‘વિદેશીઓ યુક્રેન છોડે…’ રશિયાએ આપી ચેતવણી; ઝેલેન્સ્કી બોલ્યા- ‘અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવી દઈશું’

Spread the love

શિયાળાના કડકડતી ઠંડીના મહિનાઓ નજીક આવતા જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના અત્યાર સુધીના સૌથી વિનાશક અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરો પર લક્ષિત જવાબી હુમલા સતત ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે. રશિયન વિદેશ મંત્રાલયે કિવમાં રહેતા તમામ વિદેશી નાગરિકો અને વિવિધ દેશોની એમ્બેસીના કર્મચારીઓને તાત્કાલિક શહેર છોડી દેવા માટે કડક ચેતવણી આપી દીધી છે.બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રશિયાની કાળી યોજના સામે યુક્રેન ઝૂકશે નહીં, પરંતુ રશિયાની આર્થિક તાકાત સમાન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા બમણા કરીને પુતિનના યુદ્ધ મશીનને જડબાતોડ જવાબ આપશે.

 

વિદેશી રાજદ્વારીઓને કિવ છોડવા અલ્ટીમેટમ

 

રશિયન વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે યુક્રેનિયન સેના દ્વારા રશિયન નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત ‘આતંકવાદી હુમલા’ કરવામાં આવી રહ્યા છે, જેના બદલા તરીકે રશિયન સૈન્ય કિવ અને અન્ય શહેરો પર સૈન્ય સુવિધાઓ પર હુમલા ચાલુ રાખશે.

 

યુક્રેન છોડો… નુકસાન થયું તો જવાબદારી અમારી નહીં રહે: રશિયા

 

રશિયન વિદેશ મંત્રાલયે ખુલ્લી ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, રશિયન વિદેશ મંત્રાલય ફરી એકવાર વિદેશી નાગરિકો, ખાસ કરીને રાજદ્વારી મિશનના સ્ટાફને યુક્રેનમાં રહેવા અથવા ત્યાં મુસાફરી કરવા સામે સાવચેત કરે છે. આ ચેતવણીને અવગણનારા લોકો માટે ઊભા થનારા કોઈપણ પ્રતિકૂળ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે.

 

રશિયાએ કિવના 30 લાખ નાગરિકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરવા માટે પ્રથમ વખત પૂર્વ અને પશ્ચિમ કિવને જોડતી ડિનિપ્રો નદી પરના બ્રિજને જેટ-સંચાલિત ડ્રોન વડે નિશાન બનાવ્યો છે.

 

પુતિનનો યુક્રેનની શાળાઓ-હોસ્પિટલો પર હુમલાનો પ્લાન: ઝેલેન્સ્કીનો દાવો

 

રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓના હાથમાં એવા દસ્તાવેજો આવ્યા છે જે પુતિનની નવી આક્રમક નીતિનો પર્દાફાશ કરે છે. પુતિને શિયાળા પહેલા કિવ અને અન્ય શહેરોમાંથી લોકોને હિજરત કરવા મજબૂર કરવા માટે શાળાઓ, હોસ્પિટલો, ડેટાસેન્ટર્સ, માર્ગો અને એનર્જી સિસ્ટમ્સ પર આડેધડ બોમ્બમારાની છૂટ આપી છે.

 

યુદ્ધ માટે ઓઈલથી જ પૈસા કમાય છે રશિયા: ઝેલેન્સ્કી

 

ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમે પણ જડબાતોડ જવાબ આપીશું. તેમણે અમારી ઉર્જા પર હુમલો કર્યો છે, તો અમારે તેમની ઉર્જા પર વળતો પ્રહાર કરવો જ પડશે. સૌથી પહેલાં ઓઇલ રિફાઇનરીઓ: જે રશિયાને આ યુદ્ધ લડવા માટે પૈસા આપે છે. પરંતુ અમે રશિયાની જેમ ક્યારેય કોઈપણ નાગરિક લક્ષ્‍યો પર હુમલો નહીં કરીએ.

 

પુતિન એવી શરત રાખી રહ્યા છે કે શાંતિ મંત્રણા પહેલાં સમગ્ર ડોનબાસ પર રશિયાનો કંટ્રોલ હોવો જોઈએ. પરંતુ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનના કાઉન્ટર-ઓફેન્સિવ કોડનેમ ‘ઓપરેશન વિવાલ્ડી’ હેઠળ યુક્રેને પૂર્વીય ડોનબાસમાં આશરે 140 ચોરસ કિલોમીટર વિસ્તાર રશિયા પાસેથી પાછો આંચકી લીધો છે અને આ લડાઈ હજુ ચાલુ છે.

 

અમેરિકાનું શાંતિ વલણ અને ટ્રમ્પની ચેતવણી સામે ઝેલેન્સ્કીની સ્પષ્ટતા

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન 4 વર્ષ જૂના આ લોહિયાળ યુદ્ધને સમાપ્ત કરવા વાટાઘાટો પુનર્જીવિત કરવા મથી રહ્યું છે. ગયા મહિને ટ્રમ્પે યુક્રેનને રશિયન ઓઇલ પ્લાન્ટ્સ પર હુમલા ન કરવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી વૈશ્વિક સ્તરે ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે.

 

ટ્રમ્પે પુતિનને આમંત્રણ આપ્યું પણ પશ્ચિમી દેશો ભ્રમમાં ન રહે: ઝેલેન્સ્કી

 

જોકે, સાયરનના ગડગડાટ વચ્ચે ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયા તરફથી શાંતિ કે એનર્જી સીઝફાયરમાં કોઈ રસ હોવાના સંકેત મળ્યા નથી. ટ્રમ્પે પુતિનને ડિસેમ્બરમાં મિયામી ખાતે G20 સમિટમાં આમંત્રણ આપ્યું છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ G20માં પુતિનને મળવા તૈયાર છે, પરંતુ પશ્ચિમી દેશોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે ડોનબાસ મેળવીને રશિયા યુદ્ધ બંધ કરી દેશે. જ્યાં સુધી રશિયા યુદ્ધ રોકે નહીં ત્યાં સુધી તેની સાથે આર્થિક કે રાજદ્વારી સંબંધો સામાન્ય ન કરવા જોઈએ, કારણ કે અર્થતંત્ર કરતાં શાંતિ વધુ મહત્ત્વપૂર્ણ છે. યુએઈમાં ત્રિપક્ષીય વાટાઘાટોની દરખાસ્ત થઈ છે પરંતુ હજુ કોઈ તારીખ નક્કી થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *