દુનિયાનું અનોખું શહેર, જ્યાં 500 વર્ષથી એક રૂપિયો પણ નથી વધ્યું મકાન ભાડું! રહેવા માટે કરવું પડે છે 3 શરતોનું પાલન

Spread the love

દુનિયાભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારીની સાથે મકાન ભાડામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરંતુ દુનિયામાં એક એવું શહેર છે જ્યાં છેલ્લા 500 વર્ષથી ભાડામાં એક રૂપિયો પણ વધ્યો નથી. આ શહેરમાં લોકોને માત્ર એક ડોલર ભાડું આપવું પડે છે. અમે વાત કરી રહ્યાં છીએ જર્મનીના શહેર ઓગ્સબર્ગના ફુગેરાઈ વિસ્તારની આ વિસ્તારમાં માત્ર 142 લોકો રહે છે.આ લોકો વર્ષે માત્ર 0.88 યૂરો એટલે કે આશરે 95 રૂપિયા આપવા પડે છે. મોંઘવારીના આ જમાનામાં 95 રૂપિયામાં કિલો મગ કે ચણા પણ નથી મળતા. પરંતુ ફુગેરાઈમાં તમે 95 રૂપિયામાં આખું વર્ષ મજાથી રહી શકો છો. આવો જાણીએ તેની પાછળનું કારણ.

 

ફુગેરાઈની સ્થાપના 16મી સદીમાં ફુગર પરિવારે કરી હતી. આ પરિવાર 1367માં ઓગ્સબર્ગમાં આવીને વસ્યો હતો. શરૂઆતમાં આ પરિવાર નાનો-મોટો વ્યવસાય કરતો હતો, પરંતુ થોડા જ સમયમાં તેણે પોતાના વેપારનો અનેક ક્ષેત્રોમાં વિસ્તાર કર્યો અને શહેરના સૌથી અમીર પરિવારોમાં સામેલ થઈ ગયો. ત્યારબાદ પરિવારે આખા શહેરમાં અનેક જગ્યાએ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી અને વિવિધ સામાજિક કાર્યોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

 

આ પરિવારમાંથી જેકોબ ફુગેર શહેરના સૌથી અમીર બેન્કર તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ સમાજના ગરીબ વર્ગ માટે સસ્તા મકાનો બનાવવા માંગતા હતા. અહીંથી જ ફુગેરાઈની શરૂઆત થઈ. વર્ષ 1521માં જેકોબ ફુગેરે સોશિયલ હાઉસિંગ કોમ્પ્લેક્સ બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી. આ દુનિયાનું પ્રથમ સોશિયલ હાઉસિંગ કોમ્પ્લેક્સ હતું. જોકે, અહીં મકાન મેળવવા માટે કેટલીક શરતો રાખવામાં આવી હતી. જેમ કે, વ્યક્તિ કેથોલિક હોવો જોઈએ, ઓગ્સબર્ગનો રજિસ્ટર્ડ નાગરિક હોવો જોઈએ અને તેની સામાજિક પ્રતિષ્ઠા સારી હોવી જોઈએ.

 

જે વ્યક્તિને અહીં મકાન આપવામાં આવે છે, તેણે ફુગેર પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવી પડે છે. આ ઉપરાંત રાત્રે 10 વાગ્યાના કર્ફ્યુના નિયમનું પણ પાલન કરવું પડતું હતું. જેકોબ ફુગેરે આ સોશિયલ હાઉસિંગ કોમ્પ્લેક્સના ખર્ચ માટે એક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આજે પણ કોમ્પ્લેક્સના કેટલાક ખર્ચનો ભાર આ ટ્રસ્ટ જ ઉઠાવે છે.

 

યુદ્ધ દરમિયાન ફુગેરાઈને ઘણી વખત નુકસાન થયું છે, પરંતુ દરેક વખતે તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું. જોકે, અહીં ભાડાને લઈને જૂની શરતો આજે પણ યથાવત છે. હા, કર્ફ્યુના નિયમમાં હવે ઘણી હદ સુધી છૂટ આપવામાં આવી છે. રહેવાસીઓ મોડી રાત્રે પણ ઘરે આવી શકે છે, પરંતુ તેના માટે તેમણે અગાઉથી ગાર્ડને જાણ કરવી પડે છે. છેલ્લા 500 વર્ષમાં દુનિયાભરમાં મકાનોના ભાડામાં અનેક ગણો વધારો થયો છે, પરંતુ ફુગેરાઈના રહેવાસીઓએ આજે પણ આખા વર્ષનું માત્ર 0.88 યુરો ભાડું ચૂકવવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *