બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાના એક હાલના નિવેદનને લઈને વિવાદોમાં આવી ગયા છે. શેખર સુમનના ચેટ શો ‘શેખર ટૂનાઈટ’ના ગાંધી જયંતિ સ્પેશિયલ એપિસોડમાં સંજય દત્તે કહ્યું હતું કે, તેઓ દેશમાં વધુ શાંતિ ઈચ્છે છે અને હવે તેમને ભારતમાં પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી. તેમના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો મચી ગયો હતો. હવે આ સમગ્ર વિવાદ પર સંજય દત્તે પોતાની ચૂપકીદી તોડતાં સફાઈ રજૂ કરી છે.તેમણે કહ્યું છે કે, તેમનો હેતુ કોઈની પણ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે અનાદર કરવાનો બિલકુલ નહોતો.
શોમાં આપેલા નિવેદન પર સંજય દત્તે આપી સફાઈ
સંજય દત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની વાત મૂકી હતી. તેમણે લખ્યું હતું કે, તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે તેમનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે જણાવ્યું કે, આ સમગ્ર વાતચીત એક સ્ક્રિપ્ટેડ શોનો હિસ્સો હતી. આનો હેતુ માત્ર મનોરંજન અને હળવી-ફૂલકી મજાક કરવાનો હતો. પોતાની વાતને આગળ વધારતાં સંજય દત્તે કહ્યું કે, તેમના નિવેદનને ખોટી રીતે સમજી લેવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, આ વાતચીત પાછળની ભાવના પ્રેમ, ભાઈચારો અને સદભાવના ફેલાવવાની હતી. આ ઠીક એવું જ હતું જેવું તેમની ફિલ્મ મુન્ના ભાઈમાં ગાંધીગીરી દ્વારા બતાવવામાં આવ્યું હતું. અફસોસની વાત એ છે કે, તેમની વાતોને સાચા સંદર્ભથી બહાર રાખીને જોવામાં આવી હતી. આ સિવાય એક્ટરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ સફાઈ આપી છે.
