વોર્ડ-4ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કોંગ્રેસી નેતાઓ પર નિશાન તાક્યું: ભાજપ મહામંત્રી બ્રહ્મભટ્ટે નેહરુને રાવણ-દુર્યોધન સાથે સરખાવ્યાગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બનતાં હવે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે.
ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે વોર્ડ નં. 4ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં કોંગ્રેસ અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અંગે કરેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. બ્રહ્મભટ્ટેપૌરાણિક કથાઓનો સંદર્ભ આપીને નેહરુની તુલના રાવણ અને દુર્યોધન સાથે કરી હતી.
સમારોહમાં અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રાવણ અને દુર્યોધનના જન્મ સમયે તેમના રુદનથી મહાવિનાશના એંધાણ મળ્યાં હતાં અને તેમના ત્યાગની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં તેમનો ત્યાગ ન થતાં રામાયણ અને મહાભારત જેવાં વિનાશક યુદ્ધો થયાં હોવાનું તેમણે કહ્યું હતું.
આ જ સંદર્ભને 1947 બાદની રાજકીય પરિસ્થિતિ સાથે જોડતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે આઝાદી બાદ દેશમાં વડાપ્રધાન તરીકે આવા જ વ્યક્તિત્વનો જન્મ થયો અને તેમનું નામ જવાહરલાલ નેહરુ હતું. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે નેહરુએ કોંગ્રેસના માધ્યમથી દેશને સતત અનેક પીડાઓ આપી છે. આઝાદી પછી પાકિસ્તાનમાં રહેલા આપણા ભાઇઓને ભારતમાં પાછા લાવવામાં દુર્લક્ષ્ય સેવ્યુ હતું.
ચૂંટણી પ્રચારમાં અત્યાર સુધી વિકાસના મુદ્દાઓ સાથે પક્ષીય સંગઠન અને ઉમેદવારોને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી હતી.