠેરવવાના નિર્ણય વિરુદ્ધ સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટમાં કેસેશન અરજી (નીચલી અથવા અપીલ અદાલતના નિર્ણયને પડકારતી અરજી) દાખલ કરનાર વકીલ અકબર અલ-મુતૈરીએ ઈમેઇલ દ્વારા આ કેસ વિશે માહિતી આપી છે.
તેમણે જણાવ્યું કે આ મામલામાં તેમની ભૂમિકા સુપ્રીમ કોર્ટમાં કેસેશન કાર્યવાહી સુધી મર્યાદિત હતી. આ કેસની કાનૂની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો હતો.
તેમના જણાવ્યા મુજબ, તેમણે ટ્રાયલ કોર્ટ અથવા અપીલ કોર્ટમાં બલજિંદર સિંહનું પ્રતિનિધિત્વ કર્યું નહોતું. તેમને મળેલી માહિતી અનુસાર, આ બંને તબક્કાઓ દરમિયાન બલજિંદરની તરફેથી કોઈ વકીલ હાજર નહોતો.
વકીલે વધુમાં જણાવ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટમાં બલજિંદર સિંહને દોષિત ઠેરવવાના નિર્ણયને પડકારતાં કેસેશન અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે બલજિંદરના પક્ષમાં તમામ કાનૂની આધાર અને દલીલો રજૂ કરી હતી.
જો કે, તેમના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે તાઝીર (ઇસ્લામિક કાયદા હેઠળ ન્યાયાધીશ દ્વારા નિર્ધારિત) મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી. તેની સાથે કેસેશનની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ.
હવે બલજિંદર સિંહનો પરિવાર ભારત સરકારના હસ્તક્ષેપની માંગ કરી રહ્યો છે.
પરિવારની અપીલ છે કે કેન્દ્ર સરકાર આ મામલો સાઉદી અરેબિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવે અને બલજિંદરને મૃત્યુદંડમાંથી રાહત અપાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરે
