બહેન, માતા અને દાદી, એક બાદ એક 3 હત્યા, પતિ-પત્નીએ આ રીતે પાડ્યો ખેલ

Spread the love

સુરત જિલ્લાના કોસંબામાં એક એવું રહસ્ય દફનાયેલું હતું, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને ચાર વર્ષ લાગી ગયા. વર્ષ 2022માં થયેલી હત્યા, જમીનની અંદર દફનાવવામાં આવેલો મૃતદેહ અને પોલીસને ગેરમાર્ગે દોરતી એક કહાણી. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે એક હત્યાના ગુનેગારને પકડતાં, બીજી બે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. આખરે શું છે આખી હકીકત?આ કહાણીની શરૂઆત થાય છે શાંતાબેન ગંભીરભાઈ વસાવાની હત્યાથી. વર્ષ 2022માં તેમની હત્યા થઈ હતી.

 

માધવદાસ ભક્તિરામ સાધુએ પોલીસને અરજી આપીને શાંતાબેનની હત્યા માટે પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા અને તેના કૌટુંબિક ભાઈ પર આરોપ મૂક્યો. પોલીસે આ માહિતીના આધારે તપાસ શરૂ કરી અને ઉર્મિલાના કૌટુંબિક ભાઈની શોધ કરીને તેની સઘન પૂછપરછ કરી. જોકે, તપાસમાં તેની હત્યામાં સંડોવણી હોવાનું સામે આવ્યું નહીં. હવે પોલીસ સામે સવાલ હતો કે જો આ વ્યક્તિની સંડોવણી નથી, તો પછી શાંતાબેનની હત્યા પાછળ કોણ છે? તપાસનો દોર હવે ફરિયાદ આપનાર માધવદાસ તરફ વળ્યો.

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માધવદાસની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. તેની સઘન પૂછપરછ દરમિયાન નિવેદનોમાં વિસંગતતાઓ સામે આવી. વધુ પૂછપરછમાં પોલીસના જણાવ્યા મુજબ, શાંતાબેનની હત્યા માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયાએ સાથે મળીને કરી હોવાનો ખુલાસો થયો. શાંતાબેન ઉર્મિલાના દાદી અને માધવદાસના દાદી સાસુ હતા. કરોડોની મિલકત પચાવી પાડવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું

 

હત્યા બાદ મૃતદેહને બેરલમાં મૂકવામાં આવ્યો હતો અને તેમાં સિમેન્ટ ભરવામાં આવ્યો હતું. ત્યારબાદ મૃતદેહને બેરલમાંથી બહાર કાઢીને જમીનમાં ખાડો ખોદી દફનાવવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કોસંબા પોલીસે એક ઘરમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને જમીનમાં દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢ્યો. ચાર વર્ષ જૂના કેસમાં આ કાર્યવાહીથી નવો જ વળાંક આવ્યો.

 

પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે માધવદાસ અને ઉર્મિલા છેલ્લા આશરે 8 મહિનાથી અલગ રહેતાં હતાં. ઉર્મિલા પોતાના દાગીના, ઘરમાં રહેલી રોકડ રકમ અને પુત્રને સાથે લઈને અલગ થઈ ગઈ હતી. એટલે પત્ની પ્રત્યેની અદાવતને કારણે માધવદાસે તેને પણ હત્યાના ગુનામાં ફસાવવા માટે ખોટી કહાણી ઊભી કરી હતી.

 

પરંતુ માધવદાસની પૂછપરછ દરમિયાન બહાર આવેલી વિગતો માત્ર શાંતાબેનની હત્યા પૂરતી મર્યાદિત નહોતી. તપાસ આગળ વધતાં વર્ષ 2022માં થયેલી બીજી બે હત્યાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનો પોલીસનો દાવો છે.તપાસમાં સામે આવેલી બીજી ઘટના ભારતીબેન કમલેશભાઈ વસાવાની હત્યાની હતી. ભારતી ઉર્મિલા ઉર્ફે જયાની બહેન હતી અને ટીબીની બીમારીથી પીડાતી હતી. માધવદાસ અને ઉર્મિલાએ સાથે મળીને ભારતીના મોઢા પર ઓશીકું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.

 

શાંતાબેનની હત્યાની તપાસ દરમિયાન બીજી હત્યાની કડી પણ સામે આવી. પોલીસ માટે આ કેસનું સ્વરૂપ વધુ ગંભીર બની રહ્યું હતું. પરંતુ હજી એક અન્ય મહિલાના મોતનો ભેદ ઉકેલવાનો બાકી હતો.

 

જેનું નામ હતું મંજુલાબેન ભક્તિરામ સાધુ. જે માધવદાસના માતા અને ઉર્મિલાના સાસુ હતાં. કળિયુગી દીકરાએ તારીખ 16 જુલાઈ 2022ના રોજ પત્ની સાથે મળીને પોતાની જ માતાનું કાસળ કાઢી નાખ્યું.તેઓ લકવાની બીમારીથી પીડાતાં હતાં. જે રીતે ભારતીને મોતને ઘાટ ઉતારાઈ, તે જ રીતે મંજુલાબેનના મોઢા પર ઓશીકું દબાવી તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. બીમાર માતાની સેવા અને સારવારના ખર્ચથી કંટાળીને ક્રૂર દંપતીએ આ પગલું ભર્યું હતું

 

આ રીતે શાંતાબેન, ભારતીબેન અને મંજુલાબેન, ત્રણેય મહિલાઓની હત્યા માધવદાસ અને તેની પત્ની ઊર્મિલાએ સાથે મળીને કરી હોવાની હકીકત સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાંતાબેનની હત્યાના કેસની તપાસ આગળ વધારી ત્યારે શરૂઆતમાં અન્ય લોકો પર મૂકવામાં આવેલા આરોપોની પણ ચકાસણી કરવામાં આવી. પરંતુ તપાસ દરમિયાન બાતમીદારની ભૂમિકા શંકાસ્પદ બની અને ત્યારબાદ વધુ બે હત્યાઓની વિગતો સામે આવી.

 

એક તરફ જમીનમાં દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો, તો બીજી તરફ વર્ષ 2022માં થયેલી અન્ય બે હત્યાઓની કડીઓ પણ જોડાઈ. આમ, ચાર વર્ષ જૂના કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રિપલ મર્ડરનો પર્દાફાશ કર્યો. સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *