પીયૂષ ગોયલે બર્લિન ગ્લોબલ ડાયલોગમાં EUની CBAM અને વેપાર નીતિઓની આકરી ટીકા કરી. તેમણે વિકસિત દેશોને તેમની ઐતિહાસિક જવાબદારી યાદ અપાવતાં કહ્યું કે જળવાયુ પરિવર્તન માટે તેઓ જવાબદાર છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જળવાયુ પરિવર્તન અને વેપાર નીતિઓને લઈને યુરોપની આકરી ટીકા કરી છે. જર્મનીની રાજધાની બર્લિનમાં યોજાયેલા બર્લિન ગ્લોબલ ડાયલોગ 2026માં તેમણે યુરોપિયન યુનિયનના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) અને વેપાર નીતિઓની આકરી ટીકા કરી હતી.સાથે જ તેમણે ક્લાઇમેટ ફાઇનાન્સિંગ માટે કરવામાં આવેલા 100 અબજ ડોલરના વાયદાની પણ યાદ અપાવી હતી.
પીયૂષ ગોયલ 22થી 27 ઑક્ટોબર, 2026 દરમિયાન જર્મની અને નેધરલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. બર્લિનમાં તેમણે જળવાયુ નાણાંકીય સહાય અંગે ભારતનો પક્ષ રજૂ કરતાં વિકસિત દેશોની જવાબદારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે વિકસિત દેશો ઓછા વિકસિત દેશોની જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી કરવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના તેમના પ્રયાસોમાં સાથ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
જળવાયુ માટેની મદદના વચનથી કેમ ફરી રહ્યા વિકસિત દેશો?
ક્લાઇમેટ ફાઇનાન્સિંગ અંગે સવાલ ઉઠાવતાં પીયૂષ ગોયલે કહ્યું કે, ‘2015માં પેરિસ જળવાયુ સંમેલનમાં સમગ્ર દુનિયા એકસાથે આવી હતી. વડાપ્રધાન મોદીએ જ ગ્લોબલ સાઉથના દેશોને એકસાથે લાવ્યા હતા અને COP21માં જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ થવા અન્ય દેશોને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન સહમતી સધાઈ હતી કે દાયકાઓથી જળવાયુને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર વિકસિત દેશોએ વધુ કિંમત ચૂકવવી પડશે.’
તેમણે વધુમાં કહ્યું કે નક્કી થયું હતું કે વિકસિત દેશો વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોને સહયોગ આપશે. તેમાં પ્રશાંત મહાસાગર અને કેરેબિયન સમુદ્રના ટાપુ રાષ્ટ્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી વિકસિત દેશોએ દર વર્ષે 100 અબજ ડોલરની નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું. આ એક પ્રતિબદ્ધતા હતી. જોકે, વિકસિત દેશો ઓછા વિકસિત દેશોની જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી કરવામાં અને તેમને જરૂરી સહયોગ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
ભારતની વસ્તી મોટી, પણ કાર્બન ઉત્સર્જનનો ફાળો ઓછો
પીયૂષ ગોયલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે 2015માં યોજાયેલા પેરિસ જળવાયુ સંમેલનને 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે, પરંતુ ભારતને હજુ સુધી આ નાણાકીય સહાયનો એક રૂપિયો પણ મળ્યો નથી. તેમણે કહ્યું કે આ બધાં વચનો જ છે. યુરોપિયન યુનિયન અને CBAM (કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ) પણ આ મોટા સવાલનો જવાબ આપી શક્યાં નથી.
ગોયલે વધુમાં આકરા શબ્દોમાં સવાલ ઉઠાવ્યો કે, ‘સૌથી પહેલાં એ જણાવો કે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? ઓઝોન સ્તરને નુકસાન ક્યાંથી થયું? વાતાવરણમાં આટલો બધો કાર્બન કોણે છોડ્યો? હું વિશ્વની 17% વસ્તીનું પ્રતિનિધિત્વ કરું છું, પરંતુ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં મારા દેશનો હિસ્સો 3%થી પણ ઓછો છે. યુરોપ કદાચ વિશ્વની 3થી 4% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમસ્યા તમારા કારણે ઊભી થઈ છે.’
યુરોપની કાર્બન ટેક્સ નીતિ સામે પીયૂષ ગોયલનો વિરોધ
પીયૂષ ગોયલે કહ્યું કે ભારત જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસોમાં પોતાની ભૂમિકા પ્રત્યે જાગૃત અને પ્રતિબદ્ધ છે. જોકે, પશ્ચિમી દેશો અને ભારતની વસ્તીના કદ તથા કાર્બન ઉત્સર્જનના પ્રમાણ વચ્ચે સ્પષ્ટ અસંતુલન છે. આમ છતાં, યુરોપિયન યુનિયન દ્વારા કાર્બન ટેક્સ (CBAM) અને વનનાબૂદી સંબંધિત નિયમો (EUDR) લાદવા સંપૂર્ણપણે અયોગ્ય છે. તેમણે આ પગલાંને ‘પોતાના જ પગ પર કુહાડી મારવા અને પોતે જ આપત્તિને આમંત્રણ આપવા’ સમાન ગણાવ્યાં હતાં.
હકીકતમાં, યુરોપિયન યુનિયને જળવાયુ પરિવર્તનના નામે બે કડક નિયમો લાગુ કર્યા છે. તેમાં પ્રથમ CBAM એટલે કે કાર્બન ટેક્સનો સમાવેશ થાય છે. તેનો હેતુ વિદેશમાંથી આયાત થતી એવી વસ્તુઓ પર ટેક્સ લગાવવાનો છે, જેના ઉત્પાદન દરમિયાન વધુ કાર્બન ઉત્સર્જન થાય છે. તેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને સિમેન્ટનો સમાવેશ થાય છે. બીજો નિયમ વનનાબૂદી સાથે સંબંધિત છે. આ નિયમ મુજબ યુરોપમાં માત્ર એવી વસ્તુઓ જ વેચી શકાશે, જેના ઉત્પાદન માટે વૃક્ષો કાપવામાં આવ્યાં ન હોય
