દેશમાં વીજળીની વધતી માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ચિંતાનો વિષય બન્યું છે. સપ્ટેમ્બર 2026માં દેશની વીજળીની અછત (Power Crisis)વધીને 56 કરોડ યુનિટ સુધી પહોંચી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગુજરાત સહિત નવ રાજ્યોમાં વીજળીની અછતને પગલે વધારાના વીજ પુરવઠાની જરૂરિયાત ઊભી થઈ છે. જો માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર યથાવત્ રહેશે, તો આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં વીજકાપ (Power Cut)ની સ્થિતિ સર્જાઈ શકે છે.દેશમાં વીજળીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારો વધારાના વીજ પુરવઠા માટે કેન્દ્ર સરકારનો સંપર્ક કરી રહી છે. રૉયટર્સના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026માં વીજળીની અછત (Power Crisis)વધીને 560 મિલિયન કિલોવોટ-કલાક એટલે કે 56 કરોડ યુનિટ થઈ હતી. ઓગસ્ટ 2023 પછીનો આ સૌથી મોટો આંકડો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
વીજળીની માંગમાં વધારો અને ઉત્પાદનની મર્યાદાઓને કારણે વીજ વ્યવસ્થાપન સામે પડકાર ઊભો થયો છે. ખાસ કરીને દિવસ દરમિયાન સૌર ઊર્જાથી મળતી વીજળીનો લાભ રાત્રિના સમયે ઉપલબ્ધ ન રહેતાં પુરવઠા (Power Supply)પર દબાણ વધે છે.
ગુજરાત સહિત 9 રાજ્યોમાં વીજ પુરવઠા સામે પડકાર
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં વીજળીની અછત (Gujarat Power Crisis)નો મુદ્દો ચર્ચામાં છે. આ રાજ્યોમાં વધતી માંગને પહોંચી વળવા માટે વધારાની વીજળી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દિવસ દરમિયાન સોલાર પાવરથી વીજળીની જરૂરિયાતનો અમુક હિસ્સો પૂરો થાય છે. જોકે, સાંજ અને રાત્રિના સમયે સૌર ઊર્જાનું ઉત્પાદન ઘટતાં અન્ય વીજ ઉત્પાદન સ્ત્રોતો પર આધાર વધે છે. આ સમયે માંગ ઊંચી રહે તો વીજ ગ્રીડ પર દબાણ વધી શકે છે. પરિણામે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાને નિયંત્રિત કરવાની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે.
ઓછો વરસાદ, કોલસાની અછત અને ગરમી મુખ્ય કારણો
વીજળીની અછત Power Crisis)પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઓછા વરસાદને કારણે જળવિદ્યુત ઉત્પાદન પર અસર પડી શકે છે. બીજી તરફ, કોલસા આધારિત વીજ મથકોમાં ઈંધણના જથ્થા અને જાળવણી સંબંધિત પડકારો પણ ઉત્પાદનને અસર કરી શકે છે.
અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કોલસાથી વીજ ઉત્પાદનમાં 13.3 ટકાનો વધારો થયો હતો. તેમ છતાં, ગ્રીડ ઈન્ડિયાના આંકડાને ટાંકીને જણાવાયું છે કે દેશના આશરે 47 ટકા કોલસા આધારિત વીજ મથકોમાં ઈંધણનો જથ્થો નિર્ધારિત સ્તરના ચોથા ભાગથી પણ ઓછો હતો.
આ ઉપરાંત, સામાન્ય કરતાં વધુ તાપમાન રહેતાં ઘરો અને ઓફિસોમાં એર કન્ડિશનર તથા કૂલરનો વપરાશ વધે છે. ખેતીમાં સિંચાઈ માટે પણ વીજળીની માંગ વધી શકે છે. આ તમામ પરિબળો એકસાથે અસર કરે ત્યારે વીજ પુરવઠા અને માંગ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે.
સરકારના પ્રયાસો વચ્ચે વીજકાપની શક્યતા
વીજળીની અછત (Power Crisis)ને પહોંચી વળવા માટે વધારાના વીજ પુરવઠાની વ્યવસ્થા, કોલસાના ઉત્પાદન અને પુરવઠામાં સુધારો તેમજ બેટરી આધારિત ઊર્જા સંગ્રહ જેવી વ્યવસ્થાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. સૌર ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીને સંગ્રહિત કરીને રાત્રિના સમયે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા પણ લાંબા ગાળે મદદરૂપ બની શકે છે.
જો વીજળીની માંગ સતત ઊંચી રહે અને ઉત્પાદન તથા પુરવઠામાં પૂરતો વધારો ન થાય, તો કેટલાક વિસ્તારોમાં વીજકાપની શક્યતા નકારી શકાય નહીં. જોકે, તમામ નવ રાજ્યોમાં વીજકાપ લાગુ પડશે એવું હાલ કહી શકાય નહીં. વીજળીની ઉપલબ્ધતા, સ્થાનિક માંગ અને સરકાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાઓના આધારે સ્થિતિ બદલાઈ શકે છે.
વીજળીની અછત લાંબી ચાલે તો વધારાના ભાવે વીજળી ખરીદવાની ફરજ પડતાં વીજ વિતરણ કંપનીઓના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. તેથી આગામી સમયમાં વીજળીનું ઉત્પાદન, કોલસાનો પુરવઠો(Coal Shortage)અને વધતી માંગ વચ્ચે સંતુલન જાળવવું મહત્ત્વપૂર્ણ રહેશે.
