પત્નીને લક્ઝરી લાઇફ જીવવાનો શોખ હતો તો કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટરે સરકારનું 98 લાખનું કરી નાખ્યું! ભેજું તો એવું દોડાવ્યું કે એક કાલ્પનિક શિક્ષક ઊભો કર્યો અને એના નામે પગાર અને એરિયર્સ શરૂ કરી દીધા

Spread the love

બિહારના ભાગલપુરમાં સરકારી નાણાંની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગમાં કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા અવિનાશ રાજે અધિકારીઓનો વિશ્વાસ જીતીને સરકારી તિજોરીમાંથી રૂ. 98,12,773 એટલે કે આશરે 98 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ છે. પત્નીના મોંઘા શોખ પૂરા કરવા અને લક્ઝરી જીવન જીવવા માટે તેણે આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

નોકરીમાંથી બરતરફ થયા પછી પણ અવિનાશ કથિત રીતે એક લિપિકની ગુપ્ત લોગિન આઈડીનો ઉપયોગ કરીને નકલી મહિલા શિક્ષિકાના નામે સરકારી નાણાં ટ્રાન્સફર કરતો રહ્યો હતો. પોલીસે સર્વેલન્સની મદદથી ફરાર અવિનાશને બિહારના બાંકા જિલ્લામાંથી પકડી પાડ્યો છે.

 

અધિકારીઓનો વિશ્વાસ જીતીને આચર્યું કૌભાંડ

 

અવિનાશ રાજ પોતાની કાર્યક્ષમતા અને ટેકનિકલ જાણકારીને કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2021માં લાગુ થયેલી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS)ની કામગીરી સમજ્યા બાદ તેણે પગારનાં બિલ તૈયાર કરવામાં નિપુણતા મેળવી હતી.

 

જોકે, તેની કામગીરીમાં ગેરરીતિઓ સામે આવતાં વિભાગે 9 જૂન, 2026ના રોજ તેને નોકરીમાંથી બરતરફ કરી દીધો હતો. તેમ છતાં અવિનાશે કથિત રીતે લિપિક શિશિર કુમાર ઝાની ગુપ્ત લોગિન આઈડીનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો.

 

આ આઈડીની મદદથી તે એક કાલ્પનિક મહિલા શિક્ષિકાના નામે પગાર અને એરિયર્સનાં નાણાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરતો રહ્યો હતો.

 

બે મહિનામાં 90 લાખથી વધુનાં બિલ પાસ કરાવ્યાં

 

નાણાકીય તપાસ દરમિયાન આ કૌભાંડની સમગ્ર પદ્ધતિ સામે આવી હતી. તપાસમાં જણાવ્યા મુજબ, જુલાઈ અને ઓગસ્ટ 2026 દરમિયાન નકલી મહિલા શિક્ષિકાના નામે બે બિલ પાસ કરાવવામાં આવ્યાં હતાં.

જુલાઈ 2026: રૂ. 43,62,168નું બિલ પાસ કરાવ્યું.

 

ઓગસ્ટ 2026: રૂ. 46,95,775નું બીજું બિલ પાસ કરાવ્યું.

 

આ નાણાં હરિયાણાના ફરીદાબાદમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ની એક બેંક શાખાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં. ત્યારબાદ UPI મારફતે અવિનાશ, તેની પત્ની કાજલ, જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગૌતમ કુમાર અને તનુજા દેવીનાં અંગત બેંક ખાતાંમાં નાણાં મોકલવામાં આવતાં હતાં.

 

રૂ. 46 લાખ ફ્રીઝ, જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિના ખાતામાંથી 28 લાખ મળ્યા

 

કૌભાંડની જાણ થતાં તપાસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ બેંક ખાતાંમાં રહેલા આશરે રૂ. 46 લાખ ફ્રીઝ કરાવ્યા હતા.

 

આ ઉપરાંત, નાણાકીય તપાસ દરમિયાન જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગૌતમ કુમારના UPI ખાતામાંથી આશરે રૂ. 28 લાખ મળી આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

 

પોલીસને આશંકા છે કે બાકીનાં નાણાંમાંથી ગેરકાયદેસર રીતે મિલકતો અને મોંઘી વસ્તુઓ ખરીદવામાં આવી હોઈ શકે છે. આ દિશામાં બેંક સ્ટેટમેન્ટ સહિતના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

 

બે મોંઘી કાર, બુલેટ અને ત્રણ પ્લોટ ખરીદ્યાનો આરોપ

 

અહેવાલ મુજબ, સામાન્ય માનદ વેતન મેળવતા અવિનાશની જીવનશૈલી છેલ્લાં બે વર્ષમાં અચાનક બદલાઈ ગઈ હતી. પત્ની કાજલના મોંઘા શોખ પૂરા કરવા માટે તેણે કથિત રીતે ઉચાપતનાં નાણાંનો ઉપયોગ કર્યો હતો.

આ નાણાંમાંથી તેણે બે મોંઘી કાર, એક બુલેટ મોટરસાઇકલ અને અલગ-અલગ સ્થળોએ ત્રણ કિંમતી જમીનના પ્લોટ ખરીદ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, તે પત્ની સાથે દાર્જિલિંગ, મનાલી અને સિક્કિમ જેવા મોંઘા હિલ સ્ટેશનોની મુલાકાતે પણ ગયો હતો.

 

આશ્ચર્યની વાત એ છે કે 9 જૂન, 2026ના રોજ જ્યારે તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ તે સિક્કિમમાં રજાઓ માણી રહ્યો હતો.

 

ફોન પર ગુનો કબૂલ્યો, 20 લાખ રૂપિયા પાછા આપવાની ઓફર કરી

 

શિક્ષણ વિભાગના અધિકારીઓએ કૌભાંડ સામે આવ્યા બાદ અવિનાશનો ફોન પર સંપર્ક કરીને જવાબ માગ્યો હતો. અહેવાલ મુજબ, આ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને અધિકારીઓને તાત્કાલિક રૂ. 20 લાખ પરત આપવાની ઓફર કરી હતી.

 

જોકે, તેની શરત એવી હતી કે વિભાગ તેની વિરુદ્ધ કોઈ FIR કે કાયદેસરની ફરિયાદ નોંધાવે નહીં. અધિકારીઓએ તેની આ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

 

ત્યારબાદ અવિનાશે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો અને ભાગલપુરથી ફરાર થઈ ગયો હતો. જોકે, DIOU અને પોલીસની ટીમે સર્વેલન્સની મદદથી તેનું લોકેશન શોધી કાઢ્યું હતું અને બાંકા જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી.

 

હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. સરકારી નાણાંની ઉચાપત કરીને ખરીદવામાં આવેલી મિલકતો અને અન્ય સંપત્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *