દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. આ તહેવારોની મોસમમાં પેસેન્જરોને વતન જવા માટે સરળ અને સુવિધાજનક બસ ટ્રાન્સપોર્ટ મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સુરત વિભાગ દ્વારા અંદાજે 9,100 જેટલી એક્સ્ટ્રા બસોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આગામી 4 થી 9 નવેમ્બર દરમિયાન આ એક્સ્ટ્રા બસોનું સુચારુ સંચાલન કરવામાં આવશે. મુસાફરો પોતાની સીટનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
કયા વિસ્તારો માટે દોડશે સૌથી વધુ બસો?
નિગમ દ્વારા જાહેર કરાયેલા આયોજન મુજબ, સૌરાષ્ટ્ર તરફના વિવિધ શહેરો માટે સૌથી વધુ બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં શહેરો માટે પણ વિશેષ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુસાફરોને તેમના વતન સુધી સહીસલામત પહોંચાડવા માટે બસોનું સંચાલન નિર્ધારિત બસ સ્ટેશનો અને ખાસ પિકઅપ પોઇન્ટ્સ પરથી કરવામાં આવશે.
સુરતથી વિવિધ શહેરોનું સંભવિત ભાડું:
સુરત વિભાગ દ્વારા જાહેર કરાયેલા આયોજન અનુસાર વિવિધ શહેરો માટે એસટી બસનું ભાડું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
જામનગર: ₹500
સાવરકુંડલા: ₹480
મહુવા: ₹480
ગારીયાધાર: ₹440
રાજકોટ: ₹435
અમરેલી: ₹455
જસદણ: ₹405
ઊના: ₹450
ભાવનગર: ₹385
પાલનપુર: ₹410
દાહોદ / ઓલપાડ-દાહોદ: ₹350
ઓલપાડ-ઝાલોદ / ઝાલોદ: ₹390 અને ₹350
કવાંટ: ₹300
છોટા ઉદેપુર: ₹310
લુણાવાડા: ₹324
ગોધરા: ₹305
અમદાવાદ: ₹320
સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન
સુરત વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર તરફ જતી એક્સ્ટ્રા બસોનું સંચાલન ધામડકા હાઈવે, વરાછા રોડ ખાતે આવેલા મેદાન સહિતના નિર્ધારિત સ્થળોએથી હાથ ધરવામાં આવશે. જ્યારે દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફની બસો માટે એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલા સિટી સ્ટેન્ડ સહિતના પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ એક્સ્ટ્રા બસોનું સંચાલન મુખ્યત્વે સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી કરવામાં આવશે.
ઓનલાઈન અને એડવાન્સ બુકિંગની સુવિધા
મુસાફરો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન અને કડોદરા બસ સ્ટેશન સહિત નિગમના વિવિધ બસ સ્ટેશનો પર આવેલી બુકિંગ વિન્ડો પરથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે. આ ઉપરાંત, મુસાફરો GSRTC ની મોબાઇલ એપ અને સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પરથી પણ ઘરે બેઠા ઓનલાઈન બુકિંગ કરી શકશે. દિવાળીના પર્વ પર વધતી ભીડને ધ્યાનમાં રાખીને કરાયેલા આ વિશેષ આયોજનથી મુસાફરોને સમયસર બસની સુવિધા મળશે અને પ્રવાસ સુગમ બનશે.
