ચાંદીમાં કડાકો, દિવાળી પહેલા ભાવ ₹ 2 લાખ નીચે, ઐતિહાસિક ટોચથી 50 ટકા તૂટ્યા, જાણો કેમ

Spread the love

દિવાળી પહેલા ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોધાયો છે. ચાંદીના ભાવે ઐતિહાસિક ઉંચાઇથી 50 ટકા ઘટીને એક વર્ષમાં પહેલીવાર ₹ બે લાખ પ્રતિ કિલોની નીચે બોલાઇ રહ્યા છે. શુક્રવાર, 23 ઓક્ટોબરના રોજ એમસીએક્સ ચાંદીની વાયદાનો ભાવ ₹ 2 લાખ પ્રતિ કિલોથી નીચે બોલાયો હતો. કિંમત ધાતુના ભાવમાં ઘટાડાએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.ચાંદીના ભાવમાં ઘટાડો માત્ર ભારત પૂરતો જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. વિદેશી બજારમાં ચાંદીના ભાવ ઘણા મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા છે. તેની અસર સિલ્વર ઇટીએફ પર પણ જોવા મળી રહી છે.

 

ચાંદીના ભાવ કેમ ઘટ્યા?

 

ચાંદીના ભાવમાં ઘટાડો

 

શુક્રવાર, 23 ઓક્ટોબરના રોજ, MCX પર ડિસેમ્બર 2026 ચાંદી વાયદાની કિંમત 1.72% ઘટીને ₹ 1,96,170 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. અગાઉના ટ્રેડિંગ સેશનની સરખામણીમાં તે ₹ 3,429 ઘટ્યો હતો. આ સાથે ચાંદીની કિંમત 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી નીચે પહોંચી ગઈ છે. 29 જાન્યુઆરીએ ભારતમાં ચાંદીની કિંમત 3,84,632 રૂપિયા પ્રતિ કિલોની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. તે ઐતિહાસિક ટોચથી હાલ ચાંદીના ભાવ લગભગ 50 ટકા ઘટી ગયા છે.

 

MCX પર ચાંદીનો હાજર બાવ ₹ 2,00,853 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન, ચાંદી સાથે સંકળાયેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે સિલ્વર ઇટીએફના ભાવમાં પણ 2.5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ભાવમાં સતત ઘટાડો અને માંગના અભાવે બજાર પર દબાણ ચાલુ રાખ્યું છે.

 

વૈશ્વિક બજારમાં પણ ચાંદીના ભાવ તૂટ્યા

 

ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. શુક્રવારે ગ્લોબલ સ્પોટ સિલ્વર 54 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા કોમેક્સ પર ચાંદી વાયદો 4.60 ટકા ઘટીને 54.7 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો. તે નવેમ્બર 2025 બાદ સૌથી નીચો ભાવ છે.

 

આ વર્ષે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં 21 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તો જાન્યુઆરીમાં ચાંદી 121 ડોલર પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી લગભગ 55 ટકા ઘટી ગઇ છે.

 

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, ચાંદીના ભાવ ઘટાડાનું મુખ્ય કારણ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) શેરોમાં ભારે વેચવાલી છે. ટ્રેડરો અન્ એસેટ્સમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કિંમતી ધાતુઓ વેચી રહ્યા છે. મેટા પ્લેટફોર્મ્સે મૂડી ખર્ચ વધારવાની યોજના બનાવ્યા બાદ આ અઠવાડિયે ઇક્વિટી માર્કેટમાં ઘટાડો તીવ્ર બન્યો હતો. આનાથી ફરીથી ચિંતા ઉભી થઈ છે કે ટેક કંપનીઓ એઆઈના વિકાસ માટે ભંડોળ એકત્ર કરવા માટે વધુ ઉધાર લઈ શકે છે.

 

ક્રૂડ ઓઇલના ભાવે પણ દબાણ વધાર્યું છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 114 ડોલર પ્રતિ બેરલની સપાટી કુદાવી ગયો છે, જે પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટી છે. સાઉદી અરેબિયા પર હૌથી હુમલાની તીવ્રતા અને ઇરાન વિરુદ્ધ વધુ અમેરિકાના હુમલાના અહેવાલોએ મધ્ય પૂર્વમાં સપ્લાય સાથે સંકળાયેલા જોખમોમાં વધારો કર્યો છે.

 

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, કિંમતી ધાતુઓ માટે આશાની કિરણ છે અને તે બોન્ડ માર્કેટમાંથી દેખાઇ રહી છે. યીલ્ડ (બોન્ડ પર વળતર) ઘટી રહ્યું છે. પરંતુ જો તમે ઝીણવટપૂર્વક જોશો તો મોંઘવારી ઘટી રહી છે તેના કારણ નહીં, પરંતુ આવું ઇક્વિટી માર્કેટમાં મોટા ઘટાડાને કારણે થઈ રહ્યું છે. રોકાણકારો એઆઈ સાથે સંકળાયેલા શેર વેચી રહ્યા છે અને તેમના નાણાં સુરક્ષિત બોન્ડમાં મૂકી રહ્યા છે. આ માંગને કારણે યીલ્ડ ઘટી રહી છે.

 

ચાંદીની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

 

ચાંદીના ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે. તેમા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ, પુરવઠા, ડોલરની કિંમત અને વ્યાજ દરોમાં ફેરફારનો સમાવેશ થાય છે. જો બજારમાં ચાંદીની માંગ વધે છે અને પુરવઠો ઓછો રહે તો ભાવમાં વધારો થઈ શકે છે. બીજી બાજુ બજારમાં માંગ ઘટે છે અથવા વેચાણ વધે છે ત્યારે પણ ભાવ ઘટી શકે છે.

 

ભારતમાં ચાંદીના ભાવો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અને રૂપિયા ડોલર વિનિમય દરથી પણ પ્રભાવિત થાય છે. તેથી, ઔદ્યોગિક માંગમાં ફેરફાર ચાંદીના ભાવને પણ અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *