નોકરી ગઈ પછી 21 વર્ષ સુધી ભંગાર વીણવાનું કામ કર્યું, મોડેમોડે ખબર પડી કે ખાતામાં 61 લાખ રૂપિયા છે! અને એ અહીંથી આવ્યા છે

Spread the love

ચીનના હુનાનમાં ‘રૂ’ નામનો એક વ્યક્તિ સરકારી દુકાનમાં કામ કરતો હતો. 2000ના દાયકાની શરૂઆતમાં કર્મચારીઓના પુનર્ગઠન દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. રૂએ તે દુકાનમાં આશરે 30 વર્ષ સુધી કામ કર્યું હતું. નોકરી છૂટતી વખતે તેને વળતર પણ આપવામાં આવ્યું હતું.

 

રૂએ થોડો સમય આ વળતરના પૈસાથી પોતાનું ગુજરાન ચલાવ્યું.પરંતુ ટૂંક સમયમાં વળતરની રકમ પૂરી થઈ ગઈ અને તે દેવામાં ડૂબી ગયો. સંબંધીઓ સાથે પણ તેનો વિવાદ થયો. અંતે જીવનનિર્વાહ માટે તેણે ભંગાર એકત્ર કરવાનું શરૂ કર્યું. આ રીતે 21 વર્ષ વીતી ગયા અને રૂ 71 વર્ષનો થઈ ગયો.

 

પેન્શનમાં મળ્યા લાખો રૂપિયા

 

‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ મુજબ, 2024ના શિયાળામાં એક સોશિયલ વેલફેર વર્કરની નજર રૂ પર પડી હતી. તે એક ખાલી ઈમારતમાં રહેતો હતો. સોશિયલ વેલફેર વર્કર આ વૃદ્ધને પોતાની સાથે શેલ્ટર હોમમાં લઈ આવ્યા હતા.

 

રૂએ એક્ટિવિસ્ટને પોતાના વિશે માહિતી આપી હતી. આ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે 2015માં નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા બાદ રૂ વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવાનો હકદાર હતો. તેની પેન્શન આશરે 3,700 યુઆન પ્રતિ મહિને એટલે કે લગભગ 53 હજાર રૂપિયા હોવાનો અંદાજ હતો. લગભગ એક દાયકા બાદ આ રકમ જમા થઈને 4.20 લાખ યુઆન એટલે કે લગભગ 61 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી.

 

રૂને પેન્શનની કોઈ જાણકારી જ નહોતી

 

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે રૂને પેન્શનના આ પૈસા અંગે કોઈ જાણકારી જ નહોતી. તેને લાગતું હતું કે પેન્શન મેળવવા માટે લાંબા સમય સુધી ઈન્શ્યોરન્સ માટે ચુકવણી કરવી પડે છે. પરંતુ નોકરી ગયા બાદ આર્થિક તંગીના કારણે તે આવું કરી શક્યો નહોતો.

 

હવે જ્યારે વૃદ્ધને પોતાના 61 લાખ રૂપિયા જમા હોવાની જાણ થઈ, ત્યારે તે ભાવુક થઈ ગયો હતો. તેણે સોશિયલ આસિસ્ટન્સ અધિકારીઓ અને અન્ય સરકારી વિભાગોનો આભાર માન્યો હતો. તેણે હવે પોતાના વતન ઝૂઝોઉ જવાની યોજના હોવાનું જણાવ્યું છે.

 

‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ને અધિકારીઓએ જણાવ્યું હતું કે રૂએ સરકારી દુકાનમાં 30 વર્ષ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેના પગારમાંથી ઈન્શ્યોરન્સ માટેની રકમ કપાતી હતી. સોશિયલ વર્કરે વૃદ્ધને તેનું બેંક કાર્ડ પરત આપ્યું અને તેને સુરક્ષિત રાખવાની સલાહ આપી હતી.

 

કર્મચારીએ રૂને પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અને ટેલિકોમ્યુનિકેશન કૌભાંડોથી સાવધાન રહેવાની સલાહ પણ આપી હતી. ચીનના પેન્શન સંબંધિત નિયમ મુજબ, જે લોકોએ 15 વર્ષથી વધુ સમય સુધી ઈન્શ્યોરન્સમાં યોગદાન આપ્યું હોય, તેઓ નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા માટે હકદાર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *