વીજ સંકટ સામે લડવા ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનો મોટો નિર્ણય: PM સૂર્ય ઘર યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે વધારાની સબસિડી

Spread the love

સામાન્ય વર્ગે માત્ર 10% અને SC/ST પરિવારોએ 5% જ ખર્ચ કરવો પડશે

સોલાર રૂફટોપ માટે ₹1,000 કરોડની વધારાની સબસિડી

ગાંધીનગરઃ ઓછા વરસાદ અને અલ નીનોના કારણે ગુજરાતમાં વીજની માંગ ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી છે. જેના પરિણામે ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારમાં વીજ કાપ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો, શ્રમિકો તેમજ ગ્રામ્ય સ્તરના કર્મચારીઓ માટે અનેક મહત્વના લોકહિતકારી નિર્ણયો લેવામાં આવ્યા હતા.જેમાં PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે વધારાની સબસિડી, ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં વધારો અને શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોના વિસ્તરણનો સમાવેશ થાય છે.

 

ગુજરાતમાં PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના હેઠળ અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત થઈ ચૂક્યા છે. ગરીબ, વંચિત અને મધ્યમ વર્ગના પરિવારો પરથી આર્થિક બોજ હળવો કરવા રાજ્ય સરકારે અંદાજે ₹1,000 કરોડના ખર્ચે વિશેષ વધારાની સબસિડી આપવાની જાહેરાત કરી છે:

 

કેન્દ્ર સરકારની સબસિડી ઉપરાંત રાજ્ય સરકારની સહાય જોડાતાં, હવે સામાન્ય વીજ ગ્રાહકે બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10% અને SC/ST કેટેગરીના ગ્રાહકે માત્ર 5% ખર્ચ જ ભોગવવો પડશે. બાકીની સંપૂર્ણ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

 

જૂની સૂર્ય-ગુજરાત યોજનાના 40% સબસિડી માળખામાં સુધારો કરી, હવે સામાન્ય વર્ગના અરજદારોને બેન્ચમાર્ક ખર્ચના વધારાના 30% અને SC/ST વર્ગના લાભાર્થીઓને વિશેષ 35% વધારાની આર્થિક સહાય મળશે. આ નવી જોગવાઈથી રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે અને રાજ્યમાં ગ્રીન એનર્જીનો વ્યાપ વધુ ઝડપથી વધશે.

 

આ ઉપરાંત બેઠકમાં ગ્રામસેવકોના હિતમાં માસિક પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો તેમજ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો વ્યાપ વધારી વધુ શ્રમિકોને આવરી લેવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ રાજ્યની GST આવકમાં થયેલા નોંધપાત્ર વધારાની વિગતો પણ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *