પોલીસ મથકની કસ્ટડીમાંથી એક અત્યંત ચોંકાવનારી અને પોલીસ વિભાગને દોડતી કરી મૂકે તેવી ઘટના સામે આવી છે. પોલીસ(Surat Lockup Escape) રિમાન્ડ હેઠળ રહેલો પ્રદીપ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ (ઉં.વ. 21, રહે. વેડરોડ, સુરત નામનો આરોપી 20 ઓક્ટોબરના રોજ વહેલી સવારે માત્ર 4 મિનિટના ટૂંકા ગાળામાં (3:21થી 3:25 વાગ્યા દરમિયાન) લોકઅપમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.4 મિનિટમાં લોકઅપ ખોલીને ફરાર થયો રીઢો આરોપી
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી પ્રદીપે કોઈક યુક્તિ-પ્રયુક્તિથી લોકઅપનો દરવાજો ખોલી નાખ્યો હતો અને ફરજ પર હાજર પોલીસકર્મીઓની આંખમાં ધૂળ નાખીને નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓમાં ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી.
લૂંટ અને ઘાતક હથિયાર સહિતના ગંભીર ગુના હેઠળ હતો ઝડપાયો
ભાગી છૂટેલો આરોપી સામાન્ય કેદી નહોતો, પરંતુ તેની સામે અગાઉ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને GP એક્ટ હેઠળ ગંભીર ગુના નોંધાયેલા હતા. જેમાં ખાસ કરીને કલમ 309(4) (લૂંટ), 309(6) (લૂંટ કરતી વખતે સ્વેચ્છાએ શારીરિક ઈજા પહોંચાડવી), 311 (જીવલેણ હથિયાર સાથે લૂંટ અથવા ગંભીર ઈજાનો પ્રયાસ), કલમ 3(5) (સહિયારા ઈરાદાથી ગુનો) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ) સામેલ છે. આવા ગંભીર ગુનાના કામે તે કાયદેસરના રિમાન્ડ પર લોકઅપમાં બંધ હતો.
નવી FIR નોંધાઈ, પોલીસ દ્વારા સઘન નાકાબંધી અને તપાસ શરૂ
કાયદેસરની કસ્ટડીમાંથી આરોપીના નાસી છૂટવાની આ ઘટના અંગે જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. અરવિંદભાઈ સોમાભાઈએ રાંદેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે BNS 2023 ની કલમ 262 (પોલીસ કસ્ટડીમાંથી નાસી જવું) મુજબ નવો ગુનો દાખલ કર્યો છે, જેની આગળની તપાસ પો.સ.ઇ. પી.જી. ગોહિલને સોંપવામાં આવી છે. હાલ સુરત પોલીસે શહેરભરમાં નાકાબંધી ગોઠવીને ફરાર પ્રદીપ ઉર્ફે જાડિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
