દેશભરમાં ચકચાર જગાવનાર કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં (Surat Bitcoin Scam) આવી છે. સુરતમાં અગાઉ સામાન્ય ટ્યુશન ક્લાસિસ ચલાવનાર અને ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના અબજો રૂપિયા પડાવનાર મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની EDએ ધરપકડ કરી છે.
આરોપીને સ્પેશિયલ ED કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને બુધવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર સોંપ્યો છે.
690 કરોડનું કૌભાંડ અને EDનો દાવો
કોર્ટની સુનાવણી દરમિયાન EDએ ગંભીર ખુલાસા કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં આશરે 690 કરોડ રૂપિયાનું જંગી કૌભાંડ અને 6,994 બિટકોઇનની હેરાફેરી સામે આવી છે. તપાસમાં એવા ચોંકાવનારા પુરાવા પણ મળ્યા છે કે વર્ષ 2024માં કેટલાક બિટકોઇન ગેરકાયદેસર રીતે વેચીને તેની રકમ આરોપીએ પોતાના પરિવારના સભ્યોમાં વહેંચી દીધી હતી. મની લોન્ડરિંગ અને હવાલા મારફતે નાણાં સગેવગે થયા હોવાની આશંકાએ એજન્સીએ ઊંડાણપૂર્વકની તપાસ માટે રિમાન્ડની માગણી કરી હતી.
આરોપી દિવ્યેશ દરજીની પૃષ્ઠભૂમિ તપાસતા સામે આવ્યું છે કે તે શરૂઆતમાં સામાન્ય ટ્યુશન ક્લાસ ચલાવતો હતો, પરંતુ રાતોરાત અમીર બનવાની લાલચે તેને બિટકોઇનના કારોબારમાં ધકેલી દીધો હતો.
તેણે ગુજરાત સહિત દેશભરના હજારો રોકાણકારોને ફસાવીને આશરે 2,000 કરોડ રૂપિયા સુધીનું સામ્રાજ્ય ઊભું કર્યું હોવાનું મનાય છે. રોકાણકારોના નાણાં ડૂબી જવાની ફરિયાદો બાદ તે લાંબો સમય દુબઈમાં છુપાઈને રહેતો હતો. અગાઉ વર્ષ 2018માં પણ CID ક્રાઇમે તેની ધરપકડ કરી હતી.
બચાવ પક્ષનો વિરોધ અને દલીલો
બીજી તરફ આરોપીના વકીલ કેતન રેશમવાલાએ EDના રિમાન્ડનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ કેસમાં વર્ષ 2018માં જ CID ક્રાઇમ દ્વારા ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને કોર્ટે ચાર્જ પણ ફ્રેમ કરી દીધા છે. વકીલે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી 2023માં 72 કલાક સુધી ચાલેલા EDના સર્ચ ઓપરેશન દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી કોઈ વાંધાજનક પુરાવું મળ્યું નથી. વકીલના જણાવ્યા મુજબ, ચાર્જશીટ બાદ પણ આરોપી અગાઉ 11 વખત એજન્સી સમક્ષ હાજર રહીને તપાસમાં પૂરો સહકાર આપી ચૂક્યો છે.
