કેનેડાના પીઆર મળ્યા બાદ પતિ અને સાસરિયાં દ્વારા અમાનવીય શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આણંદના બિલ્ડર પતિ સામે પત્નીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી આપત્તિજનક વીડિયો ઉતારી લેવાનો અને પતિના મિત્ર દ્વારા છેડતી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.હાલ પોતાના 4 વર્ષના બાળકની સારવાર કરાવી રહેલી મહિલાએ વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, પતિ અને પતિના મિત્ર સામે ગુનો નોંધાવ્યો છે, જે ઝીરો નંબરથી આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
પીડિતાના જણાવ્યા અનુસાર, તેમના પ્રથમ લગ્નમાં છૂટાછેડા થયા બાદ 2017માં તેમની મુલાકાત આણંદના રમેશ (નામ બદલ્યું છે) સાથે થઈ હતી. મહિલાના કેનેડાના પીઆર મંજૂર થઈ ગયા હોવાથી સાસરિયાંએ ઉતાવળે 2019માં લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ ત્રણ વર્ષ સુધી પતિની ફાઇલ પ્રોસેસ ન થતાં સાસરિયાં દબાણ કરતા હતા. ત્યારબાદ પતિના કહેવાથી બાળકની યોજના કરવામાં આવી અને 2022માં કેનેડામાં પુત્રનો જન્મ થતાં જ પતિને પણ પીઆર મળી ગયા હતા.
પીઆર મળ્યાના એક-બે મહિનામાં જ પતિના તેવર બદલાઈ ગયા હતા અને મારપીટ શરૂ કરી દીધી હતી. અમેરિકા રહેતા સાસુ-સસરા અને નણંદે ‘ભારતમાં બધું સારું થઈ જશે’ તેમ કહી પરિણીતાને પુત્ર સાથે 2023માં ભારત પરત મોકલી દીધી હતી. જોકે, આણંદ આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને પિયરમાંથી સોનું લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
પીડિતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પતિ તેના મિત્રોને ઘરે બોલાવતો હતો. તેમાંથી એક મિત્ર પરિણીતા પર ખરાબ નજર રાખતો અને અયોગ્ય સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. આ અંગે પતિને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા. આ ઉપરાંત પતિએ બળજબરીપૂર્વક અપ્રાકૃતિક સંબંધ (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) બાંધી તેના વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં પતિ બીમારીનું બહાનું કાઢી ગાયબ થઈ ગયો હતો અને તેનો મિત્ર દારૂ પીધેલી હાલતમાં ઘરમાં ઘૂસી મહિલા પર દબાણ બનાવતો હતો.
મહિલાના 4 વર્ષના પુત્રને ‘સ્પીચ ડીલે’ની તકલીફ હોવાથી તેની વડોદરાની કાશીબા હોસ્પિટલમાં થેરાપી ચાલે છે. મહિલા જ્યારે બાળકને લઈને હોસ્પિટલ જતી ત્યારે પાછળથી ઘરને તાળું મારી દેવામાં આવતું હતું. પતિએ બાળકની સારવાર અને ભરણપોષણ માટે એક પણ રૂપિયો આપવાની ના પાડી ઘર છોડી દેવાની ધમકી આપી હતી.
છેલ્લા 6 મહિનાથી પીડિતા વડોદરામાં રહીને પોતાના બાળકની સારવાર કરાવી રહી છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
