દિવાળીને લઈને સુરત પોલીસ એલર્ટ: હીરા, સોના-ચાંદી, કરોડોની રોકડની સુરક્ષા માટે 10 નિયમો જાહેર

Spread the love

દિવાળીના તહેવારો દરમિયાન સુરતના હીરા બજાર, જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ અને બેંકોમાં કરોડો રૂપિયાના હીરા, સોના-ચાંદીના દાગીના તથા રોકડની હેરફેર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની કવાયત હાથ ધરી છે. તહેવારો દરમિયાન ચોરી, લૂંટ, છેતરપિંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ સેક્ટર-1 દ્વારા વેપારીઓ સાથે વિશેષ માર્ગદર્શન બેઠક યોજીને 10 મહત્વપૂર્ણ સુરક્ષા નિયમોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા અને સોસાયટીઓમાં જઈને નાગરિકોને સુરક્ષા અંગે જાગૃત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

 

મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે અધિક પોલીસ કમિશનર સેક્ટર-1ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો, બેંક અધિકારીઓ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તહેવારો દરમિયાન વધતી નાણાકીય લેવડદેવડ અને કિંમતી માલસામાનની હેરફેરને ધ્યાનમાં રાખીને વેપારીઓને સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી.

 

દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓ અને નાણાકીય સંસ્થાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસે 10 મુખ્ય નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જેમાં દુકાન અને સંસ્થાઓમાં CCTV કેમેરા 24 કલાક કાર્યરત રાખવા, તમામ પ્રવેશદ્વારો પર નજર રાખવી અને DVR તથા ક્લાઉડમાં રેકોર્ડિંગનું બેકઅપ જાળવવાનો સમાવેશ થાય છે.

 

સંસ્થામાં પ્રવેશતા ગ્રાહકો, કારીગરો, કર્મચારીઓ અને આંગડિયા પ્રતિનિધિઓની ઓળખ ચકાસવી, સોના-ચાંદી, હીરા કે રોકડ ખુલ્લામાં ન રાખવાં અને કિંમતી માલની ગણતરી કે હસ્તાંતરણ શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિઓની હાજરીમાં કરવું જરૂરી ગણાવાયું છે.

 

આંગડિયા મારફતે કિંમતી પાર્સલ મોકલતી વખતે પ્રતિનિધિના ઓળખપત્ર, મોબાઇલ નંબર અને વાહનની વિગતો ચકાસવા, મોટી રોકડ રકમ કે કિંમતી માલ એક જ વ્યક્તિ મારફતે ન મોકલવા અને મુસાફરીના રૂટની માહિતી મર્યાદિત લોકો સુધી રાખવા સૂચના અપાઈ છે.

 

બેંકિંગ વ્યવહારોમાં RTGS, NEFT અને ચેક દ્વારા નાણાં મોકલતાં પહેલાં ખાતાની વિગતો ફરી ચકાસવા તથા અજાણી લિંક, QR કોડ, શંકાસ્પદ ફોનકોલ અને વોટ્સએપ મેસેજથી સાવચેત રહેવા જણાવાયું છે. કિંમતી સામાન લઈ જતી વ્યક્તિ અને વાહનની વિગતો રજિસ્ટરમાં નોંધવા, ફાયર સેફ્ટી સાધનો કાર્યરત રાખવા, જૂનાં ઘરેણાં ખરીદતી વખતે ગ્રાહકનું KYC ચકાસવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે શહેરની મુખ્ય ડાયમંડ માર્કેટો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વચ્ચે મોટા પ્રમાણમાં હીરા તથા રોકડની હેરફેર થતી હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. દિવાળી નજીક કારીગરોના પગાર અને વેપારી વ્યવહારોને કારણે રોકડની અવરજવર વધતી હોવાથી 1થી 6 તારીખ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગ વધારવાની માગ કરવામાં આવી હતી.

 

મહિધરપુરા હીરા બજારમાં શાકભાજી અને ફળોની લારીઓને કારણે થતી ભીડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વેપારીઓ ખરીદી અને વેચાણમાં વ્યસ્ત હોય ત્યારે ખિસ્સાકાતરુઓ કિંમતી માલસામાનની ચોરી કરી શકે તેવી આશંકા વ્યક્ત કરીને દિવાળીના છેલ્લા પાંચથી સાત દિવસ દરમિયાન બજારમાં ભીડ નિયંત્રિત કરવા અને લારી-ગલ્લાઓને દૂર રાખવા યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

 

ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પોલીસ, IT કે GST અધિકારી હોવાનો ઢોંગ કરીને તપાસના બહાને વેપારીઓને રસ્તા પર રોકતા અને છેતરપિંડી કરતા તત્વોથી સાવચેત રહેવા જણાવ્યું હતું. આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા રોકવામાં આવે તો બિનજરૂરી જોખમ ન લેવા અને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી હતી.

 

દિવાળીના સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના PI અને સંબંધિત અધિકારીઓ વેપારીઓના ફોનનો સમયસર પ્રતિસાદ આપે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાત્રિના સમયે કે અચાનક કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે પોલીસનો સંપર્ક કરવો જરૂરી બને છે. આવી સ્થિતિમાં યોગ્ય સંકલન જળવાય અને ફરિયાદોનું સમયસર નિરાકરણ આવે તે માટે પોલીસ તથા વેપારીઓ વચ્ચે સંવાદ વધારવાની જરૂર છે.

 

દિવાળીની રજાઓમાં બહારગામ જતા નાગરિકોને ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘરની બહાર હોવાની માહિતી, લાઇવ લોકેશન કે મુસાફરીની તસવીરો જાહેર કરવાનું ટાળવું, બારી-દરવાજા યોગ્ય રીતે બંધ રાખવા અને લાંબા સમય માટે બહાર જવાનું હોય તો વિશ્વસનીય વ્યક્તિને જ જાણ કરવી જોઈએ.

ઘરમાં કિંમતી દાગીના અને રોકડ રાખવાને બદલે શક્ય હોય ત્યાં સુધી બેંક લોકરનો ઉપયોગ કરવા તથા ઘરની ચાવી ગાદલા, ઓશિકા કે ડોરમેટ નીચે છુપાવવાની આદત ટાળવા પણ સૂચના આપવામાં આવી હતી. નાગરિકો પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનને બહારગામ જવાની જાણ કરે તો પરિસ્થિતિ અનુસાર પોલીસ પેટ્રોલિંગ અને દેખરેખમાં મદદ મળી શકે છે.

 

દિવાળીના તહેવારો દરમિયાન ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને વૃદ્ધોને અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવા જણાવાયું છે. ડિલિવરી બોય કે અન્ય અજાણી વ્યક્તિ આવે ત્યારે તેની ઓળખની ખાતરી કર્યા વિના દરવાજો ન ખોલવો અને ઘરેણાં ચમકાવવાની લાલચમાં આવીને સોના-ચાંદીના દાગીના સોંપવા નહીં.

 

પોલીસ, બેંક કે અન્ય સરકારી સંસ્થાના નામે કોઈ વ્યક્તિ ફોન કરીને અંગત માહિતી, બેંકની વિગતો કે દસ્તાવેજો માગે તો તેની સત્યતા ચકાસ્યા વિના માહિતી ન આપવાની સલાહ આપવામાં આવી છે.

 

અધિક પોલીસ કમિશનર બલરામ મીણાએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા સોસાયટીઓમાં જઈને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોની સંખ્યા ઓછી હોય તો પણ પોલીસ માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે. આવા પ્રયાસોથી દસમાંથી એક વ્યક્તિ પણ જાગૃત બને અને સંભવિત ગુનો અટકાવવામાં મદદ મળે તો તેને પોલીસની સફળતા ગણવામાં આવશે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંવેદનશીલ બનાવીને આયોજનબદ્ધ રીતે વધુમાં વધુ મેનપાવર મેદાનમાં તૈનાત રાખવા પ્રયાસ કરવામાં આવશે. નાગરિકો અને વેપારીઓને પણ કોઈ નાની શંકાસ્પદ બાબત જણાય તો તેને અવગણવાને બદલે સમયસર પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

દિવાળીના તહેવારો દરમિયાન સુરતના હીરા બજાર, જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ અને રહેણાક વિસ્તારોમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વેપારીઓ સાથે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વેપારીઓએ પણ પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા અને પોલીસની માર્ગદર્શિકાનું પાલન કરવાની ખાતરી આપી હતી. હવે તહેવારો દરમિયાન પેટ્રોલિંગ, નાગરિક જાગૃતિ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર દેખરેખ દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત દિવાળી જળવાઈ રહે તે દિશામાં પોલીસ કામગીરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *