કેસરિયા ગરબામાં ભક્તિનો રંગ, રાષ્ટ્રપ્રેમનો ઉમંગ! 21 હજાર દીવડાંના ઝળહળાટ વચ્ચે PM પ્રત્યે કૃતજ્ઞતાનો જયઘોષ

Spread the love
આસો નવરાત્રિના આઠમા નોરતે ગાંધીનગરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ રચાયો હતો, જ્યાં ગરબા મહોત્સવો દરમિયાન યોજાયેલી દિવ્ય મહાઆરતીઓએ હજારો ખેલૈયાઓ અને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીના 25 વર્ષના સુશાસનની ઝાંખી દર્શાવતી દીવડાઓની આકૃતિ કંડારવામાં આવી હતી, જ્યારે થનગનાટ ગરબા મહોત્સવમાં 21,000 દીવડાંની રોશનીથી આખું પરિસર ઝળહળી ઊઠ્યું હતું.
ગરબામાં ધૂમ મચાવતા ખેલૈયાની તસવીરો
કેસરિયા ગરબામાં PM નરેન્દ્ર મોદીના 25 વર્ષના સુશાસનને વંદન
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા-નવરાત 2026’માં આઠમના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં હજારો દીવડાઓ ગોઠવીને ‘નમો-25 વર્ષ સુશાસનના’ની આકૃતિ બનાવવામાં આવી હતી. ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રાના સુરીલા સ્વરો વચ્ચે વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે મા અંબાની ભવ્ય આરતી ઉતારી હતી.
થનગનાટ ગરબામાં 21,000 દીવડાંની ભવ્ય મહાઆરતી
ગાંધીનગર થનગનાટ દ્વારા આયોજિત ‘આદ્યશક્તિ આઇકોનિક ગરબા મહોત્સવ’માં આઠમના નોરતે મા મહાગૌરીની ઉપાસના નિમિત્તે 21,000 દીવડાંની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. હજારો દીવડાંની ઝગમગતી જ્યોતથી સમગ્ર ગરબા પરિસર આધ્યાત્મિક ઊર્જા અને દિવ્ય તેજથી છલકાઈ ગયું હતું, જે સનાતન સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *