સુરત ઈકો સેલ ક્રાઈમ બ્રાંચે જમીન પચાવી પાડવાના અને જૂના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ચોર્યાસી તાલુકાના મોજે ખરવાસા ગામમાં વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની બ્લોક નંબર ૧૭૮ (વાસુદેવવાળું), બ્લોક નંબર ૧૬૮ (ડોસીવાળું) અને બ્લોક નંબર ૧૪૪ (ગોરાટ કાબોવાળી) મળી અંદાજે ૨૧ વીંઘા કિંમતી જમીનમાંથી સગી બહેનોનો વારસાઈ હક્ક ડુબાડી દેવાયો હતો.નરેન્દ્રસિંહ સોલંકીએ પોતાની માતા ધનુબેન અને માસી ભાવનાબેન સાથે થયેલી છેતરપિંડી અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.
આ ગુનાહિત કાવતરાની શરૂઆત વર્ષ ૧૯૯૬માં થઈ હતી. જમીનના અન્ય સહવારસદારોએ અંદરોઅંદર મળીને પહેલી ઓગસ્ટ, ૧૯૯૬ના રોજ જમીનની ખોટી અને ગેરકાયદે વહેંચણી દર્શાવતો એક બનાવટી કરાર ઊભો કર્યો હતો. આ વહેંચણી કરારમાં ફરિયાદીની માતા ધનુબેન તેમજ માસી ભાવનાબેનની સંમતિ વિના જ તેમની ખોટી સહીઓ કરી દેવામાં આવી હતી. આ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં જમુભાઈ આહીર, બાબુભાઈ નાયકા અને દૌલતસિંહ ગોહિલ નામના સાક્ષીઓએ તેમાં સહીઓ કરી ગુનાહિત કૃત્યમાં મદદ પહોંચાડી હતી.
ખોટા વહેંચણી કરારનો સાચા તરીકે ઉપયોગ કરી જમીનમાં પોતાના નામો ચઢાવવા માટે ૨૩ જુલાઈ, ૧૯૯૭ના રોજ ખરવાસાના તલાટી કમ મંત્રીને ખોટી સહીવાળી અરજી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીએ પણ સહઆરોપીઓ સાથે મિલીભગત કરી ખોટું પેઢીનામું, બોગસ પંચકયાસ અને જવાબોના ખોટા તુમારો તૈયાર કર્યા હતા. બંને મહિલાઓની કોઈ પણ પ્રકારની સંમતિ કે સહી ન હોવા છતાં તેમની બનાવટી સહીઓ કરાવી તે કાગળોના આધારે મહેસૂલી રેકોર્ડ પર ખોટી રીતે નોંધ નંબર ૧૮૬૨ પાડી દેવામાં આવી હતી અને કાયદેસરની વારસદાર બહેનોનો હક્ક કાગળ પર ડુબાડી દેવાયો હતો.
આ સનસનાટીભર્યા કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપીઓની ઉંમર છે. નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધો જમીનની લાલચમાં કાવતરાખોર બન્યા હતા. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ૭૫ વર્ષીય પ્રવિણસિંહ ગુમાનસિંહ ધુમ (રહે. બાલાજી બંગ્લોઝ, સુરત / મૂળ ડેલી, વાલિયા, ભરૂચ), ૬૪ વર્ષીય જસવંતસિંહ ગણપતસિંહ ગોહિલ (રહે. રજપૂત ફળિયું, ખરવાસા, સુરત) અને ૬૩ વર્ષીય વિક્રમસિંહ ચંદ્રસિંહ ધુમ (રહે. જલારામ સોસાયટી, સણિયા હેમાદ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ વયોવૃદ્ધ હોવા છતાં પરિવારની મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં મુખ્ય ભૂમિકામાં રહ્યા હતા.
સુરત સિટી ક્રાઈમ બ્રાંચની ઈકો સેલ ટીમે બનાવટી દસ્તાવેજો અને સરકારી રેકોર્ડની ચકાસણી સાથે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે સઘન તપાસ કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આ ત્રણેય વૃદ્ધ આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય સહવારસદારો, તત્કાલીન તલાટી કમ મંત્રી અને બોગસ સાક્ષીઓની સંડોવણી અંગે પણ પોલીસે તપાસ આગળ ધપાવી છે. વૃદ્ધાવસ્થામાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપીઓની ધરપકડથી બનાવટી દસ્તાવેજો બનાવતા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
