ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર પ્રકારના બળાત્કારના ગુનામાં તેમજ અમદાવાદ શહેરના સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજ બનાવવાની ગંભીર ફરિયાદોમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને કોટેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી ઝડપી લેવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
બે વર્ષથી ફરાર આરોપી મંદિરમાં રહેતો હતો ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ગંભીર અને લાંબા સમયથી ઉકેલાયા વિનાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાંચના પીઆઇ કે.જે.રાઠોડની અલગ-અલગ ટીમો ધ્વારા ગેજેટ પ્રસિદ્ધ થયેલા અને ફરાર આરોપીઓની યાદી તૈયાર કરીને કેસ પેપરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન આરોપીઓના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળ અંગેની ગુપ્ત માહિતી એકત્રિત કરી તેમના પર હ્યુમન સોર્સ દ્વારા સતત નજર પણ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સ તથા ડેટાબેઝ એનાલિસિસના પ્રયાસોથી ચોક્કસ માહિતી મળી હતી કે, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર મોટેરા કોટેશ્વરનો રહેવાસી કેતુ ઉર્ફે કેતુલ કમલેશભાઈ પટેલ હાલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હાજર છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને આરોપીના પહેરવેશ, શારીરિક બાંધા અને ફોટોગ્રાફ્સના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરી તેને ઝડપવાનો પ્રયાસ કરાયો, જોકે આરોપીને શંકા જતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતર્ક ટીમે તેને પીછો કરીને દબોચી લીધો હતો.
દુષ્કર્મ, છેતરપિંડી સહિતના ગુના આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે,આરોપી કેતુલ પટેલનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર રહ્યો છે. તે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે નોંધાયેલા બળાત્કારના કેસ ઉપરાંત અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ તથા વિશ્વાસઘાતના કેસમાં અને ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો ઊભા કરવા તથા ગુનાહિત કાવતરાના કેસમાં નાસતો ફરતો હતો. આ સિવાય વર્ષ 2014માં અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે વિશ્વાસઘાત અને ઠગાઈ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.હાલ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે