સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભટલાઈ ગામમાં સ્પીકરનો અવાજ ધીમો કરવા કહેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્પીકર ધીમો વગાડવાનું સમજાવવા ગયેલા 71 વર્ષીય નગીનભાઈ વનમાળીભાઈ પટેલ પર હથોડી વડે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ ફરાર થયેલા ત્રણ આરોપીઓને ઇચ્છાપોર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 14 ઓક્ટોબરના રોજ નગીનભાઈ પટેલ તેમના રહેણાકની બાજુમાં આવેલી તરૂણભાઈની ખોલીમાં રહેતા લોકોને સ્પીકરનો અવાજ ધીમો કરવા સમજાવવા ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ નગીનભાઈને પકડી તેમના માથાના પાછળના ભાગે તેમજ કપાળ પર હથોડી વડે ઘા માર્યા હતા. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં નગીનભાઈનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
ઘટનાની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસ હરકતમાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.પી. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત રસ્તાઓ અને રેલવે સ્ટેશન પરના CCTV ફૂટેજની તપાસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની હિલચાલનો પીછો કરાયો હતો. આ તપાસના આધારે પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા ત્રણ આરોપીઓ કોણ છે?
1. સુવેન્દુ ગણેશ હોનાગા (ઉંમર 26 વર્ષ) – હાલ રહે. કમલેશભાઈ પટેલ કોલોની, ભટલાઈ ગામ, સુરત. મૂળ વતન પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ.
2. શંકરસિંગ સીબુસિંગ (ઉંમર 34 વર્ષ) – હાલ રહે. તરૂણભાઈ પટેલની કોલોની, પટેલ ફળિયું, ભટલાઈ ગામ, સુરત. મૂળ વતન પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ.
3. સંતુ ઉર્ફે સુપ્રિયો નરૂગોપાલ હોનાગા (ઉંમર 26 વર્ષ) – હાલ રહે. તરૂણભાઈ પટેલની કોલોની, પટેલ ફળિયું, ભટલાઈ ગામ, સુરત. મૂળ વતન પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ.
ત્રણેય આરોપીઓ મજૂરીકામ સાથે સંકળાયેલા હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ, સ્પીકરનો અવાજ ધીમો કરવા જેવી બાબતે કોઈની હત્યા કરવાની ઘટના સામે આવતા, સ્થાનિકોમાં ભય અને ચિંતાની લાગણી પ્રસરી છે.
