ઓનલાઇન ખરીદેલી વસ્તુઓ પરત કરવાની સુવિધા ગ્રાહકોની સગવડ માટે હોય છે. લગભગ તમામ ઓનલાઇન રિટેલરો ખરાબ અથવા અનફિટ વસ્તુઓને પરત કરવાની સુવિધા આપે છે. પરંતુ શું થાય જ્યારે લોકો આ સુવિધાનો દુરુપયોગ કરવા લાગે? આ પ્રશ્ન ત્યારે ઉઠ્યો જ્યારે ગરબાની સીઝન પૂરી થયા બાદ, એક ડિલિવરી એજન્ટ પરત આવેલા કપડાંના વિશાળ ઢગલા જોઈને સ્તબ્ધ થઈ ગયો.
આ ઘટનાએ તહેવારોની સીઝનમાં થતી ખરીદી અંગે ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો તહેવારો માટે કપડાં ખરીદીને ઉજવણી પૂરી થયા પછી તેને પરત કરી દે છે.X’પર નિશાંત ચાંત નામના એક યુઝરે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વાયરલ થયેલા આ ફૂટેજમાં રહેણાંક વિસ્તારમાં ઈ-કોમર્સ પાર્સલોનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. પેકેજો પર શિપિંગ લેબલ અને બારકોડ લાગેલા છે, જેથી એ તો નક્કી છે કે આ પાર્સલ કોઇ ને કોઇ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ મોટી ગુલાબી બેગ ખોલે છે, જેની અંદર અન્ય ઘણા પાર્સલો ભરેલા છે. પરત કરાયેલી વસ્તુઓથી ભરેલી સફેદ કોથળીઓ આમ-તેમ વિખરાયેલી પડી છે. આ પાર્સલોની સંખ્યા એટલી છે કે ઈમારતો અને વૃક્ષો વચ્ચેના રસ્તાઓ પર પણ સીલ કરાયેલા પાર્સલોના ઢગલા છે.
