દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોના CEO અમીન નાસિરે ક્રૂડ ઓઈલ અંગે ચિંતાજનક ચેતવણી આપી છે. નાસિરે સોમવારે (5 ઓક્ટોબર) ચેતવણી આપી હતી કે વૈશ્વિક ઓઇલ રિઝર્વ ખતરનાક રીતે નીચલા સ્તરે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં જો હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે સામાન્ય નહીં થાય તો વૈશ્વિક એનર્જી માર્કેટને આગળ પણ સપ્લાય સંબંધિત જોખમોનો સામનો કરવો પડી શકે છે.લંડનમાં યોજાયેલા એનર્જી ઇન્ટેલિજન્સ ફોરમને સંબોધતા નાસિરે કહ્યું કે, સામાન્ય સ્થિતિમાં ઓઇલ રિઝર્વ બજારને મોટા ઝટકાથી બચાવવાનું કામ કરે છે, પરંતુ હાલમાં આ રિઝર્વ ઘણાં ઓછા થઈ ગયા છે. તેથી કોઈ નવા સંકટની અસર વધુ ગંભીર બની શકે છે.
તેમણે કહ્યું કે, મોટી અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બહાર પાડવાનો નિર્ણય ટૂંકા ગાળે રાહત આપી શકે છે, પરંતુ તે વૈશ્વિક એનર્જી માર્કેટમાં રહેલા માંગ અને સપ્લાયના મૂળ અસંતુલનને દૂર કરી શકશે નહીં. નાસિરે કહ્યું કે, જ્યાં સુધી હોર્મુઝમાં તેલ અને ઈંધણની અવરજવર સંપૂર્ણપણે સામાન્ય નહીં થાય અને બજારમાં વિશ્વાસ ફરી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ફ્યુઅલ માર્કેટ પર દબાણ યથાવત રહી શકે છે.
ઓઇલ રિઝર્વ ફરી ભરવામાં બે વર્ષ લાગશે
અરામકોના વડાએ કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખૂલી ગયા બાદ પણ વૈશ્વિક ઓઇલ રિઝર્વને ફરી સામાન્ય સ્તરે પહોંચાડવામાં લગભગ બે વર્ષનો સમય લાગી શકે છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓએ વધતી ઈંધણ કિંમતોને નિયંત્રિત કરવા માટે લગભગ 10 કરોડ બેરલના ઇમરજન્સી ઓઇલ અને ડીઝલ રિઝર્વ બહાર પાડવાની યોજના જાહેર કરી છે.
આ બધું થવા છતાં બજારમાં જોખમની ધારણા યથાવત છે. નિષ્ણાતોના મતે, પર્સિયન ગલ્ફ અને લાલ સમુદ્રમાં ચાલી રહેલા સુરક્ષા જોખમોને કારણે ઓઇલ માર્કેટ હજુ પણ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને કિંમતોમાં સામેલ કરી રહ્યું છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ છેલ્લા એક મહિનાથી લગભગ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આ દર્શાવે છે કે રોકાણકારો હજુ પણ સંભવિત ઓઇલ સપ્લાયમાં અવરોધને લઈને ચિંતિત છે.
