મોબાઇલ ફોન વગર જીવવું સહેલું નથી, એમાં કોઈ શંકા નથી. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના યુવાનો દિવસમાં સરેરાશ 4 કલાક અને 37 મિનિટ તેમના ફોન પર પસાર કરે છે.
શું આ ઉપકરણ આપણને ટ્રૅક કરે છે?શું તે આપણને સાંભળે છે, ભલે આપણે ફોન હાથમાં રાખીએ, ખિસ્સામાં રાખીએ કે તેને લઈને ફરતા રહીએ? બીબીસીએ આ અંગે વધુ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ એવી છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તમારો ફોન તમારી વાતો સાંભળી શકે છે અને તમારા મનને વાંચી શકે છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકો કહે છે કે જો તમે કોઈની સાથે કોઈ બાબત વિશે વાત કરો છો, તો એ વિષયને લગતી જાહેરાત તમારા સોશિયલ મીડિયા પર દેખાશે. શું તમે પણ આવું નોંધ્યું છે?
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા યુઝર્સ એવું વિચારી રહ્યા છે કે કંપનીઓ ઍપ્સ દ્વારા લોકોને ટ્રૅક કરી રહી છે. અન્ય લોકો આ વાતને સાચી માને છે.
જોકે, મિત્રો સાથે વાત કર્યા પછી સોશિયલ મીડિયા પર તે વિષયો સંબંધિત જાહેરાતો દેખાય તે એક સંયોગ હોઈ શકે છે, પરંતુ આવું કેમ થયું તે પ્રશ્ન તમને વિચારવા મજબૂર કરે છે.કોઈ ચોક્કસ વિષય પરની સામગ્રી સાથે તમે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો તેના આધારે, તમને તે વિષય સંબંધિત વધુ પોસ્ટ્સ દેખાશે.
સોશિયલ મીડિયા એલ્ગોરિધમ્સ તમે કઈ પોસ્ટ્સ જુઓ છો, શૅર કરો છો અને પસંદ કરો છો તેના આધારે તમારા ઑનલાઇન વર્તનનું વિશ્લેષણ કરે છે. તે નક્કી કરે છે કે તમને કયા પ્રકારનું કન્ટેન્ટ બતાવવું.
કેટલાક ઑનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સનો દાવો છે કે આ ઍપ્સ યુઝર્સની માહિતી એકત્ર કરે છે. તેઓ એવું પણ કહે છે કે ફોનનાં સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરીને તેને અટકાવી શકાય છે. જોકે, આ દાવાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.
અન્ય લોકોએ એક કાવતરાની એવી થિયરી રજૂ કરી છે કે, સરકારો અને કંપનીઓ તેમને જાણ કર્યા વિના જ તેમની જાસૂસી કરી રહી છે.
શું મારો ફોન ખરેખર મને સાંભળી રહ્યો છે?
આનો જવાબ હા અને ના બંનેમાં આપી શકાય.
જોકે, ઘણા લોકો જે રીતે વિચારે છે તે રીતે નહીં. સ્માર્ટફોન હંમેશાં સિરી, ઍલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા વૉઇસ આસિસ્ટન્ટને સક્રિય કરવા માટે તૈયાર હોય છે. જ્યારે તમે ‘હે સિરી’ જેવા ચોક્કસ શબ્દો કહો છો અને ઇન્ટરનેટ પર જે પૂછો છો કે શોધો છો, ત્યારે તે તેનો જવાબ આપે છે.
વૉઇસ સહાયકો ઍપ્લિકેશન્સની ભલામણ કરવા અને તમારી સૂચનાઓનો જવાબ આપવા જેવી સેવાઓ માટે વૉઇસ માહિતીનો ઉપયોગ કરે છે.
જોકે, એવા કોઈ પુરાવા નથી કે લોકોની દૈનિક વાતચીત રેકૉર્ડ કરવામાં આવી રહી છે. ઇન્સ્ટાગ્રામે અગાઉ એવા આરોપોને નકારી કાઢ્યા છે કે તે વપરાશકર્તાઓની ખાનગી વાતચીત સાંભળે છે.
ઇન્સ્ટાગ્રામ કહે છે કે, તમે જે વિષય વિશે વાત કરી રહ્યા છો તેના વિશે જાહેરાતો તમારા પેજ પર દેખાય તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
તે જણાવે છે, “તે યાદૃચ્છિક હોઈ શકે છે, તમે તે વિષય સંબંધિત કોઈ વસ્તુ સાથે સંપર્ક કર્યો હશે, અથવા તમે ઇન્ટરનેટ પર એ સેવા કે વસ્તુ વિશે શોધ્યું હશે.”
ઇન્સ્ટાગ્રામે એ પણ સમજાવ્યું કે, તે કેટલાક જાહેરાતકર્તાઓ સાથે કામ કરે છે જે વેબસાઇટ મુલાકાતીઓ વિશે ડેટા પ્રદાન કરે છે. તે ડેટા ઍપ્લિકેશનને એવી સામગ્રી બતાવવાની મંજૂરી આપશે જે વપરાશકર્તાઓની રુચિઓ અને પ્રવૃત્તિઓની નજીક હોય.
જો ફોન તમારી વાત સાંભળી રહ્યો છે તો શું કરવું જોઈએ?
ફોન આપણી રોજિંદી વાતચીત સાંભળી રહ્યો છે, તેનો કોઈ પુરાવો નથી.
મોબાઇલ ફોન વપરાશકર્તાઓની વાતચીત ‘સાંભળી’ રહ્યા છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી છે કે કેમ તે જાણવા માટે બીબીસીએ યુકે ડિપાર્ટમેન્ટ ફૉર સાયન્સ, ઇનોવેશન ઍન્ડ ટૅક્નૉલૉજીનો સંપર્ક કર્યો.
મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, “સોશિયલ મીડિયા સહિતની ઍપ્સ તમારા ફોનના ફક્ત તે ભાગોને જ ઍક્સેસ કરી શકે છે, જેનો ઉપયોગ કરવાની તમે તેમને પરવાનગી આપી છે. ઉદાહરણ તરીકે, નકશા માટે કૅમેરા અથવા સ્થાન. તેમણે પહેલાં તમારી પરવાનગી લેવી પડશે. તેમણે સમજાવવું પડશે કે તેમને તેની શા માટે જરૂર છે. તમે તમારાં ફોન સેટિંગ્સમાં તે પરવાનગીને નકારી શકો છો અથવા બદલી શકો છો.”
જો તમે હજુ પણ ગોપનીયતા વિશે ચિંતિત છો, તો અહીં કેટલાંક સૂચનો છે.
સારો, મજબૂત પાસવર્ડ વાપરવો અને તેને કોઈની સાથે શૅર ન કરવો
ઇ-મેઇલ જેવા મહત્ત્વપૂર્ણ એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન અથવા પાસવર્ડનો ઉપયોગ કરવો
કોઈ ઍપ ડાઉનલોડ કરતા પહેલાં, તે કઈ પરવાનગીઓ માંગે છે તે તપાસો
