બુલિયન માર્કેટ અને કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારા રોકાણકારો માટે વૈશ્વિક બજારમાંથી એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના નાણાકીય બજારોમાં સોનાની કિંમતોમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે અને સોનું દરરોજ નવા નીચલા સ્તરે ગગડી રહ્યું છે.
જાન્યુઆરી ૨૦૨૬ માં ઓલ-ટાઇમ હાઈનો નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ હવે સોનામાં ‘મોટું કરેક્શન’ જોવા મળી રહ્યું છે.વર્તમાન ટ્રેન્ડ મુજબ, ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ $૪,૧૫૦ પ્રતિ ઔંસની નીચે પહોંચી ગયો છે, જે ભારતીય ચલણમાં આશરે ₹૧.૨૬ લાખ પ્રતિ ૧૦ ગ્રામ જેટલો થાય છે. જોકે બેંક ઓફ અમેરિકાના તાજેતરના અહેવાલ મુજબ, કિંમતો પરનું આ દબાણ હજુ લાંબો સમય ચાલુ રહી શકે છે. બેંકના અંદાજ અનુસાર, હાલના ઘટાડા બાદ સોનું ગગડીને લગભગ $૩,૭૦૦ પ્રતિ ઔંસ સુધી નીચે આવી શકે છે. ભારતીય ચલણના હિસાબે આ કિંમત ₹૧.૧૨ લાખ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ બેસે છે.
બેંક ઓફ અમેરિકાનું માનવું છે કે જાન્યુઆરી ૨૦૨૬ માં સોનું $૫,૫૯૫ પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું હતું. આટલી મોટી અને લાંબી તેજી બાદ કિંમતોને સ્થિર થવા માટે હજુ વધુ સમય અથવા મોટા ઘટાડાની જરૂર પડી શકે છે. જુલાઈ ૨૦૨૬ માં જારી કરાયેલા અહેવાલનો સંદર્ભ આપતાં બેંકે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ચાલી રહેલા કરેક્શનને આશરે ૩૮ અઠવાડિયા થઈ ચૂક્યા છે. ભૂતકાળની મોટી તેજીઓની સરખામણીએ આ સમયગાળો હજુ ટૂંકો છે, જેના કારણે સોનામાં ઘટાડાનો આ તબક્કો આગળ પણ લંબાઈ શકે છે.ટેકનિકલ ચાર્ટના આધારે બેંકે જણાવ્યું છે કે જ્યાં સુધી સોનું $૪,૬૯૭ નો સ્તર પાર ન કરે ત્યાં સુધી મંદીની આશંકા બનેલી રહેશે. આ ઉપરાંત $૪,૪૭૨ ના સ્તરે રહેલો ૫૦-અઠવાડિયાનો મુવિંગ એવરેજ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેંકના વિશ્લેષણ મુજબ, સોના માટે $૩,૨૫૦ નો સ્તર સૌથી મહત્વપૂર્ણ ટેકો (Support Level) સાબિત થશે. જો સોનું આ સ્તરે પહોંચે છે તો ભારતીય બજારમાં તેનો ભાવ ₹૯૮,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ આવી શકે છે, જે રૂ. ૧ લાખના માનસિક સ્તરથી પણ નીચે હશે.
આ તીવ્ર ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકી ડોલરની મજબૂતી છે. ડોલર ઇન્ડેક્સ (DXY) ૧૦૨.૮૬ ની સપાટી વટાવીને ૧૮ મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે અને તે વધીને ૧૦૪.૫૯ થી ૧૦૫ સુધી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે, ડોલર મજબૂત થાય ત્યારે અન્ય દેશોની કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું બને છે, જે આંતરરાષ્ટ્રીય માગ પર વિપરીત અસર પાડે છે અને ભાવ નીચા લાવે છે.
રોકાણકારો માટે ખાસ રણનીતિ અને ૨૦૨૭ નો રોડમેપ
અમેરિકી બેંકે રોકાણકારો માટે તબક્કાવાર ખરીદી (Saggered Buying) ની રણનીતિ સૂચવી છે. રિપોર્ટ મુજબ, સોનું $૪,૦૦૦ ની નીચે આવે ત્યારે ધીમે-ધીમે ખરીદી શરૂ કરી શકાય છે. ત્યારબાદ $૩,૭૦૦ ના સ્તરે ખરીદી વધારી શકાય અને જો ભાવ $૩,૫૦૦ થી $૩,૨૫૦ ના દાયરામાં આવે તો બાકીનું રોકાણ કરવા વિચારણા કરી શકાય.
બીજી તરફ, વિશ્લેષકોએ એક સકારાત્મક પાસું પણ દર્શાવ્યું છે. જો સોનું આ વર્ષના નીચલા સ્તર $૩,૯૪૩ થી નીચે નથી જતું અને ૫૦-અઠવાડિયાના મુવિંગ એવરેજથી ઉપર નીકળે છે, તો ચાર્ટ પર ‘ડબલ બોટમ’ પેટર્ન બનશે. આ સ્થિતિમાં હાલનું કરેક્શન પૂરું થશે અને વર્ષ ૨૦૨૭ માં સોનું તમામ જૂના રેકોર્ડ તોડીને નવી સપાટી સર કરી શકે છે.