રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો અને ખાસ કરીને નાટો (NATO) સંગઠનને અત્યંત કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો બાલ્ટિક ક્ષેત્રમાં આવેલા રશિયન પ્રદેશ ‘કલિનિનગ્રાડ’ પર સીધો હમલો કરવામાં આવશે, તો મોસ્કો પરમાણુ બોમ્બ સહિતના તેના તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતા અચકાશે નહીં.પુતિને માત્ર એક જ કલાકની અંદર બે વખત આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી છે, જેના કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે કે શું હવે યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રી થશે?
વલ્દાઈ ડિસ્કશન ક્લબમાં પુતિનનું નિવેદન
મોસ્કોમાં આયોજિત ‘વલ્દાઈ ડિસ્કશન ક્લબ’ની બેઠકમાં બોલતા રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેમનો કોઈપણ યુરોપિયન દેશ પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જરૂર પડ્યે તેઓ પશ્ચિમી દેશોની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પુતિનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે મોસ્કોએ નાટોને એક રાજદ્વારી ચેતવણી મોકલી છે, જેમાં નાટો દ્વારા કલિનિનગ્રાડને ઘેરવાની કે અલગ-થલગ કરવાની ધમકીઓનો ઉલ્લેખ છે.
નાટોની પ્રતિક્રિયા અને ક્ષેત્રીય તણાવ
બીજી બાજુ, નાટોએ રશિયન પ્રદેશ માટે કોઈ જોખમ હોવાની વાતને ફગાવી દીધી છે અને મોસ્કોની પરમાણુ ધમકીઓની આકરી ટીકા કરી છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા અને નાટો વચ્ચે સંબંધો પહેલેથી જ અત્યંત તણાવપૂર્ણ છે, અને આ નવા ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય સુરક્ષાના જોખમોને વધુ વધારી દીધા છે. નાટો દેશો પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે ઘેરાયેલા રશિયન પ્રદેશ કલિનિનગ્રાડ પાસે તાજેતરમાં નાટો દ્વારા સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેનાથી રશિયા નારાજ છે.
કલિનિનગ્રાડનું વ્યૂહાત્મક મહત્ત્વ
વૈશ્વિક નકશા પર કલિનિનગ્રાડ એ રશિયાનો એક એવો ભાગ છે જે મુખ્ય રશિયન ભૂમિથી અલગ (Exclave) છે અને નાટો દેશોથી ઘેરાયેલો છે. બરફ મુક્ત રહેવાને કારણે અહીં રશિયાનો મુખ્ય નૌકાદળ બેઝ આવેલો છે, જે તેને રશિયા માટે એક મજબૂત સૈન્ય કિલ્લો બનાવે છે. અહીંથી રશિયા બર્લિન અને વોર્સા જેવા યુરોપિયન શહેરોને સરળતાથી નિશાન બનાવી શકે છે, જે નાટો દેશો માટે ચિંતાનો વિષય છે.
યુદ્ધની વર્તમાન સ્થિતિ અને આર્થિક અસર
યુક્રેન વિરુદ્ધ રશિયાનું યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશી ગયું છે, પરંતુ પુતિન યુદ્ધને રોકવાના મૂડમાં નથી. ઠંડીની મોસમ પહેલા રશિયાએ કીવ અને યુક્રેનની ઉર્જા પ્રણાલીઓ પર હુમલા વધુ તીવ્ર કર્યા છે. જવાબી કાર્યવાહીમાં યુક્રેન દ્વારા પણ રશિયન તેલ રિફાઇનરીઓ અને ડિપોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે રશિયાના સ્થાનિક બજારો અને અર્થવ્યવસ્થા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
