ગુજરાતમાં 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ, જીતુભાઈએ કહ્યું- મેં 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય જોયો નથી

Spread the love

ગુજરાતમાં ગંભીર વીજ સંકટ ઉભું થયું છે. વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન બગાડતા રાજ્યભરમાં વીજ સંકટ ઘેરાઈ રહ્યું છે. ખાસ કરીને સૂર્યાસ્ત બાદ સોલાર આધારિત વીજ ઉત્પાદન બંધ થતા વીજળીની તંગી સર્જાઈ રહી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અવારનવાર વીજળી ડૂલ થઈ રહી છે. વીજ અછતને પહોંચી વળવા માટે તંત્રએ ગ્રામીણ વિસ્તારોમાં લોડ શેડિંગ શરૂ કર્યું છે , જેના કારણે દૂધ મંડળીઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે અને લોકો સાંજના સમયે દીવા સળગાવવા મજબૂર બન્યા છે.

આ વીજ સંકટની મોટી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં સાપ્તાહિક વીજકાપ મુકવામાં આવી રહ્યો છે, જેને કારણે સુરત સહિતના રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગોને દરરોજ કરોડોનો ફટકો પડી રહ્યો છે. તેમજ સુરતમાં કાર્યરત વિવિધ ક્ષેત્રના 5000થી યુનિટ હાલ મુશ્કેલીમાં મૂકાય છે.

નવસારી, વલસાડ અને ભરૂચના ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં સપ્તાહમાં 1 દિવસ સાંજે 4:00-12:00 વાગ્યા સુધી સતત 8 કલાક વીજ કાપનો કડક અમલ શરૂ કરી દીધો છે.

 

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં 45 થી 48 હજાર યુનિટ કાર્યરત છે. દિવાળીના સોદા પૂરા કરવાના હોય, ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય અને કારીગરોના પગાર-બોનસ આપવાના હોય ત્યારે આ કાપ નુકસાનકારક છે.

 

આધુનિક ટેકનોલોજી વાપરતા એકમો માટે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવો ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. મશીનો અચાનક બંધ થઈ જતા તેમાં લાગેલા 5000થી લઈને 50000 રૂપિયા સુધીની કિંમતના ઈલેક્ટ્રોનિક કાર્ડ ઉડી જવાના કિસ્સાઓ બન્યા છે. અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, મશીન બંધ કરવું સરળ છે પણ તેને ફરીથી શરૂ કરવામાં 2 કલાક જેટલો સમય લાગી જાય છે. અગાઉથી જાણ કર્યા વિના થતા પાવર કટથી બહુ મોટી ખાનાખરાબી થાય છે. જો અગમચેતીના ભાગરૂપે 15 મિનિટ પહેલા જાણ કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે મશીનો બંધ કરી શકાય અને આર્થિક નુકસાન અટકાવી શકાય.

નિકાસ અને સ્થાનિક ડિમાન્ડ પર પણ આ સંકટની ગંભીર અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારાના કારણે ગ્રે કાપડ અને પ્રોસેસિંગ ચાર્જ વધતા માર્કેટમાં દિવાળી હોવા છતા અડધી જ ડિમાન્ડ છે. અશોકભાઈના મતે સારી ક્વોલિટીનું કપડું બનાવવા અવિરત વીજળી જરૂરી છે. પાવર વચ્ચે કટ થાય તો કાપડમાં ડિફેક્ટ આવે છે, જે વિદેશી માર્કેટમાં ચાલતું નથી.

દિવાળીના તહેવારો સમયે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો ચારે બાજુથી ભીંસમાં મુકાયા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે વધેલી મોંઘવારી તથા ઘટેલી ડિમાન્ડ અને બીજી તરફ સરકારનો 8 કલાકનો આકરો વીજ કાપ. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો અને MSME એકમો માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે વીજ કાપના સમયમાં વ્યવહારુ ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતના અનેક કારખાનાઓને ફરજિયાતપણે તાળા મારવાની નોબત આવી શકે છે, જેની સીધી અસર દિવાળી ટાણે લાખો કારીગરોની રોજગારી પર પડશે.

 

દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12-13 દિવસમાં અચાનક મીટિંગ કરીને વીજ કાપ લાદી દેવાયો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ, કોલસો અને ડાઈસ કેમિકલના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. આવા સંજોગોમાં પાવરનો વધારાનો 8-10 લાખનો મહિને ખર્ચ આવે તો પ્રોફિટ કમાવવાની કોઈ શક્યતા નથી. મારા 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય મેં જોયો નથી. કોરોના એક કુદરતી આફત હતી, પણ આ માનવ સર્જિત છે.

 

ઉલ્લેખનીય છે કે, પીક પ્રોડક્શનના આ સમયમાં ફેક્ટરીઓ બંધ રહેતાં દૈનિક વીજ વપરાશ 134 મિલિયન યુનિટથી ઘટીને સીધો 126 મિલિયન યુનિટ પર આવી ગયો છે. દક્ષિણ ગુજરાતના ઈતિહાસમાં દિવાળીના તહેવારો પૂર્વે 5.97 ટકાના મોટા ઘટાડાની સીધી અસર ટેક્સટાઇલ પ્રોસેસિંગ, વીવિંગ, ડાઈંગ અને કેમિકલ એકમો પર પડી છે.

 

વીજ કાપના કારણે ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પ્રોસેસિંગ મિલોમાં કામ ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડે છે, જેના કારણે 400-450 મિલોને 4 અઠવાડિયામાં અંદાજિત 40-50 કરોડ રૂપિયાનો માત્ર જનરેટર પાછળ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. આ ગણતરી મુજબ દરેક મિલને સરેરાશ 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ વીવિંગ સેક્ટરમાં પણ સાપ્તાહિક રજાના કારણે એક જ દિવસમાં 15-20 કરોડ રૂપિયાનું માતબર નુકસાન ટેક્સટાઈલ ચેઈનને થઈ રહ્યું છે. કાચા માલના ભાવમાં થયેલા વધારા વચ્ચે આ પાવર કટ પડ્યા પર પાટું સમાન છે. દિવાળી અગાઉ ઉદ્યોગોમાં ડિસ્પેચિંગ અને પેમેન્ટનું ભારે ભારણ હોય છે ત્યારે વીજ કાપનો સમય બદલવાની માંગ ઉઠી છે.

વીજ સંકટના કારણો

 

વરસાદ ઓછો પડ્યો એટલે ડેમના પાણીમાંથી ઉત્પન્ન થતી વીજળીમાં ઘટ આવી. જો ડેમનું પાણી વીજળી બનાવવામાં વપરાય જાય તો પીવા માટે કે સિંચાઈ માટે પાણી ન રહે.

 

જે વિસ્તારોમાં કોલસાની ખાણ છે, ખાસ કરીને ઓડિશામાં, ત્યાં એવું પૂર આવ્યું કે ત્યાંની ખાણોમાં હજુ પાણી છે. ખાણમાંથી કોલસો ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે કોલસાની તંગી છે. કારણ કે ભારતમાં 70 ટકા વીજળી કોલસામાંથી બને છે. અલનીનો ઈફેક્ટના કારણે આ વખતે ભારત તરફ આવતા ઝડપી પવનો અતિ ધીમા છે. તેના કારણે પવનચક્કી જોઈએ તેવી ફરતી નથી. જેનાથી ઉત્પન્ન થતી વીજળી જોઈએ તેટલી બનતી નથી.

 

સોલાર એનર્જી ઉત્પન્ન કરવામાં ગુજરાત નંબર વન છે, પણ સોલાર પેનલમાંથી વીજળી ત્યાં સુધી જ બને છે જ્યાં સુધી તડકો હોય. સાંજ ઢળી જાય પછી સોલારમાંથી વીજળી બનતી નથી. એટલે ગ્રીડને જાળવી રાખવા થર્મલ પાવર પર ટ્રાન્સફર કરી દેવાય છે. જે કોલસામાંથી બને છે. થાય છે એવું કે રાત પડે કારખાના, ફેક્ટરીઓમાં પ્રોડક્શન વધે, તહેવારોમાં રાતે વીજળી વપરાય, ઘરે-ઘરે રાત્રે જ લાઈટનો વપરાશ વધે. એટલે રાત્રે કોલસા આધારિત વીજળી મળવી મુશ્કેલ બનતું જશે. ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે વિદેશથી કોલસો અને ગેસ આયાત કરવા પરવડે તેવા નથી. કોલસો બહુ મોંઘો છે.

 

કયા જિલ્લામાં ક્યારે વીજકાપ?

 

સોમવાર:ગાંધીનગર, વલસાડ, નવસારી

 

મંગળવાર:અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી

 

બુધવાર:રાજકોટ, મોરબી

 

ગુરુવાર:મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, ડાંગ

 

શુક્રવાર:ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા

 

શનિવાર:કચ્છ

 

રવિવાર:પાટણ, વડોદરા, આણંદ, તાપી, સુરત, છોટા ઉદેપુર.

આ વીજ અછતના નિવારણ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દિલ્હી પહોંચી પાવર અને રેલવે મંત્રાલય સહિતના વિભાગો સાથે બેઠક યોજી છે. રાજ્યને કોલસાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી છે, અને આ બેઠકના અંતે ગુજરાત માટે હકારાત્મક નિર્ણય આવશે તેવી આશા સેવાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *