સ્ટાર વોર: ભાજપે CM, DyCM, શહેર પ્રમુખ; કોંગ્રેસે રાષ્ટ્રીય-પ્રદેશ દિગ્ગજો ઉતાર્યામહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે બંને મુખ્ય પક્ષે પ્રચારના અંતિમ તબક્કા માટે પોતાના મોટા રાજકીય ચહેરાઓનો કાફલો તૈયાર કરી દીધો છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે 20-20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરમાં આ યાદીમાંથી કયા નેતાઓની સભા, રોડશો કે પ્રચાર કાર્યક્રમો યોજાય છે તેના આધારે પ્રચારનું રાજકીય તાપમાન વધવાની શક્યતા છે.
ભાજપની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત રાજ્ય ભાજપ સંગઠનના મહત્ત્વના ચહેરા અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, અનિરુદ્ધ દવે અને અજય બ્રહ્મભટ્ટને પણ સ્થાન અપાયું છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રવિણ માળી અને સ્વરૂપજી ઠાકોર પણ યાદીમાં છે. એટલે ભાજપના પ્રચારકાફલામાં સરકાર, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમ ત્રણેય સ્તરના નેતાઓને સ્થાન મળ્યું છે.
ભાજપની યાદીની ગાંધીનગર માટેની ખાસ નોંધપાત્ર બાબત સ્થાનિક સંગઠનના ચહેરાનો સમાવેશ છે. ગાંધીનગર શહેર પ્રમુખ આશિષ દવે ઉપરાંત ઉત્તર-દક્ષિણ તેમજ માણસાના ધારાસભ્યો પણ સમાવાયા છે.
કોંગ્રેસની યાદીમાં પૂર્વ કેન્દ્રીય નેતા અને ગુજરાતના પ્રભારી રહેલા રણદીપસિંહ સુરજેવાલા સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ડૉ. તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર જેવા નેતાઓને સ્થાન મળ્યું છે.આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી, કિરીટ પટેલ, રૂત્વિક મકવાણા, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, પરેશ ધાનાણી, અમીબેન યાજ્ઞિક સહિતના નેતાઓનો સમાવેશ છે. કોંગ્રેસની યાદી જોતાં એક તરફ પ્રદેશ સંગઠનના ટોચના નેતાઓ છે તો બીજી તરફ લોકસભા-વિધાનસભામાં સક્રિય રહેલા અને અલગ-અલગ સામાજિક તથા પ્રાદેશિક સમીકરણોમાં ઓળખ ધરાવતા ચહેરાઓને સ્થાન મળ્યું છે.
ઉમેદવારો પોતાના વિસ્તાર, વોર્ડના પ્રશ્નો અને સ્થાનિક સમીકરણો પર ભાર મૂકી રહ્યા હતા. હવે મોટા નેતાઓની સભાઓ અને રોડ શો શરૂ થયા બાદ પાણી, રસ્તા, વિકાસકામો, મનપાની કામગીરી, શહેરી સુવિધાઓ સહિતના મુદ્દાઓ સાથે સરકાર અને વિપક્ષની કામગીરી પણ પ્રચારના કેન્દ્રમાં આવશે.
મુખ્ય નેતાના રોડ શો-ગ્રૂપ બેઠકો, સ્થાનિક નેતાનો ડોર ટુ ડોર સંપર્ક
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે હવે બહુ ઓછા દિવસો રહ્યા છે જેથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહત્તમ જનસંપર્કની નીતિ અપનાવવામાં આવી છે. જેથી જાહેર સભાઓના સ્થાને ડોર ટુ ડોર પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભાજપ અને કોંગ્રેસના મુખ્ય નેતાઓ દ્વારા રોડ શો અને કેટલાક વિસ્તારોમાં ગૃપ બેઠકોનાઆયોજન કરાઇ રહ્યા છે. જ્યારે સ્થાનિક નેતાઓ અને ઉમેદવારો રાત્રિના સમયે ખાટલા બેઠક અને ઘરે ઘરે જઇને મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દેવાયું છે.
ભાજપ સામે કોંગ્રેસ : પ્રચારમાં હવે સરકાર વિરુદ્ધ સંગઠનનો મુકાબલો
બંને પક્ષોની યાદીની સરખામણી કરીએ તો ભાજપે સરકાર અને સંગઠનની સંપૂર્ણ ટીમને એકસાથે પ્રચારમાં ઉતારવાનું માળખું રાખ્યું છે. મુખ્યમંત્રીથી માંડીને સરકારના મંત્રીઓ અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સુધીના ચહેરા તેમાં છે. કોંગ્રેસની યાદીમાં પ્રદેશ કોંગ્રેસના વર્તમાન અને પૂર્વના અગ્રણીઓ, સાંસદો-ધારાસભ્યો તથા રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય નેતાઓનું મિશ્રણ જોવા મળે છે. ગાંધીનગરની ચૂંટણીમાં આ સ્ટાર પ્રચારકોની એન્ટ્રી સાથે હવે સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર વધુ મોટા રાજકીય મંચ પર પહોંચશે.